ન્યૂઝડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લગભગ દોઢ કલાક ચાલેલી વીડિયો કોન્ફરન્સમાં સાર્કના તમામ રાષ્ટ્રોની સરકારના વડાઓ (વડાપ્રધાનો) અને દેશના વડાઓ (રાષ્ટ્રપતિઓ) હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને ભાગ લીધો ન હતો. ઇમરાનખાનના પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનના જુનિયર હેલ્થ મિનિસ્ટર ઝફર મિર્ઝાએ હાજરી આપી હતી. વીડિયો કોન્ફરન્સની સૌપ્રથમ દરખાસ્ત શુક્રવારે સાંજે કરાઇ હતી અને દરખાસ્ત કર્યાના ગણતરીના, માત્ર એક કે બે કલાકમાં, તમામ ક્ષેત્રીય નેતાઓએ તેનો સ્વીકાર કરી લીધો હતો. સૂત્રોનું કહેવું છે કે, ભારતે શુક્રવારે સાંજે વધુ રૂપરેખા જારી કરી હતી અને રવિવારે એક સફળ ઉચ્ચસ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઇ પણ ગઇ.
કોવિડ 19 પર ક્ષેત્રિય વ્યૂરચના હિતાવહ છે પરંતુ સાર્કની પુનઃસક્રિયતા અંગે વાત કરવી કદાચ વહેલું કહેવાય- ભારતીય સૂત્રો
એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગીચ વસતી ધરાવતા સાર્ક રાષ્ટ્રોમાં હજુ સુધી માત્ર 150 જ પોઝિટિવ કેસ નોંધાયા છે, જે ચીન અને ઇટાલીમાં નોંધાયેલા હજારો કેસોની તુલનાએ ખુબ જ ઓછા છે, તેમ છતાં દક્ષિણ એશિયાના રાષ્ટ્રોએ સાવચેત રહેવું જોઇએ. આપણે પરિસ્થિતિને ભગવાન ભરોસે છોડવાના બદલે દૂરંદેશી વાપરીને આગોતરા પગલાં ભરવા જોઇએ.
અધિકારીએ જણાવ્યું હતું કે, “આ કોન્ફરન્સની ક્ષેત્રીય સંદર્ભમાં વાત કરવામાં આવે તો, સાર્ક રાષ્ટ્રો એકબીજાને અડીને સરહદો ધરાવે છે. તેમાં પણ આ સરહદો છિદ્રાળુ એટલે કે તેને ગેરકાયદે રીતે સરળતાથી પાર કરી શકાય તેવી છે. આ સ્થિતિમાં કોરોનાના પડકાર અંગે પાડોશીઓ સાથે વાતચીત કરવી અને તેમને એક સમાન સમજ પર લાવવા આ કોન્ફરન્સનો ઉદ્દેશ હતો. કોરોના મુદ્દે એકબીજાનો સહકાર હોવો જરૂરી છે.”
સૂત્રોએ તે હકીકત જણાવી હતી કે, સાર્ક ક્ષેત્રના તમામ દેશો કોવિડ-19ની સમસ્યાનો અલગ અલગ રીતે ભોગ બની રહ્યા છે. માલદિવ્સ, શ્રીલંકા અને નેપાળ જેવા નાના દેશોની વાત કરવામાં આવે તો, તેમનું કોરોનાને પગલે સંકટ અલગ પ્રકારનું છે. સમગ્ર વિશ્વમાં ઇટાલી અને ચીન સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે અને આ દેશોમાં ઇટાલી અને ચીનમાંથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જ્યારે અફઘાનિસ્તાન ચીનની સાથે સરહદ ધરાવે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સાર્ક છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રિય હોવા છતાં એવી લાગણી ઊભી થઇ હતી કે, કોરોના મુદ્દે એકબીજાનો સહકાર આવશ્યક છે અને તેનો સામનો કરવા માટે સંયુક્ત પગલાં ઘડવા જોઇએ.
આ વીડિયો કોન્ફરન્સના પગલે એવી ધારણા કરવી કે, સાર્કની રાજકીય ગતિવિધિઓ ફરીથી શરૂ થઇ છે તો તેવી ધારણા કરવી કદાચ વહેલી છે. 2016માં પાકિસ્તાને સાર્ક સમિટનું આયોજન કર્યું હતું અને તે જ વખતે ઉરી હુમલો થયો હતો. ત્યારે પાકિસ્તાનના સમર્થનવાળા ત્રાસવાદના વિરોધમાં ભારતે સાર્કની રાજકીય ગતિવિધિનો બહિષ્કાર કર્યો હતો અને ત્યારથી સાર્ક લગભગ સુષુપ્ત જેવું થઇ ગયું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રારંભિક પ્રતિભાવમાં પાકિસ્તાન ભારતીય દરખાસ્ત પર હકારાત્મક હતું અને બાદમાં નક્કી કરાયું હતું કે, ઇમરાનખાન વીડિયો કોન્ફરન્સમાં ભાગ નહીં લે. આની સામે, નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી, કે જેમણે એક દિવસ અગાઉ જ ગંભીર સર્જરી કરાવી હતી તેમ છતાં તેમણે ઓનલાઇન ચર્ચામાં ભાગ લેવાનું નક્કી કર્યું. કોરોના વાયરસની ચિંતા કરવા માટે ઓનલાઇન મળેલી ગંભીર બેઠકમાં પણ પાકિસ્તાને કાશ્મીરનો રાગ આલાપ્યો, જેને સૂત્રો ‘અણઘડ’ અને ‘અનાવશ્યક’ ગણાવી રહ્યા છે.
એક ઉપરી અધિકારીએ જણાવ્યું હતું કે, “આપણા મિત્રએ માનવતાની પહેલને પણ રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો.” સૂત્રએ ઉમેર્યું હતું કે, “કોરોના વાયરસને કારણે ઊભા થયેલા વૈશ્વિક સંકટનો સામનો કરવા માટે સાર્કના નેતાઓ એકજૂથ થયા છે તે વાત સાચી પરંતુ તેને કારણે સાર્ક ફરીથી સક્રિય થયું તે કહેવું જરા વહેલું છે. પાકિસ્તાનની ટિપ્પણી પ્રતિભાવને યોગ્ય પણ નથી, જે તેણે આ ચર્ચામાં અનુભવ્યું હશે”.
કોવિડ 19નો રોગચાળો ફાટી નીકળ્યો ત્યાર બાદ ભારતે વિશ્વના વિવિધ દેશોમાંથી તેના 1444 નાગરિકોને ભારત પાછા લાવ્યા છે જેમાં ચીનમાંથી 766 ભારતીય, જાપાનમાંથી 124 ભારતીય, ઇરાનમાંથી 336 ભારતીય અને ઇટાલીમાંથી 218 ભારતીયનો સમાવેશ થાય છે. ભારત વિદેશમાં જે ભારતીયો ચેપગ્રસ્ત છે તેમને પાછા લાવવાનો કોઇ ઇરાદો ધરાવતું નથી. વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે ભારત વિદેશમાં રહેલા ચેપગ્રસ્ત ભારતીયોને ત્યાં રહેવા દેવાનું આયોજન ધરાવે છે. પરંતુ ઇટાલી અને ઇરાનની પરિસ્થિતિ ગંભીર બની છે. અહીં સ્થાનિકો માટે પણ તબીબી સેવાઓ ખૂટી પડી છે ત્યારે ઇટાલી અને ઇરાનમાં રહેલા ભારતીયોની ચિંતા કરતા ભારત અહીંના જે ભારતીયો કોરોના વાયરસના ટેસ્ટમાં નેગેટિવ આવ્યા છે તેમને પાછા લાવવાનું આયોજન કરી રહ્યું છે.
અમુક દેશોમાં કોરોના વાયરસના સંકટને પગલે શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને ત્યાં અભ્યાસ કરતા યુવા ભારતીય વિદ્યાર્થીઓ બંધ કરાયેલી હોસ્ટેલોમાં પણ રહી શકતા નથી. આવા વિદ્યાર્થીઓ અંગે માનવતાભર્યો અભિગમ અપનાવી તેમને સહાય પહોંચાડવા અથવા પાછા લાવવા માટે એડિશનલ સેક્રેટરી અને કોવિડ 19 માટેના કો-ઓર્ડિનેટર દમ્મુ રવિના નેતૃત્વ હેઠળ વિદેશ મંત્રાલયનો એક વિશેષ વિભાગ દિવસ રાત કામ કરી રહ્યો છે.
સાર્ક ક્ષેત્રના સંદર્ભમાં ભારતે પ્રારંભિક 1 કરોડ અમેરિકન ડોલરના યોગદાન સાથે સાર્ક પાનડેમિક ફંડની રચનાની જાહેરાત કરી છે અને પાડોશી રાષ્ટ્ર જો મદદ માગશે તો રેપિડ રિસ્પોન્સ ટીમોને મેડિકલ રિસર્ચ પૂરું પાડવાની પણ તૈયારી બતાવી છે. રવિવારની વીડિયો કોન્ફરન્સ બાદ સાર્ક ફોરેન સેક્રેટરીઝ અને મિશન્સ મારફતે વધુ સંકલિત પગલાં ભરવામાં આવશે. માલદિવ્સ તરફથી વિનંતી આવતા ભારતે 48 કલાકની અંદર જ તેની મેડિકલ રિસ્પોન્સ ટીમ મોકલી આપી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઇરાને પણ ભારત પાસે મદદનો હાથ લંબાવ્યો છે અને ભારત તેને માનવતાના ધોરણે મદદ કરવાનું વિચાર રહ્યું છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે પાનડેમિક ફંડના માળખા માટે કોઇ ઇરાદાપૂર્વક જાહેરાત કરી નથી. અમારી ઇચ્છા કોરોના સામેની લડતને શક્ય તેટલી વધુ અસરકારક બનાવવાની અને આ લડતને ઝડપથી શક્ય તેટલી અમલ યોગ્ય બનાવવાની છે”
કોરોના વાયરસના વૈશ્વિક રોગચાળાનો સામનો કરવા માટે ભારતે સાર્ક માટે જે રીતે ઓનલાઇન માધ્યમથી ચર્ચાનો દોર ચલાવ્યો હતો તેવી જ રીતે G20 માટે પણ ઓનલાઇન ચર્ચા કરે તેવી શક્યતા છે, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
સ્મિતા શર્મા : નવી દિલ્હી