ન્યૂઝ ડેસ્કઃ સરકાર ચૂંટણી લડવા માટેનું ભંડોળ આપે તેવા વડાપ્રધાનના સૂચનને ચૂંટણીપંચે નકારી કાઢ્યું છે. 2016માં તેમણે નોટબંધી કરી, તે પછી તેમણે આવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે સાથે જ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાનું પણ સૂચન કર્યું હતું. ભ્રષ્ટાચાર રોકવા માટે સરકાર તથા ચૂંટણી તંત્રનો સમય બચાવવા માટે તેમણે આ સૂચન કર્યું હતું.
ચૂંટણી પંચે ચૂંટણી માટેના સરકારી ભંડોળ વિશે પોતાનો અભિપ્રાય આપી દીધો હશે, પરંતુ પ્રધાને જણાવ્યું કે, સરકાર રાજકીય ભંડોળની બાબતમાં પારદર્શીતા લાવવા અને ચૂંટણીઓમાં નાણાંની તાકાતને રોકવા માટે કટિબદ્ધ છે. રોકડનો વ્યવહાર અટકાવવા માટે અને રાજકીય ભંડોળમાં પારદર્શીતા લાવવા માટે સરકારે આવકવેરા કાયદામાં ફેરફાર કર્યો હતો. અનામી વ્યક્તિ દ્વારા વધુમાં વધુ રોકડ ચૂંટણી ફાળો 2000 રૂપિયાનો જ કરવામાં આવ્યો છે.
તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે, સરકારે 2018માં રાજકીય ભંડોળમાં પારદર્શીતા લાવવા માટે ઇલેક્ટોરલ બોન્ડની પ્રથા દાખલ કરી હતી, જેમાં ઑડિટ ટ્રેઇલ સાબિત થઈ શકે. પણ સવાલ એ છે કે, શું સરકારે ઇલેક્ટોરલ બોન્ડ સાથેના સુધારા દાખલ કર્યા છે, તેના કારણે રાજકીય ભંડોળમાં પારદર્શીતા આવી ખરી?
રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કઈ રીતે ભંડોળ મળ્યું છે તેના પર નજર નાખતા ખ્યાલ આવી જાય છે કે પારદર્શીતા લાવવાના બદલે તેના કારણે રાજકીય દાન બહુ મર્યાદિત અને પસંદગીના મોટા પક્ષ પૂરતું જ મર્યાદિત રહી ગયું. તેના કારણે નાના અને રાજકીય પ્રાદેશિક પક્ષોને મોટું નુકસાન થયું છે.
જાન્યુઆરી 2018માં દાખલ કરવામાં આવેલી ઇલેક્ટોરલ બોન્ડની પદ્ધતિ પ્રમાણે ભારતનો કોઈ પણ નાગરિક કે ભારતની કોઈ પણ કંપની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પસંદગીના બ્રાન્ચમાંથી બોન્ડ ખરીદી શકે છે. 1000થી શરૂ કરીને 10 હજાર, લાખ, દસ લાખ અને એક કરોડ એવી રીતે બોન્ડ આપવામાં આવે છે. તે ખરીદીને 15 દિવસની અંદર જ પોતાની પસંદગીના રાજકીય પક્ષને આપી દેવાનો રહે છે.
આવી રીતે ઇલેક્ટોરલ બોન્ડ મેળવીને વટાવનાર રાજકીય પક્ષને રાજ્યની વિધાનસભામાં કે લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછા 1 ટકો મત મળ્યા હોવા જોઈએ. તેના કારણે નવી નોંધાયેલી રાજકીય પાર્ટીઓને બહુ મુશ્કેલી નડે છે, કેમ કે તેમના માટે એક ટકો મતો મેળવવા મુશ્કેલ હોય છે. તેની સામે સ્થાપિત મોટા પક્ષો ફાયદામાં રહે છે.
ઇલેક્ટોરલ બોન્ડના કારણે બિલકુલ પારદર્શિતા આવી નથી. નિયમ પ્રમાણે રાજકીય પક્ષોને બોન્ડ આપનાર વ્યક્તિની ઓળખ ખાનગી રાખવામાં આવે છે. કાળું નાણું બહાર લાવવાના બદલે આ રીતે ઓળખ છુપી રહેતી હોવાથી વ્યક્તિ કે કંપનીને પોતાનું કાળું નાણું રાજકીય પક્ષોને બોન્ડ મારફત દાનમાં આપી દેવું વધારે સહેલું પડે છે. ચૂંટણી પ્રક્રિયામાં સુધારાના નામે આપણે છેલ્લા થોડા વર્ષોમાં તેને વધારે ધૂંધળી બનાવી છે અને અસલી સુધારાની બાબતમાં કશું થયું નથી.