શાહીનબાગથી રાજધાટ જઇ રહેલા જામિયાના વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવનાર યુવક વિરૂદ્ધ હત્યાની કોશિશ અને ગેરકાયદાકીય રીતે હથિયાર રાખવા સામે FIR દાખલ કરવામાં આવી છે. આ તમામ કેસ ઘાયલ થયેલા યુવાનના જણાવ્યાં પ્રમાણે દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ પ્રવક્તા અનિસ મિત્તલે જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
જે વ્યક્તિએ ગોળી ચલાવી છે તે જામિયાનો વિદ્યાર્થી નથી. તે 19 વર્ષનો છે અને નોઇડાના જેવર વિસ્તારનો રહેવાસી છે. જોકે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ગોળી લાગવાથી એક વિદ્યાર્થી પણ ઘાયલ થયો હતો. વિશ્વવિદ્યાલયની અર્થશાસ્ત્રની વિદ્યાર્થીની આમના આસિફે જણાવ્યું કે, "બધા હોસ્પિટલ તરફ આગળ વધી રહ્યા હતા અને અચાનક બંદુક સાથે એક વ્યક્તિ સામે આવ્યો અને તેણે ફાયરિંગ કર્યું. જેથી મારો મિત્ર ઘાયલ થયો હતો."
જામિયા ઘટના પર ગૃહપ્રધાન અમિત શાહે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દિલ્હી પોલીસ કમિશ્નર સાથે આ ઘટના બાબતે ચર્ચા થઇ છે. સમગ્ર ઘટનાની વિગત મેળવ્યા બાદ કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર આવી કોઇ પણ ઘટનાને સહન નહીં કરે.