હૈદરાબાદ: મશીન લર્નિંગ થકી, જ્હોન્સ હોપકિન્સ સંશોધકો કોવિડ-19ના કયા દર્દીઓ પર હાર્ટ ફેલ્યોર, હૃદયના અસાધારણ ધબકારા, કાર્ડિયોજેનિક શોક અને મૃત્યુ જેવી હૃદય સંબંધિત વિપરિત અસરોનું જોખમ તોળાઇ રહ્યું છે, તેમની ઓળખ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટીમે તાજેતરમાં જ આ માટે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન પાસેથી 1,95,000 રેપિડ રિસ્પોન્સ રિસર્ચ ગ્રાન્ટ મેળવી હતી.
સંશોધકોએ જણાવ્યું હતું કે, કોવિડ-19ની કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ પર પડતી નકારાત્મક અસરોના વધી રહેલા પુરાવા હૃદયની સમસ્યા સર્જાવાની શક્યતા ધરાવતા કોવિડ-19ના દર્દીઓની ઓળખ કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂકે છે.
જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી સ્કૂલ્સ ઓફ એન્જિનીયરિંગ એન્ડ મેડિસિનના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોમેડિકલ એન્જિનીયરિંગના પ્રોફેસર તથા પ્રોજેક્ટના મુખ્ય સંશોધક નતાલિયા ટ્રેયાનોવાએ જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ ચિકિત્સકોને આગોતરી ચેતવણીના સંકેતો આપશે અને અત્યંત ગંભીર સ્થિતિ ધરાવનારા દર્દીઓને સંસાધનો ફાળવવામાં આવે, તે સુનિશ્ચિત કરશે.”
ધી જ્હોન્સ હોપકિન્સ હેલ્થ સિસ્ટમ (JHHS) ઇસીજી, કાર્ડિયાકને લગતા ચોક્કસ લેબોરેટરી ટેસ્ટ, હૃદયના ધબકારા અને ઓક્સિજન સેચ્યુરેશન (પરિપૂર્ણતા) જેવા સતત મેળવવામાં આવેલા સંકેતો તેમજ સીટી સ્કેન અને ઇકોકાર્ડિયોગ્રાફી જેવા ઇમેજિંગ ડેટા સાથે દાખલ કરવામાં આવેલા કોવિડ-19ના 300 કરતાં વધુ દર્દીઓનો ડેટા એકત્રિત કરશે. આ ડેટા થકી તેઓ અલગોરિધમ તૈયાર કરશે.
આ અલગોરિધમને JHHS ખાતે અથવા તો અન્ય નજીકની હોસ્પિટલોમાં હૃદયની સમસ્યા ધરાવનારા કોવિડ-19ના દર્દીઓના ડેટા સાથે ચકાસવામાં આવશે.