ભાજપ અને શિવસેનાને સમય આપ્યા બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલે NCPને 24 કલાકનો સમય આપી સરકાર રચવાના દાવા અંગે અને બહુમતિનો કાગળ સુપ્રત કરવાનો સમય આપ્યો છે. સમય આપ્યા બાદ તાત્કાલિક એનસીપી નેતા અજીત પવાર રાજ્યપાલને મળવા પહોંચ્યા છે.
શિવસેના નેતા એકનાથ શિંદે અને આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. મુલાકાત બાદ આદિત્ય ઠાકરેએ પત્રકાર પરિષદ સંબોધી, જેમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત ચાલી રહી છે, બંને પક્ષની કાયદેસરના જોડાણની કાર્યવાહી અંગે પણ ચર્ચા ચાલી રહી છે. અમે સરકાર બનાવવા માટે રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ કર્યા બાદ બે દિવસ આપવામાં આવે તેવી માગ કરી છે. પરંતુ રાજ્યપાલે સમય આપવાની ના પાડી છે. તેમણે લેખિતમાં આ અંગે કોઈ જવાબ ન આપતા આગળ શું કરવું તે નક્કી નથી અને મૂંઝવણ છે. જેથી હવે આગામી સમયમાં આગળની રણનીતિ નક્કી કરીશું.
ત્રણેવ પક્ષ વચ્ચેની વાતચીત આંતરિક છે, જે જાહેર કરી શકાય તેમ નથી. અમે મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપવા માંગીએ છે. અમારો દાવો હજી નકાર્યો નથી. જેથી અમને આશા છે કે હકારાત્મક સમાચાર મળશે.