કહેવાય છે કે, મહિલાઓના ઉત્થાન અને મુક્તિ માટે ગાંધીજીનું સૌથી મોટું યોગદાન તેઓને સામાજિક અને રાજકીય આંદોલનમાં સમાવિષ્ટ કરતું હતું. ગાંધીજી મહિલાઓને, જે અત્યાર સુધી રસોડામાં મર્યાદિત હતી, તેમને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં લાવ્યા હતા. તેઓએ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં અને બાદમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મોટી સંખ્યામાં મહિલાઓને અહિંસક કાર્યકરો તરીકે નોંધાવ્યા હતા. ગાંધીજીએ મોટી સંખ્યામાં મહિલાઓને ચળવળમાં ભાગ લેવા પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું.
આ સાથે જ બાપુએ મહિલાઓને દક્ષિણ આફ્રિકાના આશ્રમો અને અન્ય આંદોલનોમાં ભાગ લેવા પ્રેરણા આપી હતી. ગાંધીજીનું ભારતમાં પ્રથમ સંઘર્ષ ચંપારણમાં હતું, જ્યાં 25 સ્વયં સેવકોમાંથી 12 મહિલા સેવકો સાથી હતા. કસ્તુરબા ગાંધી, સાબરમતી આશ્રમથી 37 મહિલા સ્વયંસેવકો સાથે નીકળ્યા હતા અને કાયદાનું ઉલ્લંઘન કરીને મીઠું તૈયાર કર્યું હતું. જેમાં સરોજિની નાયડુ, કમલા દેવી ચટ્ટોપાધ્યાય અને અન્ય લોકોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંધારણ વિધાનસભામાં પણ મહિલા સભ્યો હતા, જેમાં રાજ કુમારી અમૃત કૌર, દુર્ગાબાઈ દેશમુખ સમાવિષ્ટ હતા.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના સામાજિક અને રાજકીય આંદોલનોમાં મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. ગાંધીજીએ મહિલા નેતા સરોજિની નાયડુને કોંગ્રેસ પક્ષના અધ્યક્ષા પણ બનાવ્યા હતા. તે વખતે પશ્ચિમમાં પણ બહુ ઓછા દેશોમાં મહિલા નેતાઓ હતી. ગાંધીજીએ મહિલાઓને કહ્યું હતું કે, દારૂની દુકાન સામે વિરોધ પ્રદર્શન કરવા જોઈએ. બ્રિટિશ સામ્રાજ્ય સામે મીઠાનો સત્યાગ્રહ કર્યો ત્યારે પણ ઘણી નારીઓ જોડાઈ હતી. કહેવાય છે કે, ગાંધીજીએ ક્યારેય આધુનિક નારીવાદની ભાષાનો ઉપયોગ નહોતો કર્યો. ગાંધીજીએ મહિલા શિક્ષણ તથા કારખાના અને કચેરીઓમાં કામ કરવા સમર્થન આપેલું.
મહાત્મા ગાંધીની તસવીરોને ધ્યાનપૂર્વક નિહાળીએ તો મોટાભાગના ફોટોગ્રાફ્સમાં ગાંધીજીની ચોતરફ લોકોની ભીડ જોવા મળે છે. આ ભીડમાં કેટલાક લોકો એવા છે. જેને લગભગ દરેક ભારતીય નાગરિક જાણે છે. જોકે, કેટલીક વ્યક્તિઓ એવી છે. જેના વિશે લોકો બહુ ઓછું જાણે છે. મોહનદાસ કરમચંદ ગાંધીના વિચારોને કારણે અત્યંત નજીક રહેલી કેટલીક મહિલાઓ વિશે જાણવું રસપ્રદ છે. મહિલાઓની જિંદગીમાં ગાંધીજીનો ગાઢ પ્રભાવ રહ્યો હતો. મહાત્માજીએ જે રસ્તા પર ચાલવાનું પસંદ કર્યું હતું એ રસ્તે ચાલીને વિવિધ મહિલાઓ આગળ વધી હતી.