મુંબઇ: બંગાળી ફિલ્મ નિર્દેશક શુભેન્દુ રાજ ઘોષ દ્વારા ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવ પર બાયોપિક બનાવી છે. જે અંગે તેમણે ઇટીવી ભારત સાથે વાતચીત કરી હતી. પ્રસ્તુત છે આ વાતચીતના અંશ..
તમે મુલાયમ સિંહ યાદવ જેવા નેતા પર જ શા માટે ફિલ્મ બનાવી?
મુલાયમ સિંહ યાદવ તે વખતે રાજકારણમાં આવ્યા હતા જ્યારે ભારતના રાજકારણમાં ઘણા મોટા નેતાઓ હાજર હતા, જેઓ પહેલેથી રાજકારણીય પીઠબળ ધરાવતા હતા. પરંતુ મુલાયમ સિંહ યાદવનું કોઈ મોટું બેકગ્રાઉન્ડ ન હતું. તેમણે બીએડ સુધીનું શિક્ષણ લીધું, રમતગમતમાં રસ ધરાવતા હતા. તેઓ કેવીરીતે રાજકારણમાં આવ્યા, કેવી રીતે તેમને પદ મળ્યું, કેવી રીતે તેમણે પ્રજાનો વિશ્વાસ જીત્યો તે પણ એક યાત્રા છે. આઝાદી પહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝને 'નેતાજી'નું બિરૂદ આપવામાં આવ્યું હતું જ્યારે આઝાદી બાદ તેઓને જ 'નેતાજી' તરીકે બોલાવવામાં આવતા હતા.
શું આ એક સંપૂર્ણ બાયોપિક છે?
આ એક રાજકીય બાયોપિક કહી શકાય, ખાસ તો આ એક યુવકની યાત્રા છે. તે સમયે એક ગામની હાલત શું હતી, શિક્ષણની પરિસ્થિતિ શું હતી, તે જે સંજોગોમાંથી આગળ આવીને મુખ્યપ્રધાન બન્યો હોય તે એક સંઘર્ષથી કમ નથી.
શું આ ફિલ્મ કોઈ ચોક્ક્સ રાજકીય પક્ષની તરફેણ કરે છે? અથવા કોઈ પક્ષનો તેના પર પ્રભાવ છે?
જરા પણ નહિ. હું રાજકારણમાં માનતો નથી. મને કોઈ રાજકીય પક્ષ સાથે લગાવ નથી. મે ફક્ત એટલા માટે આ ફિલ્મ બનાવી કેમકે મુલાયમસિંહ યાદવની વાર્તા પ્રેરણાત્મક છે.