નવી દિલ્હીઃ સંદેસરા બ્રધર્સ બેન્ક સ્કેમ અને ધન શોધન કેસની તપાસ સંબંધે EDની એક ટીમે કોંગી નેતા અહમદ પટેલની શુક્રવારે ફરીથી પૂછપરછ કરી હતી. અહમદ પટેલે જણાવ્યું કે, મને 128 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. બધા જ પ્રશ્નો આરોપો પર આધારિત હતા, જેનું તેની પાસે કોઇ પ્રમાણ નથી. મેં તેમના સંતોષ માટે બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા છે. મને ખબર નથી કે, તે કોના દબાણમાં કામ કરી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, તાજી પૂછપરછ દરમિયાન ધન શોધન રોકથામ કાયદો (પીએમએલએ) હેઠળ પટેલનું નિવેદન દાખલ કરવામાં આવ્યું છે. તેમને વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેક દવા કંપનીના પ્રોમોટર સંદેસરા બ્રધર્સ સાથે તેમના કથિત સંબંધો અને તેમની સાથે તેના પરિવારના સભ્યોને કથિત લેવડ-દેવડ વિશે પૂછપરછ કરવામાં આવી છે.
એજન્સીએ આ મામલે ગત્ત વર્ષે અહમદ પટેલના દિકરા ફૈઝલ પટેલ અને જમાઇ ઇરફાન અહમદ સિદ્દિકીની પૂછપરછ કરી હતી અને તેમના નિવેદન નોંધ્યા હતા. આ બંને સાથે સંદેસરા સમૂહના એક કર્મચારી સુનીલ યાદવનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. યાદવે આ પહેલા એજન્સી સમક્ષ નિવેદન આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇડીના નિવેદનમાં યાદવે કહ્યું હતું કે, તેમણે એક પાર્ટી માટે 10 લાખ રુપિયાનો ખર્ચ ઉઠાવ્યો હતો જેમાં ફૈઝલ પણ સામેલ હતા. તેના પિતાએ એક નાઇટ ક્લબમાં પ્રવેશની વ્યવસ્થા કરાવી હતી અને દવા કંપનીના પ્રોમોટરોમાંથી એક ચેતન સંદેસરાના નિર્દેશ પર ખાન માર્કેટમાં એકવાર તેના ડ્રાઇવરને પાંચ લાખ રુપિયા આપ્યા હતા.