નવી દિલ્હી: લક્ષ્મી નગર વિધાનસભાથી AAPના ઉમેદવાર નિતિન ત્યાગીના સમર્થનમાં જનસભાને સંબોધન કરવા અરવિંદ કેજરીવાલ રવિવારે શકરપુર ગયા હતા. આ દરમિયાન તેમણે ભાજપને આડે હાથ લીધું હતું.
તમામ યોજનાઓનો ઉલ્લેખ
અરવિંદ કેજરીવાલે વિજળી, પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં કરવામાં આવેલા પોતાના કાર્યોનો ઉલ્લેખ કર્યો. આ સાથે જ મહિલાઓ માટે બસમાં મફત મુસાફરી, વડીલો માટે મફત તીર્થ યાત્રા જેવી યોજનાઓને લઇને પોતાની પ્રસંસા કરી હતી. અરવિંદ કેજરીવાલે મફત યોજનાઓને લઇને ભાજપ પર ભ્રમ ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે, આ યોજનાઓ શરૂ જ રહેશે.
અમિત શાહને લીધા આડે હાથ
કેજરીવાલે જનસભામાં અમિત શાહનો ઉલ્લેખ પણ કર્યો અને કહ્યું કે, અમિત શાહે ગત દિવસોમાં એક કેમ્પેન દરમિયાન કહ્યું હતું કે, દૂરબીન દ્વારા CCTV કેમેરા શોધવા પડે છે, પરંતુ અમિત શાહ જે સ્થળે ઉભા રહીને આ વાત કહી રહ્યા હતા, ત્યાં જ ઉપર 3 CCTV કેમેરા લગાવેલા હતા.
નિતિન ત્યાગી માટે માગ્યા મત
કેજરીવાલે પોતાના કાર્યોનો ઉલ્લેખ કર્યો, ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પોતાના આંદોલન અંગે જણાવ્યું અને પછી પ્રશ્ન પૂછ્યો કે, શું કોઈ આતંકવાદી આ બધું કરે? છેલ્લે એમણે ત્યાં સુધી કહ્યું કે, જો તમે મને આતંકવાદી માનતા હોવ, તો 8 ફેબ્રુઆરીના રોજ કમળનું બટન દબાવજો, પરંતુ જો તમે મને તમારો દિકરો માનતા હોવ તો ઝાડુનું બટન દબાવજો. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે નિતિન ત્યાગીને મત આપવા માટે જનતાને વિનંતી કરી હતી.