નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસને લઈને ફફડાટ છે. મોદી સરકાર આ ખતરનાક વાયરસને ફેલાતો રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સરકારે દેશની સરહદો સીલ કરી દીધી છે. તેવી જ રીતે વિદેશમાંથી ભારત આવાતા અને ભારતમાંથી વિદેશ જનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જીવલેણ વાયરસ પર લગામ કસવા જરૂરી નિર્દેશ આપ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, દેશની તમામ શાળાઓ, સ્વિમિંગ પૂલ, મોલ્સ બધુ જ 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવે. કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છુટ આપવામાં આવે. સાથે જ સાર્વજનિક પરિવહનનો ઉપયોગ ઓછો કરવામાં આવે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, ઈરાનથી વધુ 53 ભારતીયોને ચોથો જથ્થો સ્વદેશ પહોંચી ચુક્યો છે. બધાને ક્વારંટાઇન માટે પ્રોટોકોલ હેઠળ જેસલમેરમાં વિશેષ દેખરેખમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, દેશમાં ચાર નવા કેસ સામે આવ્યા છે. ઓડિશા, જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ અને કેરલમાં એક-એક મામલાની પુષ્ટિ થઈ છે. આ સમયે દેશમાં 114 પોઝિટિવ કેસ છે. તો તેના સંપર્કમાં આવનારા 5200થી વધુ લોકોની ઓળખ કરવામાં આવી છે, જેને આઇસોલેસનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી કોરોનાના ચેપથી 13 દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે, તો બે લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું, 'કોરોનાને લઈને વિદેશ મંત્રાલયે કોલ સેન્ટર શરૂ કર્યાં છે, તેના માધ્યમથી ભારતીયોની મદદ કરવામાં આવશે. આ કોલ સેન્ટર 24 કલાક કામ કરશે. યૂરોપિયન યૂનિયન, યૂકે અને તુર્કીથી આવનારા યાત્રીકો પર 18 માર્ચથી આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.'