પ્રથમ વાત કરીએ નર્મદાના કેવડિયા કોલોની નજીક ગોરા ગામ પાસે આવેલા શુલપાણેશ્વર મહાદેવની. અહીં શ્રાવણ માસમાં નર્મદાના પવિત્ર સ્નાન સાથે શુલ્પાનેશ્વર મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. મૂળ શુલ્પાનેશ્વર મંદિર નર્મદા ડેમમાં ડૂબી ગયું હતું. જે બાદ વર્ષ 1994થી ગોરા પાસેના આ નવ નિર્મિત મંદિર બનાવવામાં આવ્યું છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રાચીન શુલ્પાનેશ્વર મહાદેવના દર્શન માટે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી પણ ભક્તો પણ આવે છે અને ભોળાનાથ ભક્તોની તમામ મનોકામનાને પૂર્ણ કરે છે.
આ ઉપરાંત આજે આપણે જૂનાગઢના સિદ્ધેશ્વર મહાદેવની પણ વાત કરવાના છીએ. જૂનાગઢમાં શિવની આરાધના વિશેષ પ્રકારે જોવા મળે છે. એકમાત્ર મૂર્તિ સ્વરૂપ તેમજ શિવની સાથે માતા પાર્વતીના પણ એક સાથે દર્શન કરાવતા સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢ વાસીઓની અખુટ અને અતુટ શ્રદ્ધા છે. જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં આવેલા ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં ભોળાનાથ અને માતા પાર્વતી સાકાર રૂપમાં તેમના ભક્તોને દર્શન આપીને ભક્તોની ધન્યતામાં અનેક ગણો વધારો કરે છે.