મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં લોકોના ટોળાએ ચોર હોવાની શંકાના આધારે કારમાંથી બહાર કાઢી ત્રણ લોકોને માર માર્યો હતો. આ ત્રણેય વ્યક્તિ એક વ્યક્તિની અંતિમ વિધિમાં ભાગ લેવા માટે મુંબઇથી ગુજરાત (સુરત) જઈ રહ્યા હતા.
એક વરિષ્ઠ પોલિસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઘટનાની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચેલા પોલીસકર્મીઓ પીડિતોને બચાવી શક્યા નહીં કારણ કે હુમલાખોરોની સંખ્યા ઘણી વધારે હતી અને ટોળાએ પોલીસના વાહનમાં પણ પીડિતોને માર માર્યો હતો.
કાસા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આનંદરાવ કાલેએ જણાવ્યું હતું કે, આ ભયાનક ઘટના રવિવારે (16 એપ્રિલે) રાત્રે 9.30 થી 10 વાગ્યાની વચ્ચે બની હતી. આ ઘટના એવા સમયે બની જ્યારે કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન અમલમાં છે.
પોલિસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં ત્રણેય મૃતકોની ઓળખ કરવામાં આવી છે. ચિકને મહારાજ કલ્પવૃક્ષગિરી, સુશીલગિરી મહારાજ અને તેમના કાર ડ્રાઈવર નિલેશ તેલગડે. પોલીસે જણાવ્યું કે, ઘટના સાથે સંકળાયેલા 100થી વધુ લોકોને પોલીસે કસ્ટડિમાં લીધા છે.