કોલકતા / ભુવનેશ્વર / ગુવાહાટી :
કેસ 1: ઉર્મિલા (નામ બદલ્યું છે)નાં લગ્ન નાની વયે થયાં હતાં. તે તેની ત્રીસીમાં પ્રવેશી ત્યાં સુધી પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણામાં બદુરિયાની રહેવાસી હતી અને અહીં તે પોતાના સાંસારિક જીવનમાં પતિ, સાસરિયા, બાળકો અને સહુની સાથે સ્થાયી થઈ હતી. ઉત્તરાને તેના મોબાઈલ ફોનની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઘનિષ્ઠ સાથી હતી અને એકવાર તે ઈન્ટરનેટ ખંગાળતી હતી, તે દરમ્યાન તેને એક યુવાનનો પરિચય થયો, જેનું નામ સિરાજુલ હતું. બંને વચ્ચે અવારનવાર ચેટિંગ થતું હતું અને તેઓ એકબીજા વિશે વધુ જાણકારીમાં આવ્યા તેમજ લોકડાઉન હળવું થતાં જ ઉત્તરા બારાસાતમાં સિરાજુલને મળી અને તેણે પોતાનું ઘર છોડી દેવાનું નક્કી કરી લીધું. પોલીસની દરમ્યાનગીરી નિષ્ફળ નીવડી, કેમકે મહિલાએ પોતે જ જણાવી દીધું કે તે સ્વેચ્છાએ ઉત્તર પ્રદેશમાં સિરાજુલ પાસે જવા માગે છે. તાજેતરમાં એક સ્થાનિક એનજીઓએ ઉત્તર પ્રદેશમાં ઉત્તરાનો પત્તો મેળવવાના પ્રયાસો કર્યા. થોડી વધુ ભાળ મેળવતા જાણવા મળ્યું કે તેને મુંબઈમાં વેચી દેવાઈ છે.
કેસ 2: ભારત-બાંગ્લાદેશની સરહદે આવેલા બોન્ગાંવની કોલેજની એક વિદ્યાર્થિની મિસ્ડ કોલ ફ્રેન્ડશીપ સર્વિસ દ્વારા એક યુવાનને મળી અને સમય જતાં બંનેએ નવી જિંદગી શરૂ કરવાનું નક્કી કર્યું. આ છોકરીએ ગુજરાત જવા માટે ઘર છોડી દીધું, પરંતુ કેટલાંક વેશ્યાગૃહોમાં ફેરવીને તેને મુંબઈ પહોંચાડવામાં હતી. તે પછી તેને પોલીસે બચાવી લીધી હતી.
કેસ 3: પશ્ચિમ બંગાળમાં બસિરહાટ નજીક સ્વરુપનગરમાંથી એક ઈંટના ભઠ્ઠામાંથી 15 વર્ષની છોકરીને બચાવી લેવામાં આવી હતી. તેને લગ્ન અને સુંદર જીવનનાં વચનો આપીને ઘરેથી ભગાડવામાં આવી હતી. સ્થાનિક એનજીઓના સભ્યને સૌપ્રથમ આ અંગે માહિતી મળી અને તે પછી તેણે ચાઈલ્ડ લાઈન (હેલ્પલાઈન) ઉપર જાણ કરી હતી. પોલીસ અને ચાઈલ્ડ લાઈનના સ્વયંસેવકોએ હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં છોકરીને એક ઈંટના ભઠ્ઠામાં તાળાબંધ રૂમમાંથી છોડાવાઈ હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે આ છોકરીને પહેલા પૂણે લઈ જવાની હતી અને તે પછી મુંબઈમાં દેહવ્યવસાય માટે લઈ જવાની હતી. ટ્રેનનો સામાન્ય વ્યવહાર ચાલુ ન હોવાથી છોકરીને લઈ જવાનો સમગ્ર પ્લાન ચોપટ થઈ ગયો.
સમગ્ર દેશમાં મુસાફરી ઉપર પ્રતિબંધો, લોકડાઉન અને સામાન્ય ટ્રેન વ્યવહાર રદ્દ થવાને કારણે ગેરકાયદેસર વેપાર ઉપર કામચલાઉ તાળાં લાગી ગયાં હતાં, જેની ઘણી યુવાન છોકરીઓનાં જીવનને અસર થઈ છે. અને હવે જ્યારે આપણે અનલોક-3માં પ્રવેશીશું અને વધુ પ્રતિબંધો ઉઠાવી લેવાશે, ત્યારે આ રાજ્યોનાં અંતરિયાળ વિસ્તારોમાં ફરી મહિલા તસ્કરીનું જોખમ તોળાશે. દેશના પૂર્વના વિસ્તારો મહિલા તસ્કરીના મુખ્ય કેન્દ્ર તરીકે નામચીન છે અને લોકડાઉનના નિયમો હળવા થતાં જ આ સંદિગ્ધ પ્રવૃત્તિઓનો સળવળાટ ફરી શરૂ થયો છે.
મસાજ પાર્લરોથી માંડીને ડાન્સ બાર્સ સુધી, વેશ્યાલયોથી માંડીને ખાનગી પાર્ટીઓ અને એસ્કોર્ટ સર્વિસીઝ સુધી મહિલાઓ, જેમાંથી ઘણી ખરી તો માત્ર નાની છોકરીઓ હોય છે, તેમને દલાલ કે વચેટિયા દ્વારા લલચાવવામાં આવે છે. આ વચેટિયા ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં સંતાઈને બેઠા હોય છે અને કઈ છોકરીને ફસાવવી તેની તપાસ કરી રહ્યા હોય છે.
હૈદરાબાદના દિલસુખનગરની પોલીસે એ વિસ્તારમાંથી બે મહિલાઓને પકડ્યા બાદ તાજેતરમાં શિવકુમાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ બંને મહિલાઓ પશ્ચિમ બંગાળની હતી. તપાસમાં જાણવા મળ્યું કે ચિન્ના નામનો માણસ આખી ગેંગ ચલાવતો હતો અને ગેંગના સભ્યો પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાંથી છોકરીઓની તસ્કરી કરતા હતા. હજુ ચિન્ના પકડાયો નથી.
બારાસાત ઉન્નાયન પ્રસ્તુતિ જેવી એનજીઓ, જે પશ્ચિમ બંગાળની ચાઈલ્ડ લાઈન સાથે જોડાઈને કામ કરી રહી છે, તેના જણાવ્યા મુજબ, મહામારી અને લોકડાઉનને કારણે ઓનલાઈન માધ્યમો દ્વારા નાની છોકરીઓને ફસાવવાની પ્રવૃત્તિ વધી છે.
એનજીઓના સેક્રેટરી રણજીત દત્તાએ જણાવ્યું કે “ભોગ બનતી મોટા ભાગની છોકરીઓની તેમને દેહવ્યવસાયમાં ધકેલવા માટે તસ્કરી કરાઈ હોય છે. ચોરાતી છોકરીઓમાંથી લગભગ 90 ટકા છોકરીઓને આ વ્યવસાયમાં ધકેલી દેવાય છે. બાકીની છોકરીઓ મસાજ પાર્લરો અને એસ્કોર્ટ સર્વિસીઝ જેવી અન્ય સેવાઓમાં પ્રવૃત્ત બનાવાય છે. તાજેતરમાં તસ્કરો પોતાના સંભવિત શિકારની શોધ ઓનલાઈન અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ મારફતે કરી રહ્યા છે. લોકો મોટા ભાગે ઘરની અંદર રહે છે અને ઓનલાઈન સેવાઓનો ઉપયોગ અનેકગણો વધ્યો છે તેમજ વચેટિયા શિકાર માટે ચાંપતી નજર રાખતા હોય છે.”
પશ્ચિમ બંગાળના મહિલા પંચનાં અધ્યક્ષા લીના ગંગોપાધ્યાયે ઈટીવી ભારતને જણાવ્યું કે લોકડાઉન દરમ્યાન રોજગાર ગુમાવતાં અનેક ગ્રામીણ પરિવારો વેરવિખેર થઈ ગયાં છે, જેને પગલે ગુનાઓ વધ્યા છે.