13 ઑગસ્ટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને યુએઈ (યુનાઇટેડ આરબ અમિરાત) વચ્ચે સમજૂતિ કરારની જાહેરાત કરી હતી. બેઠક પછી જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં આ કરારને “ઐતિહાસિક” અને “સદીની સમજૂતિ” તરીકે ગણાવાયો હતો. ઇઝરાયલ “શાંતિ માટેના વિઝનમાં દર્શાવાયેલા વિસ્તારો પર પોતાના સાર્વભૌમની જાહેરાતને પડતી મૂકશે”, અને બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના થશે. કોરોના વેક્સીન માટે સહકાર થશે, મુસ્લિમ પ્રવાસીઓને જેરુસલેમ તથા અલ અક્સા મસ્જિદની મુલાકાત લેવાની મંજૂરી અપાશે. મધ્ય પૂર્વમાં વ્યૂહાત્મક હેતુસર અમેરિકા અને યુએઇ સાથે મળીને કામ કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી સાથે આ કરાર થયો છે. તેના માટે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતનયાહૂ અને યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ-નાહ્યાન વચ્ચે વાટાઘાટો થઈ હતી. આ વર્ષે 28 જાન્યુઆરીએ ટ્રમ્પે શાંતિ માટેનું વિઝન ડોક્યુમેન્ટ વ્હાઇટ હાઉસમાં રજૂ કર્યું ત્યારે બંને પક્ષો હાજર રહ્યા હતા. બાદમાં બંને વચ્ચે લાંબી વાટાઘાટોના અંતે કરાર થયો.
આગામી ત્રણ અઠવાડિયા દરમિયાન બંને પક્ષો મૂડીરોકાણ, પ્રવાસન, સુરક્ષા, એવિએશન, આરોગ્ય, ઉર્જા, સાંસ્કૃત્તિક આદાનપ્રદાન, પર્યાવરણ અને ટેક્નોલૉજીના ક્ષેત્રમાં સહયોગ માટેના વિવિધ કરારો થતા રહેશે. જોકે યુએઈએ તરફથી સ્પષ્ટતા થઈ છે કે પેલેસ્ટાઇન ઇઝરાયલ વચ્ચેના ઘર્ષણનો અંત ના આવે ત્યાં સુધી જેરુસલેમમાં તે પોતાની રાજદૂત કચેરી ખોલશે નહિ. તેની સામે નેતનયાહૂએ દાવો કર્યો કે તેમણે વેસ્ટ બેન્કમાં વિસ્તરણ માટેની યોજનાઓને વિલંબમાં મૂકવાનું નક્કી કર્યું છે.
બંને નેતાઓ પોતપોતાના દેશમાં ટીકાઓનો સામનો કરવો પડશે તે વાતથી વાકેફ હોય તેમ લાગે છે. છેલ્લા કેટલાક પ્રસંગો પરથી એવું લાગતું હતું કે અખાતના દેશોમાં ઇઝરાયલ તરફનો અભિગમ વ્યવહારુ થવા લાગ્યો છે. ગયા વર્ષે નેતનયાહૂએ ઓમાનની મુલાકાત લીધી હતી અને છેલ્લા બે દાયકા દરમિયાન યુએઈ અને ઇઝરાયલ વચ્ચે ખાનગીમાં ગુપ્તચર માહિતીની આપલે થતી રહી હતી. બંને દેશો તેમના સમાન દુશ્મન ઇરાનની પ્રવૃત્તિઓ વિશે એકબીજાને માહિતગાર રાખતા હતા. કતારે પોતાને ત્યાં ભવ્ય FIFA કપનું આયોજન કર્યું ત્યારે ઇઝરાયલ તરફથી ઇન્ટેલિજન્સની મદદ લેવાઇ હતી. પેલેસ્ટાઇન માટે મદદ કરનારા દેશો પણ હવે થાક્યા છે. ઇઝરાયલને દેશ તરીકે સ્વીકારવા માટેની તૈયારી સાઉદી ક્રાઉન પ્રિન્સ સલમાને દેખાડી હતી અને ઇઝરાયલના વેપારીઓને પોતાના દેશની મુલાકાતની છૂટ પણ આપી હતી. ઇઝરાયલના નિર્થક બહિષ્કાર વિશે મુસ્લિમ દેશોમાં એકમતી પણ બનવા લાગી હતી. તેના કારણે અખાતના દેશો યહુદી રાષ્ટ્ર પ્રત્યે કૂણા પડવા લાગ્યા હતા.
આ કરાર વિશે મોટા ભાગના દેશોએ તેમની વિદેશ નીતિ અનુસાર પ્રતિસાદ આપ્યો છે. કરાર કરનારા ત્રણેય દેશોએ ખુશી વ્યક્ત કરી હતી, પણ ઇઝરાયલમાં સ્થાયી થયેલા જમણેરી જૂથોએ નારાજી વ્યક્ત કરી કે નેતનયાહૂએ તેમને છેતર્યા છે. સૌથી મોટા દેશ સાઉદી અરેબિયાએ હજી સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી. કદાચ તે બીજા અખાતી દેશોમાં શું પડઘો પડે છે તેની રાહ જોઈ રહ્યું છે.
જોકે સાઉદી કરારને વખોડી કાઢે તેવું લાગતું નથી, કેમ કે યુએસએ અને યુએઈ બંને સાથે તેના નીકટના સંબંધો છે. કતાર અને બહેરીને સમજૂતિને આવકાર આપ્યો છે, જ્યારે કુવૈતે પેલેસ્ટાઇનને મજબૂત ટેકો આપેલો છે તેથી તેના તરફથી પ્રતિસાદમાં વિલંબ થઈ શકે છે. ઓમાને સમર્થન આપ્યું છે. ઇજિપ્ત અને જોર્ડન બંને ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ધરાવે જ છે એથી તેમણે પણ ટેકો આપ્યો છે.
આ મુદ્દે મુસ્લિમ જગતમાં સ્પષ્ટપણે ભાગલા પડી ગયા છે. પેલેસ્ટાઇને સ્પષ્ટપણે આ કરારને નકારી કાઢ્યો છે. ઇરાને તેને વ્યૂહાત્મક મૂર્ખામી ગણાવી છે, જ્યારે તુર્કીએ યુએઈ સાથેના રાજદ્વારી સંબંધો વિશે પુનર્વિચાર કરવાની ચેતવણી આપી છે. મલેશિયાએ કહ્યું કે આનાથી આગમાં ભડકો થશે, જ્યારે ઇન્ડોનેશિયાએ સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી. પાકિસ્તાનની સ્થિતિ વિચિત્ર બની છે. તેના માટે બંને બાજુથી ભીંસમાં મૂકાવા જેવું થયું છે. કરારની લાંબા ગાળાની અસરો હશે એમ કહીને તેણે કહ્યું કે કરારનું તે વિશ્લેષણ કરી રહ્યો છે. ભારત અને ચીન બંનેએ કરારને આવકાર આપ્યો છે. સ્વાભાવિક છે કે પશ્ચિમના મહત્ત્વના દેશો પણ તેને અનુમોદન આપે.
હવે આ કરારથી કોને શું ફાયદો થશે? પ્રથમ તો અમેરિકાને ફાયદો થયો. શાંતિ માટેના મધ્યસ્થી તરીકેની તેની છાપ પડી. અફઘાનિસ્તાન અને તાલિબાન સાથે શાંતિ સમજૂતિ પછી હવે ઇઝરાયલ અમિરાતમાં શાંતિ માટેના કરાર કરાવ્યા. ટ્રમ્પ આવા દાવા સાથે ચૂંટણીમાં પ્રચાર કરી શકે છે. અમેરિકાના અર્થતંત્રમાં ઇઝરાયલી લોબીનું પ્રભુત્વ છે, તે હવે ટ્રમ્પના સમર્થનમાં વધારે સક્રિય બનશે. કદાચ એવું પણ બને કે બંને પક્ષોને શાંતિ માટેનો નોબલ પણ મળે, કેમ કે 1978માં કેમ્પ ડેવિડ માટે જાહેર થયો હતો અને આખા બોલા ટ્રમ્પ પોતાને નોબલ માટે પણ દાવો કરી શકે. યુએઈ અને તેના પડોશી દેશોને હવે ઇઝરાયલ સાથેના સંબંધોમાં ઓછી દુવિધા રહેશે. અમિરાત મધ્ય પૂર્વમાં તાકાત તરીકે ઉપસવા માગે છે તેમાં પણ મદદ મળશે. સાઉદી પ્રભાવથી દૂર રહીને પોતાની વિદેશ નીતિ માટે તે હવે પ્રયાસો કરી શકે છે.
સાઉદી અરેબિયા અને ઓમાન પણ આખરે કરાર સ્વીકારી લેશે એમ લાગે છે. ખનીજ તેલની આવક ઘટવાની છે ત્યારે સાઉદી અરેબિયાએ પોતાની વિશાળ ભૂમિમાં આર્થિક વિકાસ માટે કશુંક કરવાનું વિચારવું પડે. એ જ રીતે તેના પછી બીજા નંબરે સૌથી વધુ વિસ્તાર ધરાવતા ઓમાને પણ જમીનનો ઉપયોગ કરવાનું વિચારવું પડે, કેમ કે તેની ખનીજ તેલની આવક સૌથી ઓછી છે. ઇઝરાયલ ઉજ્જડ પ્રદેશોને ખેતીલાયક બનાવવા માટે જાણીતો છે એથી અહીં તે ઉપયોગી થઈ શકે છે. ઇઝરાયલનું શક્તિશાળી જાસૂસી તંત્ર પણ છે, જેનો ઉપયોગ ઇરાનના અચાનક આક્રમણ સામે કરી શકાય તેમ છે.
દેખીતી રીતે જ નુકસાન પેલેસ્ટાઇનને થઈ રહ્યું છે. તેણે એટલો જ સંતોષ લેવાનો રહ્યો કે ઇઝરાયલ હવે તેની વધારે જમીન કબજે નહિ કરે. યુએઈએ પક્ષ બદલ્યો તે પછી હવે બીજા રાષ્ટ્રો પણ વિચારશે અને પેલેસ્ટાઇનને દાતા રાષ્ટ્રો મળવા મુશ્કેલ બનશે. મુસ્લિમ જગતના મોટા ભાગના દેશો સમર્થન આપે તે સંજોગોમાં તુર્કીને ઉમ્મામાં પોતાના મિત્રો ઓછા થયેલા લાગશે. ઇરાન માટે હવે ઇરાક, ઉપરાંત અખાતના દેશો, અફઘાનિસ્તાન અને અનિશ્ચિત મિત્ર પાકિસ્તાનની વચ્ચે ઘેરાયેલા રહેવું પડશે.
પાકિસ્તાન પાસે બંને મુશ્કેલ વિકલ્પો છે. ધાર્મિક અને આર્થિક રીતે મુસ્લિમ જગતમાં સાઉદી અરેબિયાનો દબદબો છે, પાકિસ્તાન મુસ્લિમ દેશોમાં રાજકીય નેતૃત્ત્વ લેવાની મહત્ત્વાકાંક્ષા રાખે છે. તે એક માત્ર અણુ શક્તિ ધરાવતો મુસ્લિમ દેશ હોવાથી તેની નેતાગીરીની ઇચ્છા છે. અત્યારે આ કરારના મામલે મુસ્લિમ જગતમાં ભાગલા પડ્યા છે, ત્યારે પાકિસ્તાન કરારને ટેકો આપે તો તે તુર્કી, મલેશિયા અને ઇરાન જેવા સાથી દેશોથી જુદો પડી જાય.
બીજી બાજુ પાકિસ્તાન કરારનો વિરોધ કરે તો યુએઈ અને સાઉદી અરેબિયા સાથેના બગડેલા સંબંધો વધારે બગડે. પાકિસ્તાનના સૌથી વધુ નોન રેસિડન્ટ નાગરિકો સાઉદી અને યુએઈમાં કામ કરે છે. તેમના તરફથી મોટું રેમિટન્સ આવે છે, જેના કારણે પાકિસ્તાનનું ઘટી રહેલું વિદેશી હૂંડિયામણ બચી શકે છે. પરદેશથી આવતી આ આવક બંધ થાય તો પાકિસ્તાન દેવાળું કાઢે અને તેવા સંજોગોમાં ચીન પણ તેને વધારે મદદ ના કરે. ચીને કરારને ટેકો આપ્યો છે, ત્યારે મુસ્લિમ જગતમાં પાછા પડેલા પાકિસ્તાનને મદદ ના કરે. તે સિવાયના મુસ્લિમ દેશોનું ખાસ વજન નથી.
અખાતમાં ચીનનું મોટા પાયે રોકાણ હોવાથી તે આર્થિક નીતિઓની બાબતમાં સાવધાનીથી આગળ વધશે. તેણે અખાત કે ઇરાન બેમાંથી એકની પસંદગી કરવી પડશે. ભારતને શાંતિ થઈ ગઈ કે તેણે હવે આરબ દેશોને એવું સમજાવવાનું ના પડે કે શા માટે ઇઝરાયલ સાથેના અમારા સંબંધો આપણી વચ્ચે લાવવા જોઈએ નહિ. સાઉદી અને યુએઈ સાથે આપણા સંબંધો સુધરી રહ્યા છે અને ઇઝરાયલ સાથે ઉત્તમ સંબંધો છે જ, તેથી હવે ઘર્ષણ નહિ થાય. ભારત નૈતિક અને રાજકીય સમર્થન અગાઉની જેમ પેલેસ્ટાઇનને આપતું રહેશે.
જોકે કરાર પછી સ્પષ્ટ ચિત્ર થોડા સમયમાં ઉપસશે અને નવા ભૂભૌતિક સમીકરણો તૈયાર થશે. તેની અસર માત્ર પ્રાદેશિક નહિ, પણ વિશ્વભરમાં થશે.
ઇઝરાયલ યુએઇ વચ્ચે કરાર: સદીની સૌથી ઉત્તમ સમજૂતિ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 13 ઑગસ્ટેના રોજ ઇઝરાયલ અને યુએઈ વચ્ચે સમજૂતિ કરારની જાહેરાત કરી હતી. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના થશે. મધ્ય પૂર્વમાં વ્યૂહાત્મક હેતુસર અમેરિકા અને યુએઇ સાથે મળીને કામ કરશે.
ઇઝરાયલ યુએઇ વચ્ચે કરાર: સદીની સૌથી ઉત્તમ સમજૂતિ
- જે.કે.ત્રિપાઠી