- ગીતાને પાકિસ્તાનથી ભારત આવ્યે 5 વર્ષ થઈ ગયાં
- ગીતાને હજી તેનો વિખૂટો પડેલો પરિવાર મળ્યો નથી
- MP સરકારની સૂચના બાદ સ્થાનિક NGO મદદે આવ્યું
નાંદેડ/મહારાષ્ટ્ર: પાકિસ્તાનથી 5 વર્ષ પહેલાં સ્વદેશ પરત આવેલી ગીતાને હજી તેનો પરિવાર મળ્યો નથી. ગીતા હજી પણ તેના પરિજનોની શોધ કરી રહી છે. આ સંદર્ભમાં મધ્યપ્રદેશ સરકારની સૂચના મળ્યા બાદ એક સ્થાનિક NGO પણ ગીતાની મદદે આવ્યું છે. મહારાષ્ટ્રના નાંદેડમાં ગીતાન પરિવારની શોધ દરમિયાન ઈટીવી ભારતે સાઈન લેંગ્વેજના જાણકાર જ્ઞાનેન્દ્ર સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગીતાને તેનો પરિવાર શોધવા માટે અનેક સ્થળ પર લઈ જઈને તેની મદદ કરવામાં આવી રહી છે. ગીતાના પરિવારને શોધવામાં ઈટીવી ભારત પણ લોકોને વિશેષ અપીલ કરી રહ્યું છે.
દેશના પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના વિશેષ પ્રયત્નો બાદ વર્ષ 2015માં પાકિસ્તાનથી ભારત પરત લાવવામાં આવેલી ગીતાને હજી પણ તેનો પરિવાર મળ્યો નથી. તેના પરિવારને શોધવાનો પ્રયાસ સતત કરવામાં આવી રહ્યો છે. ભારત પરત ફર્યા બાદ ગીતા તેના પરિવારને શોધી રહી છે, જે આશરે 20 વર્ષ પહેલાં તેનાથી અલગ થઈ ગયો હતો. ગીતા મુકબધિર છે. તેમ છતાં તેણે પરિવારને શોધવાની હિમ્મત છોડી નથી. હવે તે મહારાષ્ટ્ર અને તેના પાડોશી રાજ્ય તેલંગણામાં પોતાના પરિવારને શોધવાનો પ્રયાસ કરી રહી છે.