અમદાવાદ: માનવતા સૌથી વધુ ત્યારે શરમ અનુભવે છે, જ્યારે દુષ્કર્મ અથવા તો કુકર્મની ઘટના એક એવા જીવ સાથે થાય છે જેણે હજુ તો આ દુનિયાદારી બરાબર જોઈ પણ નથી. માસૂમ બાળકો પોતાના રમકડાં અને સપનાની દુનિયામાં જીવી રહ્યા હોય છે, દુષ્કર્મીઓ તેને પણ છોડતા નથી. બાળકોની માસૂમિયતનો ફાયદો ઉઠાવી તેમનું શોષણ કરવામાં આવે છે. સતત આવી ઘટનાઓ વધતા સરકારે બાળકોની સુરક્ષા માટે જાતીય શોષણ અને જાતિય ગુનાથી રક્ષણ આપવા માટે 2012માં પૉક્સો એક્ટ લાગૂ કર્યો. પૉક્સો એક્ટ એટલે કે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સેસ એક્ટને સરળ ભાષામાં જાતીય ઉત્પીડનથી બાળકોને રક્ષણ આપવાનો કાયદો 2012 કહેવામાં આવે છે.
પૉક્સો એક્ટમાં કેવી કેવી જોગવાઈઓ હોય છે
- આ પૉક્સો એક્ટમાં શૂન્યથી 18 વર્ષના અથવા તો તેનાથી ઓછી ઉંમરના બાળકો(છોકરો-છોકરી) કે, જેની સાથે કોઈ પણ પ્રકારનું જાતીય શોષણ થયું છે અથવા તો આવું કરવાનો પ્રયત્ન કર્યો છે, તેવા તમામ કેસ તેમાં આવી જાય છે.
- આ એક્ટ અંતર્ગત અલગ અલગ ગુનામાં અલગ અલગ સજાની જોગવાઈ છે. સાથે જ તેમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, આ એક્ટનું પાલન સખ્તાઈથી કરવામાં આવે છે કે, નહીં.
- આ એક્ટમાં સાત વર્ષથી લઈ આજીવન કેદની સજાની જોગવાઈ પણ છે, સાથે જ દંડ પણ ફટકારવામાં આવે છે.
- આ એક્ટ લાગતા તુંરત જ ધરપકડની જોગવાઈ છે. સાથે તેમાં જાતીય શોષણને પણ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કોઈ બાળકને ખોટી રીતે અડપલા કરે અથવા તો તેની સાથે ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરે, અથવા તો પોર્નોગ્રાફી બતાવવાનો પ્રયત્ન કરે તો તે દોષી સાબિત થાય છે.
- સાથે જ આંતરરાષ્ટ્રીય બાળ સંરક્ષણ માપદંડ અનુસાર, જો કોઈ વ્યક્તિ આ જાણવા છતાં પણ બાળકો સાથે જાતીય શોષણ થયું છે અને તેની જાણકારી નજીકના પોલીસ મથકમાં આપતો નથી, તો તેને પણ 6 મહિનાની જેલ અને દંડ ફટકારવાની જોગવાઈ છે.
- આ એક્ટ અંતર્ગત બાળકોની સુરક્ષા પોલીસના માથે આવે છે. જેમ કે, ઈમરજન્સી સેવા અથવા તો બાળકો આશ્રયગૃહમાં રાખવા.
- પોલીસની એ પણ જવાબદારી છે કે, ઘટનાના 24 કલાકની અંદર બાળ કલ્યાણ સમિતિને જાણમાં આવે. જેથી સીડબ્લ્યૂસી બાળકોની સુરક્ષા અને સંરક્ષણ માટે જરુરી પગલા લઈ શકે.
- આ એક્ટમાં બાળકોની મેડીકલ તપાસની પણ જોગવાઈ છે. મેડીકલ તપાસમાં જો બાળકના માતા-પિતા કોઈ અન્ય વ્યક્તિ સામે હાજર રહેવા માગે, જેના પર બાળકને વિશ્વાસ હોય અથવા બાળકની તપાસ મહિલા ડૉક્ટર જ કરશે.સાથે જ આ તપાસ એવી હોવી જોઈએ કે, બાળકને તે તપાસ ઓછી પીડા આપે.
- આ એક્ટમાં એવું પણ કહેવાયું છે કે, આવા કેસ ઘટવાની તારીખ એક વર્ષની અંદર થવી જોઈએ.
- પૉક્સો એક્ટમાં બાળકોને સેક્સ્યુઅલ અસોલ્ટ, હેરેસમેન્ટ અને પોર્નોગ્રાફી જેવા ગુનામાં સુરક્ષા આપવાની જોગવાઈ છે.
- આ કાયદો જાતીય ન્યૂટ્ર્લ એટલે કે, છોકરા-છોકરી બંનેને લાગુ પડે છે.
- આ એક્ટ અંતર્ગત આવતા તમામ કેસની સુનાવણી વિશેષ કોર્ટમાં થશે.
- જેમાં આરોપીને સાબિત કરવાનું હોય છે કે, તેને ગુનો કર્યો નથી, પીડિતને કંઈ પણ સાબિત કરાવનું હોતું નથી.