નવી દિલ્હી : નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે જેઇઇ મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં 24 વિદ્યાર્થીઓએ 100 ટકા ગુણ મેળવ્યા હતા. સૌથી વધુ તેલગંણાના 8 વિદ્યાર્થીઓએ 100 ટકા ગુણ મેળવ્યા છે. ત્યાં દિલ્હીમાં 5 રાજસ્થાનમાં 4, આંધપ્રદેશમાં 3, હરિયાણામાં 2 અને ગુજરાત તથા મહારાષ્ટ્રમાં એક વિદ્યાર્થીએ 100 ટકા ગુણ મેળવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,એન્જિનિયરીંગ પાઠ્યક્રમોમાં પ્રવેશ માટેની આ પરીક્ષા કોવિડ-19ને કારણે બે વખત ટાળવામાં આવી હતી. આખરે સપ્ટેમ્બરના પહેલાં સપ્તાહમાં લેવામાં આવી હતી. સંયુક્ત પ્રવેશ પરીક્ષાની મુખ્ય પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બરમાં લેવામાં આવી હતી.
આઇઆઇટી, એનઆઇટી અને કેન્દ્ર સરકાર દ્વારા એન્જિનિયરીંગની સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવનાર આ પરીક્ષામાં કુલ 8.58 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાં આશરે 74 ટકાએ પરીક્ષા આપી હતી.
JEE એડવાન્સની પરીક્ષા 27 સપ્ટેમ્બર યોજાવાની છે. જેમાં પાસ થનાર વિદ્યાર્થીને આઇઆઇટીમાં પ્રવેશ મળશે. ત્યાં કેન્દ્રીય શિક્ષા પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે ટવીટ કરીને જેઇઇના ટોપ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. પોખરિયાલે ટવીટ કર્યું કે, 'આ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર યુવા ભારતની ભાવનાની સાક્ષી છે.'
તેમણે જણાવ્યું કે, હું JEEના ટોપર્સને શુભકામના પાઠવું છું અને JEE પરીક્ષામાં સામેલ બધાં લોકોને ધન્યવાદ આપું છું તેની સાથે ચાર દિવસમાં પરિણામ જાહેર કરવા માટે ધન્યવાદ આપું છું.