ભોપાલઃ ભાજપમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરૂવારે ભોપાલ જઇ રહ્યાં છે. જ્યાં ભાજપ કાર્યકર્તાઓએ તેમના સ્વાગતની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ કાર્યાલયને મોડી રાત્રિએ શણગારવામાં આવ્યું હતું. ભાજપ કાર્યકર્તા દ્વારા સિંધિયા માટે વિવિધ સ્થળે મંચ પણ બનાવવામાં આવી રહ્યાં છે. જે વિસ્તારમાં સિંધિયા પોતાના કાફલા સાથે જશે, તે વિસ્તારમાં કાર્યકર્તાઓ દ્વારા તેમના પર ફૂલ વરસાવવામાં આવશે.
જ્યોતિરાદિત્ય સિંધિયા રાજા ભોજ એરપોર્ટથી ભાજપ કાર્યલય જશે. જ્યાં પહોંચીને તેઓ સૌથી પહેલાં દીનદયાલ ઉપાધ્યાય, રાજમાતા વિજયારાજે સિંધિયા અને કુશાભાઉ ઠાકરેની પ્રતિમાને હાર પહેરાવશે. આ ઉપરાંત સિંધિયાના સ્વાગત સાથે જ ત્યાં માધવરાજ સિંધિયાનું ચિત્ર પણ રાખવામાં આવશે, જેમના આશીર્વાદ સિંધિયા લેશે. ભાજપ કાર્યાલયમાં આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં હજારો લોકોને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે જ ભાજપ કાર્યાલયમાં ચારેય દિશામાં લાલ કારપેટ પાથરવામાં આવ્યું છે.