શ્રીનગરઃ નવી વ્યાખ્યા કરવામાં આવી તેની સામે જમ્મુ અને કાશ્મીરના બધા જ પ્રકારના રાજકીય વર્તુળો તરફથી વિરોધ થયો. તેના કારણે કેન્દ્ર સરકારે પીછેહઠ કરી અને નવું જાહેરનામું બહાર પાડીને પોતાની જ અગાઉની વ્યાખ્યામાં ફેરફારો કર્યા. તેના કારણે રાજકારણીઓનો થોડો વિરોધ શમ્યો છે, પણ તે બાબતમાં હજીય ચિંતા રહેલી છે.
તે વિશે વાત કરતાં પહેલા એ જોઈએ કે જમ્મુ અને કાશ્મીરનો ડોમિસાઇલનો, રહેઠાણનો મુદ્દો શું છે. 5 ઑગસ્ટ, 2019 સુધી રાજ્યના નાગરિક અને કાયમી વસાહતી કોને ગણવા તે નક્કી કરવાનો અધિકાર વિધાનસભાને હતો. પરંતુ તે દિવસે કેન્દ્ર સરકારે કલમ 370 નાબુદ કરીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબુદ કર્યો હતો અને તેનું વિભાજન બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરી દેવાયું હતું. રહેવાસી તરીકેનો દરજ્જો મળતો હોય તેમને જ રાજ્યમાં સરકારી નોકરીઓ મળતી હતી અને તે લોકો જ રાજ્યમાં સ્થાયી મિલકતોની ખરીદી કરી શકતા હતા.
હકીકતમાં જમ્મુ-કાશ્મીરના વસાહતીનો મામલો કલમ 370 કરતાંય પહેલાંનો છે. છેલ્લે 1927 અને 1932માં તે વખતના અને છેલ્લા શાસક મહારાજા હરિ સિંહના વખતમાં વસાહતી નાગરિક તરીકેના કાયદા નક્કી કરાયા હતા. તે કાયદાઓની જોગવાઈઓને જ આઝાદી બાદ ભારતીય બંધારણની કલમ 370માં અને 35Aમાં ઉમેરી દેવામાં આવી હતી.
સરકારે પ્રારંભમાં વ્યાખ્યા કરી હતી તેમાં માત્ર નોન-ગેઝેટ હોદ્દાઓ જમ્મુ-કાશ્મીરના વસાહતીઓ માટે જ અનામત રખાયા હતા. તેના કારણે નેશનલ કૉન્ફરન્સ, પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, અને નવો પક્ષ અપની પાર્ટી સહિતના કાશ્મીર ખીણના રાજકીય પક્ષોએ વિરોધ કર્યો હતો. અપની પાર્ટીને કેન્દ્ર સરકારની આડકતરી મદદ હોવાનું માનવામાં આવે છે.
કાશ્મીર ખીણમાંથી ચિંતા વ્યક્ત કરવામાં આવી ત્યાર બાદ નવી દિલ્હીએ નિયમોમાં સુધારા કર્યા હતા. નિયમો સુધાર્યા પછી હવે માત્ર જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓ હોય તે લોકો જ આ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારી નોકરીઓ માટે અરજી કરી શકશે. આ નિયમ પ્રમાણે બહારથી આવેલા પણ છેલ્લા 15 વર્ષથી જમ્મુ અને કાશ્મીર રહેતા અને ડોમિસાઇલ પ્રાપ્ત કરનાર વ્યક્તિને પણ નોકરી માટે અરજી કરવા લાયક ગણવામાં આવશે.
જોકે સુધારેલા નિયમો સામે પણ કાશ્મીર ખીણના રાજકીય વર્તુળોમાં વિરોધ છે. પીડીપીએ જણાવ્યું હતું કે “અમારા યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત રહે તે જરૂરી છે. જમ્મુ અને કાશ્મીરની વસતિમાં ફેરફાર થાય તે પ્રકારની ચિંતા છે તે બાબતમાં પણ ભારત સરકારે વિચારવાની જરૂર હતી. પાછળથી થોડી રાહત આપી દેવાઈ, પણ એક તરફ સંકટ જેવી સ્થિતિ છે ત્યારે ભારત સરકારે આવી રીતે ડોમિસાઇલ માટે નિર્ણય કર્યો તેનાથી ચિંતા હળવી થતી નથી”.
રાજ્યના રાજકારણ પર આની લાંબા ગાળાની અસર થશે, અને હાલની અસરો વિશેની પણ ચિંતા છે. જમ્મુ અને કાશ્મીરમાં 84,000 નોકરીઓ ખાલી પડી છે એવા અહેવાલો છે, ત્યારે તેની ભરતીની પ્રક્રિયામાં પણ અસર થઈ થઈ શકે છે.
જોકે એવું બની શકે કે કેન્દ્ર સરકારે પહેલાં નિયમો જાહેર કરી દીધા (જેમાં વસાહતી ના હોય તે પણ અરજી કરી શકે તેમ હતા) અને તેની સામે વિરોધ જાગ્યો ત્યાર બાદ નિયમો સુધારી લીધા અને તે રીતે સરસ રીતે આખી રમત કરી.