ગુજરાત

gujarat

શું ભારત નેપાળ ને ગુમાવી રહ્યું છે?

By

Published : Jul 3, 2020, 10:12 PM IST

Updated : Jul 3, 2020, 10:53 PM IST

નેપાળ સ્પષ્ટપણે ભારતથી દૂર જવા લાગ્યું છે. વડા પ્રધાન કે. પી. ઓલીએ આક્ષેપ મૂક્યો છે કે ભારત તેને સત્તા પરથી ઉથલાવી નાખવા માગે છે. પોતે નવો નેપાળી નકશો, બંધારણીય મંજૂરી સાથે તૈયાર કર્યો અને 400 ચોરસ કિમી જેટલા વિસ્તાર પર દાવો કર્યો એટલે ભારત આમ કરી રહ્યું હોવાનું તેમનું કહેવું છે.

a
શું ભારત નેપાળ ને ગુમાવી રહ્યું છે?

હૈદરાબાદઃ ભારતના ઉત્તરાખંડમાં આવેલા પીઠોરાગઢના પ્રદેશ પણ તેમણે દાવો કર્યો છે. જોકે ભૂતપૂર્વ ત્રણ વડા પ્રધાનોએ ઓલીની સામે નિવેદનો કર્યા છે. પુષ્પકુમાર દહલ 'પ્રચંડ', માધવ કુમાર નેપાળ અને જાલ નાથ ખનાલ ત્રણેય નેપાળની શાસક નેપાલ સામ્યવાદી પક્ષની સ્ટેન્ડિંગ કમિટીમાં છે. ભારત સામેના આક્ષેપો કરતાં પહેલાં તેના નક્કર પુરાવા રજૂ કરો એમ આ ત્રણેય સિનિયર નેતાઓએ કહ્યું છે. ભારત સામેના આક્ષેપો સાબિત કરી શકો તેમ ના હો તો પછી તમારે વડા પ્રધાન તરીકે અને પક્ષના સહપ્રમુખપદેથી રાજીનામું આપી દેવું જોઈએ એમ તેઓએ કહ્યું છે.


આના પરથી નેપાળ સામ્યવાદી પક્ષમાં આંતરિક ઝઘડા કેવા છે અને ભારત તથા અન્ય દેશો સાથેના સંબંધોના આધારે પ્રભુત્વ જમાવવાની કોશિશ થાય છે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે. સિનિયર સાથીઓની અવગણના કરીને ઓલીએ સત્તા પોતાના કબજામાં કર છે તેના કારણે હવે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પક્ષના સહપ્રમુખ પ્રચંડની ફરિયાદ છે કે મહત્ત્વના નિર્ણયો લેતી વખતે ઓલી તેમને વિશ્વાસમાં લેતા નથી. ગયા મહિને ચીનના સામ્યવાદી પક્ષ સાથે પક્ષીય ધોરણે વાતચીત કરવામાં આવી ત્યારે વિદેશી બાબતો સંભાળતા માધવ નેપાળને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતો તેનો પણ અસંતોષ છે.


નિયમો વિરુદ્ધ ઓલી પક્ષમાં બે અગત્યના હોદ્દા સંભાળી રહ્યા છે અને મોટા ભાગની વહિવટી તથા નાણાકીય સત્તા તેમણે પોતાના હાથમાં જ રાખી છે. પોતાની રીતે કે પોતાના ટેકેદારની મારફત તેમણે આ બાબતો કબજામાં રાખી છે. કોરોનાનો સામનો કરવાનો હોય, ભ્રષ્ટાચારને અટકાવવાનો હોય કે વિકાસના વાયદા પૂરા કરવાના હોય, તેમાં પણ ઓલીને નિષ્ફળતા મળી છે. તેના કારણે સરકારે અને સામ્યવાદી પક્ષ નેપાળમાં લોકપ્રિયતા ગુમાવી રહ્યા છે અને ભવિષ્યમાં ટેકેદારો ગુમાવે તેવો ભય છે. અમેરિકાએ MCC પ્રોગ્રામ હેઠળ નેપાળને $50 કરોડ ડૉલરની સહાય કરવાની ઓફર કરી તેને ઓલી સ્વીકારવા માગે છે, પણ તે બદલ પણ તેમની સાથે અસંતોષ છે.


પોતાના જ પક્ષમાં ઓલી એકલા પડવા લાગ્યા એટલે તેમણે વિપક્ષના નેતાઓને સાધવાનું શરૂ કરી દીધું હતું. તેમણે ચીનનો ટેકો લેવાનું અને ભારતવિરોધી વલણ અપનાવાનું શરૂ કર્યું છે. 2015માં દેશનું નવું બંધારણ તૈયાર થઈ રહ્યું હતું ત્યારે પણ તેમણે આવું વલણ લીધું હતું. 2917ની સંસદની ચૂંટણીમાં અને હાલમાં નવા નકશાના મામલે પણ ઓલીએ આવું જ વલણ લીધું છે. એવા અહેવાલો છે કે તેમને વિપક્ષ નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબાનું સમર્થન છે. નકશાના મુદ્દે તથા ભારતીય વિસ્તારો પર દાવો કરીને ભારત વિરોધી વલણ લેવા પાછળનો ઇરાદો નેપાળના રાષ્ટ્રવાદને જગાવવાનો અને પોતાને તેના હીરો તરીકે દેખાડવાનો છે. પોતે પ્રખર રાષ્ટ્રવાદી છે એવું દેખાડીને ઓલી પક્ષમાં રહેલા વિરોધીઓને ચૂપ કરી દેવા માગે છે.


પોતાના અંગત હિત ખાતર તેમણે નેપાળી રાષ્ટ્રવાદનો ઉપયોગ કર્યો છે અને તેમાં ત્રણ પરિબળોને કારણે ઓલીને ફાવતું મળ્યું છે. એક તો એ સ્વીકારવું પડે કે નેપાળ એક નવું, યુવા, અપેક્ષા રાખનારું અને પોતાની ઓળખ માટે ગૌરવ રાખવાનું વિશ્વાસુ રાષ્ટ્ર છે. દેશની વસતિના 65% યુવાનો છે, તેઓ લોકતાંત્રિક પ્રણાલીથી સજાગ થયા છે અને ઇન્ટરનેટ તથા વિદેશમાં કામકાજ માટે જવાને કારણે બહારની દુનિયાને જાણતા થયા છે. શિક્ષિત આ યુવા વર્ગ આત્મવિશ્વાસુ પણ છે અને તેમને ભારત સાથેના સાંસ્કૃત્તિક અને ઐતિહાસિક સંબંધોની ખાસ અસર નથી. ભારત સાથે રોટી, બેટીનો વ્યવહાર છે એવી ચીલાચાલુ વાતોમાં તેમને રસ પડતો નથી. ભારત પર તેઓ નજર નાખે ત્યારે પોતાની અપેક્ષાઓ પૂર્ણ થવાની છે કે કેમ તે જ ગણતરી હોય છે.


ભારત તેમાં સહાયરૂપ નથી થતું તેવી છાપ ઊભી થઈ છે. આ બીજું પરિબળ છે, કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી ભારતે નેપાળમાં કોઈ મોટો નજરે ચડે તેવો પ્રોજેક્ટ હાથ ધર્યો નથી. યુવાનોને સ્પર્શે તેવી કોઈ મોટી યોજના ભારતે ત્યાં ચલાવી નથી. ભારત રાજદ્વારીઓ દ્વારા નેપાળની બાબતોમાં માથું મારે છે તેવી છાપ ઊભી થઈ છે. નેપાળમાં નવું બંધારણ ઘડવાની તૈયારીઓ ચાલી તે દરમિયાન 2015માં ભારતે દાખવેલી ઉપેક્ષા અને ત્યાર બાદ પાંચ મહિના સુધી આર્થિક અવરોધ રહ્યો. તેના કારણે નેપાળના નાગરિકોને તકલીફો ભોગવવી પડી હતી. આ ઉદાહરણો ભારતના અભિગમ માટે આપવામાં આવે છે.


ભારત કરેલી આ રાજદ્વારી ભૂલોને કારણે નેપાળી નાગરિકોની લાગણી ઘવાઈ છે. ભારત નેપાળ સામ્યવાદી પક્ષની અને વડા પ્રધાન ઓલીની તરફેણ નથી કરતું તેવી છાપ ઊભી થઈ છે. નેપાળમાં ભારત વિરોધી લાગણી ઊભી થઈ તે પછી ભારતે પોતાનું વલણ હળવું કરવાની કોશિશ કરી હતી. સાથે જ નેપાળમાં પેન્ડિંગ રહેલા પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ વધારવાની પણ કોશિશ થઈ. માર્ગ અને રેલ સંપર્કના પ્રોજેક્ટ્સનો તેમાં સમાવેશ થાય છે, પણ તેના કારણે બહુ ફરક પડ્યો નથી અને શાસક પક્ષનો ભારત વિરોધી અભિગમ બદલાયો નથી.


નેપાળની ભારત તરફની નારાજીનો ભરપુર ફાયદો ચીને ઉઠાવ્યો છે. ચીને ભારતને પોતાના રસ્તે અને બંદરો પર થઈને વૈકલ્પિક ટ્રેડ રૂટ માટે ઓફર કરી હતી. નેપાળમાં બેલ્ડ એન્ડ રોડ ઇન્નિશિયેટ હેઠળ ચીને રસ્તા સહિતની સુવિધાઓ ઊભી કરવા પાછળ કરોડો ડૉલરનું રોકાણ કર્યું છે. ચીને પોતની અઢળક સંપત્તિનો ઉપયોગ કરીને નેપાળના રાજકારણીઓને લલચાવ્યા છે.

બધા રાજકારણીઓને સાચવવામાં આવે છે અને ખાસ કરીને નેપાળ સામ્યવાદી પક્ષના નેતાઓને. હાલના સમયમાં ચીનના રાજદૂત સામ્યવાદી પક્ષના જુદા જુદા જૂથના નેતાને મળતા હોય અને તેમની વચ્ચે સમાધાન માટે પ્રયત્નો કરતાં હોય તેવું નેપાળી મીડિયાએ જોયું હતું. ભારત અને ચીન વચ્ચે વેપાર અને સંપર્ક માર્ગ તરીકે લિપુલેખને છેક 1954માં અને 2015માં પણ સ્વીકાર્યો હતો. તેથી કાલાપાણી વિસ્તારની બાબતમાં ચીન નેપાળને ખુલ્લામાં સમર્થન આપી શકે તેમ નથી. પરંતુ નેપાળ આ રીતે સરહદી વિવાદો જગાવે તે ચીનને માફક આવે તેમ છે. તેના કારણે નેપાળ સાથે વેપાર અને વ્યૂહાત્મક સંબંધો પણ ચીન ગાઢ કરી શકે છે.


ભારતના સાંસ્કૃત્તિક, સામાજિક અને આર્થિક સંબંધો નેપાળ સાથે ગાઢ રહ્યા છે, આમ છતાં નેપાળ પર ચીનની અસરને ખાળવી ભારત માટે વધુ ને વધુ મુશ્કેલ બની રહી છે. નેપાળ પ્રત્યેના ભારતના અભિગમાં તદ્દન નવેસરથી વિચાર કરવાની જરૂર છે. નેપાળમાં રાજકીય હલચલ વધી રહી છે ત્યારે ભારતે સંવેદનશીલ બનીને તેની સાથેના સંબંધોને સુધારવા જરૂરી છે. ઇતિહાસ દર્શાવે છે કે ચીને હંમેશા ભારતના આ હિમાયલના પડોશી સાથેના સંબંધોને બગાડવાની કોશિશ કરી છે.

એસ. ડી. મુની, માનદ પ્રોફેસર, જેએનયુ, ભૂતપૂર્વ રાજદૂત

Last Updated : Jul 3, 2020, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details