ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. જેને લઇને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર પણ કોરોનાને કાબૂમાં લેવા માટે કમર કસી રહી છે. આ વચ્ચે દેશમાં રેલ મંત્રાલય દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રેલવેએ 5000 કોચને કોવિડ-19 સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાનો નિર્ણય લીધો છે.
રેલવેનો વધુ એક મહત્વનો નિર્ણય, આઇસોલેશન વોર્ડ માટે 5000 કોચ આપ્યા - લોકડાઉન
રેલ મંત્રાલયના આદેશ અનુસાર દેશમાં 5000 રેલ્વે કોચને કોવિડ-19 સેન્ટર માટે ઉભા કરવામાં આવ્યા છે. આ કોચને અલગ-અલગ રાજ્યોમાં તૈનાત કરવામાં આવશે. રાજ્ય સરકાર તેનો ઉપયોગ કોરોના સંક્રમિત દર્દીઓ માટે કરી શકે છે. હાલમાં દિલ્હીના સ્ટેશનો પર આ કોચ તૈનાત કરવાનો ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ નવી દિલ્હી અને નિઝામુદીન સ્ટેશન પર હાલમાં કેટલાક કોચને રાખવામાં આવ્યા છે. દરેક સ્ટેશન પર તેના માટે એક નોડલ ઓફિસર તૈનાત કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે, આ તમામ કોચના ઉપયોગ સંક્રમિત દર્દીઓ માટે કરવામાં આવશે. કારણ કે આ કોચમાં આઇસોલેશનની તમામ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે. એવુ પણ જણાવવામાં આવ્યું છે કે, દર્દીમાં કોઇ એવા લક્ષણ દેખાઇ અને હાલત ગંભીર જણાય તો દર્દીને તુરંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું કે, જરૂરત પૂરી થવા પર તમામ કોચ રેલ્વેને પરત સોંપવામાં આવી શકે છે.