'ચીને અમેરિકા અને વિશ્વને સંદેશ આપવા વાસ્તવિક અંકુશ રેખાએ મડાગાંઠને આક્રમક રીતે આગળ વધારી'
નવી દિલ્હીઃ લદ્દાખમાં ડેમચોક, ગાલવાન અને પેંગોંગ અને ઉત્તર સિક્કિમમાં નકુ લામાં ભારતીય સેના અને ચીની પીએલએ વચ્ચે મડાગાંઠ ટૂંક સમયમાં ઉકેલાય તેવી શક્યતા નથી તેમ ભારતીય સેનાના નૉર્ધન કમાન્ડના પૂર્વ વડાનું કહેવું છે. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે ખાસ વાતચીતમાં લેફ્ટ. જન. (નિવૃત્ત) ડી. એસ. હૂડા કહે છે કે આ વખતે વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર ચીનનાં પગલાં ભૂતકાળની જેમ છૂટાછવાયાં નથી અને સ્થાનિક ઘટનાઓ પણ નથી પરંતુ બૈજિંગમાં ઉચ્ચ સ્તરે સંકલિત અને પૂર્વ આયોજિત છે. ઉડીના ત્રાસવાદી હુમલાના પગલે ભારતની સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કરનાર સેનાના ટોચના પૂર્વ અધિકારી કહે છે કે કોરોના વાઇરસના ઉદ્ભવ પર અમેરિકા અને યુરોપ દ્વારા દબાણ, હોંગ કોંગ અને તાઇવાનમાં જે ઘટનાઓ બની રહી છે તેના કારણે ચીનના સામ્યવાદી પક્ષની રાજકીય ઔચિત્ય પર પ્રશ્નો થવા લાગતાં તે આ રીતે ભારત સામે વાસ્તવિક અંકુશ રેખા પર આક્રમક ઘૂસણખોરી કરાવી રહ્યું છે. ચીન વિશ્વને સંદેશો આપી રહ્યું છે કે તે નબળું પડ્યું નથી. જનરલ હૂડા એ વાતને રેખાંકિત કરે છે કે ખીણમાં ત્રાસવાદી પ્રવૃત્તિમાં વધારો અને અંકુશ રેખા પર તોપમારો વાસ્તવિક અંકુશ રેખા પર જે પરિસ્થિતિ છે તેનાથી વિખૂટી નથી, પરંતુ ભારતીય સેના અનેક સીમા મોરચાઓ પર પડકારોને પહોંચી વળવા તૈયાર છે. તેમણે પ્રમુખ ટ્રમ્પના વિવાદાસ્પદ ટ્વીટને ફગાવતા કહ્યું કે ભારત અને ચીન ત્રીજા કોઈ પણ પક્ષની મધ્યસ્થી વગર દ્વિપક્ષીય રીતે જ તેમના પ્રશ્નો ઉકેલશે. અહીં વિશેષ વાતચીત પ્રસ્તુત છે.
પ્ર- ચુમારથી લઈને ડોકલામમાં ભૂતકાળમાં જે મડાગાંઠ થઈ હતી તેના કરતાં આ વખતની મડાગાંઠ જુદી કઈ રીતે છે? આ અતિક્રમણ, અથડામણ, અને બથંબથીના સમયને તમે કઈ રીતે જુઓ છો?
જ- તે ભૂતકાળ કરતાં જુદી છે.મને તો તે ઘણી નોંધપાત્ર રીતે અલગ લાગે છે. જો તમે ચુમાર, ડોકલામ જેવી ભૂતકાળની મડાગાંઠ જુઓ, વર્ષ ૨૦૧૩ની ડેપ્સાંગમાં થઈ હતી તે પણ જુઓ, તો તે સ્થાનિક બનાવો હતા અને કેટલીક રીતે તે સ્થાનિક પગલાને લીધે થઈ હતી. ડોકલામમાં ચીની લોકો રસ્તો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, આપણા લોકો (ભારતીય સેના) આગળ આવી અને ભૂતાની પ્રદેશમાં ગઈ અને ચીનને રસ્તો ન બનાવવા વિનંતી કરી. આ જ બાબત ચુમારમાં થઈ હતી. તેઓ રસ્તો બનાવવા માગતા હતા, તેઓ અંદર આવ્યા અને આપણા લોકોએ તેમને અટકાવ્યા. તે આ વિસ્તાર-ડોકલામ પૂરતી સીમિત રહી.તેનાથી આગળ ન વધી. આપણે સંપૂર્ણ સ્પષ્ટ હતા કે બંને પક્ષે શું માગણીઓ હતી.
આ વખતે સંપૂર્ણ અલગ બાબત છે. પહેલાં તો, તે અનેક વર્ષોમાં ભૌગોલિક રીતે ફેલાયેલી છે. આ પૈકી અનેક વિસ્તારોમાં સીમાંકન અંગે કોઈ વિવાદ નથી. દા.ત ગાલ્વાન બાબતે આપણે ક્યારેય સમસ્યા નથી. ત્યાં સેનાના જેટલા દળો લાગેલા છે તે ઘણા વધારે છે. ચીન કદાચ એમ કહેવા માગે છે કે આંતરમાળખાના નિર્માણ વગેરેને કારણે આ મડાગાંઠ થઈ છે પરંતુ આ સ્થાનિક બનાવના કારણે નથી. આનું આયોજન ઉચ્ચ સ્તરે રોજ થાય છે. તેઓ સંકલિત ઢબે આવ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમની માગણી શું છે, તેઓ શું ઈચ્છે છે. અહીં સ્પષ્ટતા નથી. આથી, આ સ્થિતિને આપણે ઘણી ગંભીરતાથી લેવાની જરૂર છે.
પ્ર- ચીને કહ્યું કે 'સીમા પર સ્થિતિ એકદંરે સ્થિર અને અંકુશ થઈ શકે તેવી છે.' પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કર્યું કે તેમણે 'ભારત અને ચીનને જણાવ્યું છે' કે તેઓ જેને પ્રચંડ વિવાદ ગણાવે છે તેમાં તેઓ મધ્યસ્થી કરવા ઈચ્છુક છે. શું અમેરિકા અને યુરોપ કોરોના વાઇરસના ઉદ્ભવ અંગે ચીનને ખૂણામાં ધકેલવા પ્રયાસ કરી રહ્યા છે અને હોંગકોંગમાં જે વિરોધો થઈ રહ્યા છે અને તાઇવાનમાં જે ભૂરાજકીય ઘટનાક્રમો થઈ રહ્યા છે તેની સાથે સીમા પર આ બનાવોને જોડવામાં આવે છે?
જ-જે કંઈ થઈ રહ્યું છે તેની સાથે ભૂરાજકીય કડી જોડાયેલી છે. ચીન અત્યંત દબાણ હેઠળ છે. ટૅક્નૉલૉજી અને વેપારના વિસ્તારોમાં અમેરિકા અને ચીન વચ્ચે રીતસર શીત યુદ્ધ ચાલી રહ્યું છે. આના કારણે ચીન તરફથી આક્રમક વર્તણૂક થઈ રહી છે. તમે દક્ષિણ ચીન સમુદ્રમાં આ જોઈ શકો છો, તમે હોંગકોંગમાં જે નવા કાયદાઓ પસાર કરાઈ રહ્યા છે તે જોઈ શકો છો, તમે તાઈવાન સામે રાષ્ટ્રવાદી લાગણી જીવિત થઈ શકેલી જોઈ શકો છો, તમે ઑસ્ટ્રેલિયા પર (ચીનનું) દબાણ જોઈ શકો છો. તે બધું ચીન સાથે જોડાયેલું છે જે એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે 'એવું ન વિચારતા કે કોરોના વાઇરસના કારણે અમે નબળા પડી ગયા છીએ.' ચીની રજદ્વારી દ્વારા અપાયેલા નિવેદનને આપણે હકારાત્મક પગલા તરીકે લઈ શકીએ છીએ. પરંતુ જ્યાં સુધી મેદાન પરની સ્થિતિ ન બદલાય ત્યાં સુધી આ પ્રકારના નિવેદનોને નગણ્ય જ ગણી શકાય. જ્યાં સુધી ડૉનાલ્ડ ટ્રમ્પનો પ્રશ્ન છે, મને ખાતરી નથી કે તેમને કોઈ હવે ગંભીર રીતે લેતું હોય. આ પ્રશ્નમાં કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપની જરૂર નથી. તે ભારત અને ચીન તેમની રીતે જ ઉકેલશે.
પ્ર- ભારતે ભૂતકાળમાં બીઆરઆઈનો વિરોધ કર્યો છે. તે અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન સાથે ચતુષ્કોણીય સુરક્ષા સંવાદનો ભાગ છે. અને તે ભારત-પ્રશાંત પર અમેરિકી લોકો સાથે જોડાઈ રહ્યું છે. ચીનના મગજમાં આ બધી બાબતો રમતી હશે?
જ-આ બધી બાબતો રમતી જ હશે. ગ્લૉબલ ટાઇમ્સમાં એક ટીપ્પણી હતી કે ભારતે અમેરિકાની છાવણીમાં ખેંચાઈ ન જવું જોઈએ અને ચીન વિરોધી વલણ ન લેવું જોઈએ. તેમના માટે આ ચિંતાનો વિષય છે. હિન્દ મહાસાગરમાં ભારત પાસે ઘણું મજબૂત નૌકા દળ છે. અને જો તેમને લાગતું હોય કે ભારત અને અમેરિકા અથવા ચતુષ્કોણીય એક સાથે આવે છે તો હિન્દ મહાસાગરમાં ચીન માટે ભેદ્યતા છે. તેમનો ૮૦ ટકા વેપાર હિન્દ મહાસાગરમાંથી થઈને થાય છે. તેઓ વાસ્તવિક અંકુશ રેખા પર આ આક્રમક અને લડાયક વર્તન દ્વારા ચોક્કસ એવો સંદેશો આપવા માગે છે કે અને ભારત પર દબાણ લાવવા માગે છે.
પ્ર- આંતરમાળખા વિકાસ અને સંસાધન મૂકવા અંગે ભારત આજે અંકુશ રેખા પર કેટલું મજબૂત છે?