ભારતમાં જળસંકટ છે એ ભૂલશો નહીં - જળ શક્તિ મંત્રાલય
આઝાદીના સાત દાયકા દરમિયાન ભારતમાં મોટા ડેમો, બંધો, આડ બંધો અને સરોવરો બનતા રહ્યા છે, પણ આજેય દેશની 85 ટકા વસ્તીએ પીવાના પાણીની જરૂરિયાત માટે ભૂગર્ભ જળ પર આધાર રાખવો પડે છે. ખેડૂતો પણ જમીનમાંથી પાણી ખેંચી સિંચાઈ કરતા રહે છે. પાણી માટેનો મહત્ત્વનો સ્રોત હોવા છતાં ભૂગર્ભ જળ સૌથી વધુ પ્રદૂષિત થઈ ગયું છે અને તેનું સૌથી વધારે દોહન થઈ રહ્યું છે.

વરસાદી પાણીના સંગ્રહની કોઈ સારી વ્યવસ્થા ના હોવાના કારણે વરસાદી પાણીમાંથી માત્ર 8 ટકાનો જ સંગ્રહ થાય છે. તેના કારણે ભૂગર્ભ જળના સ્તરમાં કોઈ સુધારો થતો નથી અને પૂરતું પાણી જમીનમાં ઉતરતું નથી. પરિણામે દેશમાં ઘણી જગ્યાએ પાણીની તંગી વર્તાવી રહે છે. ભારતમાં માથા દીઠ પાણીની ઉપલબ્ધિ 2025 સુધીમાં અંદાજે 25 ટકા ઘટી જશે અને 2035 સુધીમાં જળ સ્ત્રોતનું સંકટ ઊભું થઈ શકે છે.
જળ શક્તિ મંત્રાલયે આ સ્થિતિનું મૂલ્યાંકન કરીને પાણીનો મહત્તમ ઉપયોગ થાય તે માટેનું એક ફ્રેમ વર્ક તૈયાર કર્યું છે. મંત્રાલય તરફથી દરેક પંચાયતો, મહાપાલિકાઓ અને જળ નિગમોને જણાવાયું છે કે પાણી બચાવો મિશનમાં ભાગ લેવો જરૂરી છે અને પાણીનો દુરુપયોગ થતો હોય ત્યાં દંડ થવો જોઈએ. કેન્દ્રના જળસંસાધન મંત્રાલયે ઑક્ટોબર 2017માં ભૂગર્ભ જળના ઉપયોગ માટેની નવી માર્ગદર્શિકા તૈયાર કરવા માટે ખરડો તૈયાર કર્યો હતો. ઑગસ્ટ 2019માં જલ શક્તિ અભિયાન હેઠળ 256 જિલ્લાઓમાં જળસંચય માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સંકટ વધારે ઘેરું બને તે પહેલાં કેન્દ્ર સરકારે આ જળસંચયના કાર્યક્રમોનો અસરકારક અમલ થાય તે જોઉં જોઈએ.
ભારતના પાણીદાર પુરુષ તરીકે ઓળખાતા પર્યાવરણ પ્રેમી રાજેન્દ્ર સિંહે કહે છે કે દેશનું 72 ભૂગર્ભ જળનું સ્તર નીચે જતું રહ્યું છે. તેમાં એટલું નુકસાન થયું છે કે હવે સુધારો થઈ શકે તેમ નથી. નાસાના એક અભ્યાસ અનુસાર ભારત દર વર્ષે 10 ફૂટ જેટલું ભૂગર્ભ જળ ગુમાવે છે. મિહીર શાહ સમિતિના અહેવાલમાં જણાવાયું હતું કે ઊંડા બોરવેલના કારણે દેશના ઘણા વિસ્તારોમાં દુકાળ જેવી સ્થિતિ આવીને ઊભી રહી છે.
મદ્રાસ હાઈ કોર્ટે માર્ચમાં જણાવ્યું હતું કે પાણીની બોટલો પહોંચાડવાનું કામ કરતી ખાનગી કંપનીઓ પર સરકારી સત્તાધીશોએ નિયંત્રણ રાખવું જોઈએ. તેના પર વેરો નાખવો જોઈએ. યુકે, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને દક્ષિણ આફ્રિકામાં વરસાદી પાણીના દરેકેદરેક ટીપાંનો સંગ્રહ કરવા પર ધ્યાન અપાય છે. તેની સામે આપણે હજીય રાહ જોઈએ રહ્યા છીએ કે અદાલત આપણું ધ્યાન ખેંચે કે વરસાદી પાણીનો સ્રોત કેટલો અગત્યનો છે. દર વર્ષે 90 ટકા વરસાદી પાણી એમ જ દરિયામાં વહી જાય છે, જ્યારે લાખો લોકોને મહિનાઓ સુધી પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી.
જોકે હજીય મોડું થયું નથી. દાખલા તરીકે તેલંગાણામાં મિશન ભગીરથ શરૂ કરાયું છે, જેનો હેતુ ગામડામાં અને શહેરોમાં શુદ્ધ પીવાના પાણીની યોજનાઓ શરૂ કરવાનો છે. સરકાર દરેક મહત્ત્વના જળ સ્રોતમાં પાણીનો સંગ્રહ થાય તે જુએ છે. તે રીતે આખું વર્ષ પુષ્કળ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. બીજા રાજ્યોએ પણ આમાંથી શીખવું જોઈએ.
જળસ્ત્રોતોને ફરીથી તાજા કરવાથી વધુ સારો પાક પણ લઈ શકાશે. ડાંગર અને શેરડી જેવા પાકો મોટા પાયે પાણી માગે છે. તેની સામે કૃષિ વિજ્ઞાનીઓ અને યુનિવર્સિટીઓ ઓછા પાણીથી ઉગતા પાકોની ભલામણ કરી શકે છે.
નાગરિકોએ પણ પાણીનો બચાવ કરીને પોતાની ભૂમિકા ભજવવી જોઈએ. સરકારોએ શાળાના અભ્યાસક્રમમાં જ જળસંચય અને પાણીના બચાવનું મહત્ત્વ સમજાવવું જોઈએ. કેન્દ્ર સરકારે જળસંચયને રાષ્ટ્રીય નીતિ તરીકે જાહેર કરીને આગામી સંકટને ટાળવું જોઈએ.