મધ્યપ્રદેશની હાલની રાજકીય પરિસ્થિતિ પર ભાજપ મહાસચિવે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં કેબિનેટની રચના બાદ 'નવુ મિશન' શરૂ કરવામાં આવશે. હાલમાં જ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહી અને સત્તાવિહોણી થઈ ગઈ હતી.
કર્ણાટક બાદ ભાજપનું 'મિશન MP', કૈલાશ વિજયવર્ગીયે આપ્યા સંકેત
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની રાજકીય પરિસ્થિતિ પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. તેમણે રવિવારે કહ્યું કે, કર્ણાટકમાં કેબિનેટની રચના બાદ નવું મિશન લોન્ચ કરવામાં આવશે.
જે બાદ બી.એસ. યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન પદના શપથ લીધા. હવે તેમને સોમવારે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. વિજયવર્ગીયને મધ્યપ્રદેશમાં સત્તાધારી કોંગ્રેસ વિશે સવાલ પૂછાયો તો તેમણે નિવેદન આપતાં કહ્યું કે, 'કર્ણાટકમાં કેબિનેટની રચના બાદ નવું મિશન શરૂ કરાશે. અમારી ઈચ્છા નથી કે સરકાર તૂટે, પરંતુ કોંગ્રેસ ધારાસભ્યોમાં અનિશ્ચિતતાનો માહોલ છે. કોંગ્રેસ ધારાસભ્યોને તેમના નેતૃત્વમાં વિશ્વાસ નથી. તેમને લાગે છે કે, વડાપ્રધાન મોદીનું નેતૃત્વ સારૂ છે. કોંગ્રેસની સરકારો તેમના જ 'સારા કામો'ના કારણે તૂટી પડતી હોવાનો કટાક્ષ કર્યો હતો.'
કર્ણાટકમાં કુમાર સ્વામીની સરકાર પડ્યા બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સરકારોને પાડવાનો પ્રયત્ન થઈ શકે છે. થોડા દિવસ પહેલાં ભાજપ નેતા ગોપાલ ભાર્ગવે એક નિવેદનમાં કહ્યું હતુ કે અમારા નંબર-1 અને 2નો આદેશ થશે તો મધ્યપ્રદેશમાં 24 કલાક પણ કોંગ્રેસની સરકાર નહીં ચાલે.