ન્યૂઝ ડેસ્ક :જલિકટ્ટુ કાવેરી નદીના મુખત્રિકોણમાં અને કેટલાક અન્ય વિસ્તારોમાં યોજાતી હોય છે. બંને બાજુ લોકો એકઠા થઈ ગયા હોય છે અને વચ્ચે વડી વસાલ તરીકે ઓળખાતો રસ્તો રાખવામાં આવ્યો હોય છે. આખલાને તે રસ્તા પર દોડાવી દેવામાં આવે અને તે ભૂરાઈ થઈને ભાગતા હોય ત્યારે તેની ખૂંધ પકડીને તેની પર ટકી રહેવાની સ્પર્ધા થાય. કોઈ માણસ હિંમત કરીને અડધી મિનિટ સુધી ખૂંધ પકડીને ટકી જાય તો તે જીત્યો કહેવાય. અથવા ત્રણ ઝટકા સુધી તે વળગેલો રહે કે અમુક અંતર સુધી આખલો દોડીને જાય ત્યાં સુધી ટકી રહે તે પણ જીત્યો કહેવાય.
ભારે જોશથી ભાગતો અને ઉછળતો ખૂંટિયો કોઈને નજીક ના આવવા દે, પરંતુ જો આટલો સમય તેના પર વળગીને રહી શકાય તો તેને કાબૂમાં કરી લીધો એમ માની લેવાય. આવું જોખમી કામ કરનારાની વાહ વાહ થાય અને તેને ઈનામ મળે. ઈનામમાં ઘરવખરી કે વસ્તુઓ મળતી હોય છે અને સૌથી વધુ આખલાને કાબૂમાં કરનારાને કાર જેવી કિમતી વસ્તુઓ અપાતી હોય છે.
આસામમાં આવું ઈનામ આપવાની વાત નથી. તેમાં આખલાને લડાવવામાં આવે છે અને બે બળિયા બળદો એકબીજાને શિંગડાં ભરાવીને લડે ત્યારે એક બીજાને ધાયલ કરી દેતા હોય છે.
જલિકટ્ટુને તામિલનાડુની પ્રાચીન પરંપરા માનવામાં આવે છે. બળદોને ખેડૂતો કુંટુબના સભ્યની જેમ જ ઉછરતા હોય છે. આસામમાં બળદોને લડાવવા પાછળનો હેતુ એવો છે કે તે ભૂરાયા ના થાય અને આ રીતે વધુ મજબૂત પણ થાય છે તેમ માનવામાં આવે છે.
જલિકટ્ટુ લણણીની મોસમ વખતે યોજાય છે, જે તમિલ થાઇ મહિનામાં આવે છે. મદુરાઈમાં ત્રણ મહત્ત્વના તહેવારો યોજાતા હોય છે. તેમાં અલંગાનલ્લુર મંદિર હોય ત્યાં યોજાતી હોય છે. જોકે ચર્ચમાં પણ તે યોજાતી હોય છે એટલે તે ધર્મ સાથે જોડાયેલી નથી. આસામમાં માઘ બિહુ નિમિત્તે (ઉત્તરાયણ વખતે) બળદોને લડાવાતા હોય છે. આ દિવસ બિહુ મહિનાનો પહેલો દિવસ હોય છે.