Covid-19 મહામારી સમગ્ર જગતમાં ફેલાઈ ગઈ છે, ત્યારે જગતભરના વિજ્ઞાનીઓ વાઈરસના સામનો કરવા માટેના ઉપાયો શોધવામાં લાગી ગયા છે. વિકસિત દેશોમાં સંશોધકો રાતદિવસ મહેતન કરીને કોરોના વાઈરસ સામે રસી શોધવાની કોશિશમાં લાગ્યા છે. ભારતમાં પણ કોરોનાનો ઇલાજ શોધવા માટે સંશોધનો શરૂ થઈ ગયા છે.
દુનિયા અત્યારે Covid-19ના ભરડામાં આવી ગઈ છે અને અમેરિકા જેવી મહાસત્તા પણ તેની સામે લાચાર દેખાઈ રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સામેની લડત માટે ભારતની મદદ માગી રહ્યા છે. દુનિયાભરના દેશોએ અત્યારે એ વાત સમજી રહ્યા છે કે માનવજાત સામેનું આ ત્રીજું વિશ્વ યુદ્ધ ભારતના સમર્થન વિના જીતી શકાય તેમ નથી.
હવે કોરોના સામે મેલેરિયા અને એચઆઈવીની દવાઓનો પ્રયોગો થઈ રહ્યો છે ત્યારે સૌની નજર ભારત પર છે. વાઈરસ સામે ઉપયોગી જણાતી હોવાથી હાઇડ્રોક્સીક્લૉરોક્વિનની માગ વધી છે.
બીજી બાજુ દુનિયાભરમાં કોરોના સામે રસી શોધવા માટેની ઝુંબેશ પણ ચાલી રહી છે. આ બધા વચ્ચે આયુર્વેદ અને હોમિયોપથી ડૉક્ટર્સ તરફથી ક્લિનિકલ ટ્રાયલ માટેની મંજૂરી કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) પાસે પોતાની દવાઓની ટ્રાયલ માટેની રજૂઆતો કરાઈ છે.
આવા જ એક ડૉક્ટર છે બેંગાલુરુના ડૉ. હૃષિકેષ દામલે, અત્રીમેદ ફાર્માસ્યુટકલ્સના મેનેજિંગ ડિરેક્ટર. તેમણે દાવો કર્યો છે કે તેમની કંપનીએ કોરોના વાઈરસ સામે ઉપયોગી દવા શોધી છે અને બે સ્ટેજની તપાસ પછી તેમણે ક્લિનિકલ ટ્રાયલ માટે માગણી મૂકી છે.