આ યોજના આપણા દેશના આંતરિક સ્થળાંતરને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે, કેમકે લોકો વધુ સારા રોજગારની તકો શોધવા અને વધુ ઊંચા જીવનધોરણ માટે વિવિધ રાજ્યોમાં સ્થળાંતર કરતા રહે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ, 4.1 કરોડ લોકોએ આંતરરાજ્ય સ્થળાંતર કર્યું હતું અને 1.4 કરોડ લોકોએ રોજગાર માટે રાજ્યની અંદર અથવા અન્ય રાજ્યમાં સ્થળાંતર કર્યું હતું.
કોવિડ-19ના રાહત પેકેજ હેઠ નાણાં મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું છે કે આગામી બે મહિના માટે રૂા. 3500 કરોડના ખર્ચે અંદાજે 8 કરોડ પરપ્રાંતિય શ્રમિકોને વિના મૂલ્યે અનાજ અપાશે. તેમણે જણાવ્યું કે 8 કરોડ પરપ્રાંતિય શ્રમિકો, જેમની પાસે કેન્દ્ર સરકારનું કે રાજ્ય સરકારનું પીડીએસ કાર્ડ નથી, તેમને બે મહિના માટે પ્રતિ વ્યક્તિ પાંચ કિલોગ્રામ અનાજ અને એક કિલોગ્રામ ચણા આપવામાં આવશે.
નાણાં મંત્રીએ કહ્યું કે પરપ્રાંતવાસીઓ કોઈ પણ રાજ્યમાં તેમનું રૅશન કાર્ડ વાપરી શકે તે સુનિશ્ચિત કરવા માટે પીડીએસ રૅશન કાર્ડ પોર્ટેબલ બનાવવામાં આવશે, જેનાથી 67 કરોડ લાભાર્થીઓ એટલે કે 23 રાજ્યોમાં પીડીએસના કુલ લાભાર્થીઓમાંથી 83 ટકા લોકોને ઑગસ્ટ મહિના સુધી લાભ મળશે. તેમણે ઉમેર્યું કે “માર્ચ, 2021 સુધીમાં સમગ્ર દેશને ‘વન નેશન વન રૅશન કાર્ડ’ - એક રાષ્ટ્ર, એક રૅશન કાર્ડ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.”
અત્યાર સુધીમાં આ યોજના હેઠળ રાષ્ટ્રીય / આંતરરાજ્ય પોર્ટેબિલિટીની સવલત 12 રાજ્યોમાં ઉપલબ્ધ છે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ત્રિપુરા સામેલ છે. ઉપરાંત, બાકીનાં રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોનું સંકલન તે રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોની યોજનાના અમલની સજ્જતા ઉપર આધારિત છે. (11.02.2020)
અત્યાર સુધીમાં, 31 રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોએ રૅશન કાર્ડ હોલ્ડર્સની નેશનલ પોર્ટેબિલિટી સહિતની આઈએમ-પીડીએસ યોજનાના અમલ માટે ડિપાર્ટમેન્ટ સાથે મેમોરૅન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે, જ્યારે બાકીનાં રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવા માટે ડિપાર્ટમેન્ટ પ્રયાસો કરી રહ્યો છે. (17.03.2020)
ઓએનઓઆરસીના લાભ
• યોજના રાષ્ટ્રીય સ્તરે અમલમાં મુકાયા બાદ કોઈ પણ પીડીએસ લાભાર્થી તેનું રૅશન કાર્ડ દેશભરની કોઈ પણ વાજબી ભાવની દુકાને વાપરી શકશે.
• ઓએનઓઆરસી (વન નેશન વન રૅશન કાર્ડ) પરપ્રાંતિય શ્રમિકોને દેશભરમાં કોઈ પણ વાજબી ભાવની દુકાનેથી જાહેર વિતરણ યોજનાનું અનાજ ઉપલબ્ધ કરાવશે.