ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લેફ્ટ હેન્ડર્સ ડેઃ આ લોકો વિશ્વને જરા અલગ અંદાજથી જુએ છે - ટાઇમ ફેમસ ડાબોડી આર્ટિસ્ટ્સ

13મી ઓગસ્ટે યોજાતો ઇન્ટરનેશનલ લેફ્ટ હેન્ડર્સ ડે, આ જમોડી વિશ્વમાં તેમનો ડાબો હાથ વાપરવામાં નિપુણતા હાંસલ કરનારા તમામ લોકોની આ વિશિષ્ટતાની ઊજવણી કરે છે. ડાબોડી મિત્રો, અમે તમને સલામ કરીએ છીએ – ડાબા હાથે!

LEFT HANDERS DAY
LEFT HANDERS DAY

By

Published : Aug 13, 2020, 6:00 AM IST

ન્યૂઝ ડેસ્કઃ વિશ્વની કુલ વસ્તીમાંથી આશરે 10 ટકા લોકો ડાબોડી છે. કોઇ વ્યક્તિ શા માટે ડાબા હાથનો ઉપયોગ કરવાની આવડત વિકસાવે છે, તે અંગે વિજ્ઞાનીઓ જાણકારી ધરાવતા નથી. પરંતુ, જો કોઇ બાળકના માતા કે પિતામાંથી કોઇ ડાબોડી હોય, તો બાળકની પણ ડાબોડી થવાની શક્યતા વધી જાય છે. ડાબોડી બાળકોનાં માતા-પિતા તેમને જમણા હાથનો ઉપયોગ કરવાની ફરજ પાડતાં હોય છે. જમોડી લોકોની દ્રષ્ટિએ ડાબા હાથનો વધુ પડતો ઉપયોગ કરવો ખરાબ ગણાય છે. માતા-પિતાને એવો ભય સતાવે છે કે, તેમનો સમુદાય તેમનાં સંતાનોથી અંતર રાખશે. સામાન્યપણે આપણે જમણા હાથના ઉપયોગને વધુ સાહજિકતાથી સ્વીકારી લઇએ છીએ.

લેફ્ટ હેન્ડર્સ ડે પોતાના ડાબા હાથ વડે વસ્તુને ફેંકતા હોય, તેને ઝીલતા હોય, લખતા હોય અને ડાબા હાથે જમતા હોય, ચમચીનો ઉપયોગ કરતા હોય, તેવા અસામાન્ય વ્યક્તિઓની વિશિષ્ટતાને માન્યતા બક્ષે છે. વિશ્વને જોવાનો તેમનો દ્રષ્ટિકોણ પણ જરા જુદો હોય છે. રેસ્ટોરન્ટમાં તેઓ તેમની ડાબા હાથની કોણી ટેબલની બહારના ભાગ તરફ રહે, તેવી સીટ પર બેસવાનું પસંદ કરે છે. જ્યારે રોસ્ટરમાં ડાબોડી હરીફ એથ્લેટ હોય, ત્યારે જમોડી એથ્લેટ્સના મોંમાંથી સ્હેજ નિઃસાસો નિકળી જતો હોય છે. કારણ કે, ડાબોડી હરીફનો સામનો કેવી રીતે કરવો, તેની પ્રેક્ટિસ ન હોવાથી ડાબોડી હરીફ તેમના માટે પડકાર ઊભો કરતા હોય છે.

લેફ્ટ હેન્ડર્સ ડેનો ઇતિહાસ

13મી ઓગસ્ટ, 1992ના રોજ ક્લબે ઇન્ટરનેશનલ લેફ્ટ હેન્ડર્સ ડેની વાર્ષિક ઇવેન્ટનો પ્રારંભ કર્યો હતો. આ દિવસે વિશ્વના તમામ ડાબોડી લોકો તેમની આ આગવી વિશેષતાની ઉજવણી કરે છે અને ડાબોડી હોવાના ફાયદા અને ગેરફાયદા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવે છે. આ દિવસની હવે વિશ્વભરમાં ઉજવણી થાય છે અને તાજેતરનાં વર્ષોમાં એકલા બ્રિટનમાં જ આ દિવસ નિમિત્તે 20 કરતાં વધુ પ્રાદેશિક કાર્યક્રમોનું આયોજન થાય છે – જેમાં ડાબોડી વિરૂદ્ધ જમોડી સ્પોર્ટ્સ મેચો, ડાબોડીઓની ટી-પાર્ટી યોજાય છે, અને દેશવ્યાપી ‘લેફ્ટી ઝોન’ યોજાય છે, જ્યાં લેફ્ટ હેન્ડર્સની સર્જનાત્મકતા, ગ્રહણ ક્ષમતા અને સ્પોર્ટ્સ ક્ષેત્રે તેમની ક્ષમતાને ઉજવવામાં આવે છે, જ્યારે જમોડી લોકોને અવળા હાથનો ઉપયોગ કરીને કામ કરવું કેટલું મુશ્કેલ છે, તે સમજાવવા માટે રોજ ડાબા હાથે ચીજવસ્તુઓ પકડવાનો પ્રયત્ન કરવા માટે ઉત્તેજન આપવામાં આવે છે!

આ કાર્યક્રમોએ રોજિંદા જીવનમાં ડાબોડી લોકોએ અનુભવવી પડતી મુશ્કેલીઓ તથા નિરાશાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે અને બહુમતી જમોડી લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવતી પ્રોડક્ટ ડિઝાઇનમાં સુધારો કરવામાં સફળતા અપાવી છે – તેમ છતાં આ ક્ષેત્રે હજી ઘણી લાંબી મજલ કાપવી બાકી છે!!

લેફ્ટ હેન્ડર્સ ક્લબ

ડાબોડી લોકો ગતિવિધિના સંપર્કમાં રહે, ઉત્પાદકો તથા અન્ય લોકો સુધી તેમના વિચારો પહોંચાડે, સહાય અને સલાહ-માર્ગદર્શન પૂરું પાડે, ડાબા હાથનો ઉપયોગ કરવા અંગેના સંશોધનને વેગ આપે અને નવી ડાબોડી લોકો માટેની ચીજવસ્તુઓના વિકાસને વેગ આપે, તે હેતુથી 1990માં લેફ્ટ હેન્ડર્સ ક્લબની રચના કરવામાં આવી હતી. ક્લબની સ્થાપના થઇ, ત્યારથી તેની સભ્ય સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને વિશ્વભરના ડાબોડીઓ તેના સભ્ય બને છે. આ ક્લબની ગણના અગ્રણી પ્રેશર ગ્રૂપ (દબાણ ઊભું કરનારા જૂથ) તરીકે તથા ડાબોડીપણાનાં તમામ પાસાંઓ અંગેના સલાહ કેન્દ્ર તરીકે થાય છે.

ઉજવણી

લેફ્ટ હેન્ડર્સ ક્લબે આ દિવસની પ્રથમ વાર્ષિક ઇવેન્ટ 13મી ઓગસ્ટ, 1992ના રોજ યોજી હતી. આ ઇવેન્ટનો ઉદ્દેશ ડાબોડી લોકોને તેમના અલગપણાની ઉજવણી કરવાની તક પૂરી પાડવાનો તેમજ ડાબોડી હોવાના ફાયદા અને ગેરફાયદા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો. આ દિવસની ઉજવણી હવે સમગ્ર વિશ્વમાં થાય છે. એકલા યુકેમાં જ આ દિવસ નિમિત્તે 20 કરતાં વધુ પ્રાદેશિક કાર્યક્રમો યોજાય છે.

વિશ્વની લગભગ 10 ટકા વસ્તી ડાબોડી છે. ડાબોડી હોવાના કેટલાક લાભ તથા ગેરલાભ રહેલા છે.

ફાયદા

  • ડાબોડી લોકો વધુ સ્માર્ટ અને બુદ્ધિશાળી હોય છે.
  • એક કરતાં વધુ કાર્યો સફળતાપૂર્વક તથા બહેતર રીતે પાર પાડે છે.
  • ડાબોડી લોકોની યાદશક્તિ ધુ સતેજ હોય છે.
  • ક્રિયા-પ્રતિક્રિયા ધરાવતા સ્પોર્ટ્સમાં ડાબોડી લોકો ફાયદાકારક સ્થિતિ ધરાવે છે.
  • કળા ક્ષેત્રે માહેર હોય છે.
  • ડાબોડી લોકો સ્ટ્રોકમાંથી ઝડપથી સાજા થાય છે.
  • તેઓ ઝડપથી ટાઇપ કરી શકે છે.

ગેરફાયદા

  • જમોડી મહિલાઓની તુલનામાં ડાબોડી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વવધુ જોવા મળે છે.
  • ડાબોડી લોકોમાં પિરીયોડિક લિમ્બ મૂવમેન્ટ ડિસોર્ડર (PLMD) થવાની શક્યતા નોંધપાત્ર રીતે વધુ હોય છે.
  • ડાબોડી લોકોમાં ડિપ્રેશન અને બાઇપોલર ડિસોર્ડર જેવા મૂડ ડિસોર્ડર થવાની ઊંચી સંભાવના રહેલી હોય છે.

2011માં બ્રિટિશ જર્નલ ઓફ હેલ્થ સાઇકોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જમોડીની તુલનામાં ડાબોડી લોકો આલ્કોહોલનું વધુ સેવન કરે છે.

વિશ્વની ખ્યાતનામ ડાબોડી હસ્તીઓ

લિયોનાર્ડો દ વિન્ચી

લિયોનાર્ડો દ વિન્ચીની ગણના સંભવિતપણે વિશ્વના ઓલ ટાઇમ ફેમસ ડાબોડી આર્ટિસ્ટ્સમાં થાય છે. મ્યુઝિયમ ઓફ સાયન્સના જણાવ્યા પ્રમાણે, વિન્ચી કોડેડ સ્ક્રીપ્ટનો એક પ્રકાર એવા મિરર રાઇટિંગ માટે જાણીતા હતા, જેમાં તેઓ તેમનું લખાણ અવળું લખતા – કેટલીક વખત તેમણે કદાચ આવું એટલા માટે કર્યું હશે, કારણ કે, એક ડાબોડી તરીકે શાહી વડે ડાબેથી જમણી તરફ લખવામાં શાહીના ડાઘ પડતા હતા અને લખાણ ગંદું થતું હતું.

મહાત્મા ગાંધી

જેમના કારણે ભારતને આઝાદી મળી, તથા જે હસ્તીને કારણે આપણો દેશ ખ્યાતિ પામ્યો, તે મહાત્મા ગાંધીએ ડાબા હાથે પકડેલી માત્ર એક લાકડીના જોરે દેશનું ભ્રમણ કર્યું અને દેશને આઝાદી અપાવી. તો, જો તમને એક ભારતીય હોવા બદલ ગર્વની લાગણી થતી હોય, તો ડાબોડી વ્યક્તિઓ પાસે ગર્વ અનુભવવા માટેનું વધુ એક કારણ ઉપલબ્ધ છે!

મધર ટેરેસા

રોમન કેથલિક નન મધર ટેરેસા તેમની ઘણી વિશિષ્ટતાઓ બદલ પ્રસિદ્ધ છે, તે પૈકીની એક વિશિષ્ટતા એ છે કે, તેઓ ડાબોડી હતાં. દસ્તાવેજ ઉપર સહી કરતા તેમના ફોટોગ્રાફમાં તેમને ડાબા હાથે હસ્તાક્ષર કરતાં જોઇ શકાય છે.

નેપોલિયન બોનાપાર્ટ

ટાઇમ મેગેઝિનના જણાવ્યા પ્રમાણે નેપોલિયને માર્ગની ડાબી તરફ કૂચ કરવાની અને શસ્ત્રો જમણા હાથમાં સુસજ્જ રાખવાની લશ્કરી પ્રેક્ટિસ કરાવી હતી, તેના કારણે તેના જેવી ડાબોડી વ્યક્તિને વ્યૂહાત્મક ગેરફાયદો થયો હતો.

ચાર્લી ચેપ્લિન

ચાર્લી ચેપ્લિન તેની મૂક-ફિલ્મોના યુગની કોમેડી ફિલ્મોને કારણે જાણીતો હતો. જોકે, આપણે સ્ક્રીન પર ઘણી વખત તેને હાથમાં વાયોલિન સાથે જોયો છે. અને તેને ધ્યાનપૂર્વક જોનારા પ્રશંસકોએ કદાચ નોંધ્યું હશે, કે તે વાયોલિન વગાડવા માટે હંમેશા ડાબા હાથનો ઉપયોગ કરતો હતો.

હેલન કેલર

કોન્કોર્ડિયા યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, "અંધ, બધિર અને ડાબોડી... સાચે જ, કશું જ હેલન કેલરને અટકાવી શકે તેમ ન હતું." સમગ્ર જીવન દરમિયાન ઘણા મોટા પડકારો અને અવરોધોનો સામનો કરવા છતાં, હેલન કેલર એવી ડાબોડી પ્રતિભા છે, જેમની જીવનગાથા લોકો માટે ચિરસ્થાયી પ્રેરણાસ્રોત બની રહેશે.

એરિસ્ટોટલ

એરિસ્ટોટલ ઇસુ પૂર્વે 384 અને ઇસુ પૂર્વેના 322 વર્ષોમાં થઇ ગયા, અને કોન્કોર્ડિયા યુનિવર્સિટીના દાવા પ્રમાણે, તે સમયકાળ દરમિયાન આ ગ્રીક તત્વજ્ઞાનીએ તેમના ચિંતન અને દ્રષ્ટિકોણના વિચારો ડાબા હાથથી કોતર્યા હતા.

જુલિયસ સિઝર

ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે, ઇસુ જન્મના 100 વર્ષથી ઇસુ પૂર્વેના 44 વર્ષ દરમિયાન થઇ ગયેલો રોમન શાસક, રાજનેતા અને મિલીટરી જનરલ જુલિયસ સિઝર ડાબોડી હતો.

બરાક ઓબામા

જ્યારે બરાક ઓબામાએ 20મી જાન્યુઆરી, 2009ના રોજ તેમના પ્રથમ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, ત્યારે તેમણે એવી રમૂજ કરી હતી કે, "ધેટ્સ રાઇટ, આઇ એમ અ લેફ્ટી, તેની (મારી આ લાક્ષણિકતાની) આદત કેળવો. ટાઇમ મેગેઝિને અમેરિકાના પ્રથમ આફ્રિકન-અમેરિકન પ્રમુખને ટોચની 10 ડાબોડી હસ્તીની તેની યાદીમાં મોખરાનું સ્થાન આપ્યું હતું.

નરેન્દ્ર મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના અત્યંત પ્રસિદ્ધ ડાબોડી નેતાઓમાં સ્થાન ધરાવે છે.

બિલ ગેટ્સ

માઇક્રોસોફ્ટના મુખ્ય સ્થાપક તરીકે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતા બિલ ગેટ્સ પણ ડાબોડી છે.

રતન ટાટા

જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા પણ ડાબોડી છે. વાસ્તવમાં, ટાટાનાં ટ્રસ્ટ્સ 2015ના વર્ષ સુધી ઇન્ડિયન લેફ્ટ હેન્ડર ક્લબને શિષ્યવૃત્તિ પણ આપતાં હતાં.

અમિતાભ બચ્ચન

બોલિવૂડનો શહેનશાહ અમિતાભ બચ્ચન ડાબોડી છે અને તેનો પુત્ર અભિષેક બચ્ચન પણ ડાબોડી છે.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર ચબરાક છે. સચિન જમણા હાથ વડે બેટિંગ કરે છે, પરંતુ ઓટોગ્રાફ ડાબા હાથથી આપે છે અને ટેનિસ પણ ડાબા હાથ વડે રમે છે. માસ્ટર બ્લાસ્ટર કદી પણ ચાહકોને અચંબિત કરી દેવાની તક જતી કરતો નથી.

સૌરવ ગાંગુલી

ગાંગુલીને ક્રિકેટ રમતો જોનાર પ્રત્યેક ક્રિકેટ ચાહક જાણે છે કે, દાદા જમણા હાથ વડે લખે છે અને બોલિંગ પણ જમણા હાથે કરે છે, પરંતુ તે બેટિંગ ડાબા હાથ વડે કરે છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

આ બહેતરીન સ્પોર્ટ્સમેને હાથ વડે નહીં, બલ્કે તેના બંને પગ વડે વિશ્વ સમક્ષ તેનું અદભૂત કૌશલ્ય રજૂ કર્યું છે. રોનાલ્ડો જમોડી હતો, પરંતુ તેણે સ્વયંને બંને પગથી રમી શકતા ફૂટબોલના ખેલાડી તરીકે તાલીમબદ્ધ કર્યો. રોનાલ્ડો તેના ફૂટ-વર્ક અને બોલને ફેરવવાના કૌશલ્યને કારણે વિશ્વના અત્યંત કુશળ ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે.

મારિયા શારાપોવા

ટેનિસ સ્ટાર શારાપોવાને જમોડી ગણવામાં આવે છે, પરંતુ શારાપોવા રમતના નિર્ણાયક તબક્કે સ્કોર મેળવવા માટે ઘણી વખત કેવી કુશળતાપૂર્વક તેના ડાબા હાથનો પણ ઉપયોગ કરી શકે છે, તે દર્શાવતા સેંકડો વિડિયો ઇન્ટરનેટ ઉપર મોજૂદ છે. શારાપોવા જન્મથી જ ડાબોડી છે, પરંતુ તેના કોચે તે નાની હતી, ત્યારથી જ જમણા હાથ વડે કેવી રીતે રમવું, તે શીખવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details