ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ - ઈટીવી ભારત ન્યૂઝ

19મી ડિસેમ્બર, 2011ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીએ રેઝોલ્યુશન 66/170 અપનાવ્યું અને 11મી ઑક્ટોબરને ઈન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઈલ્ડ જાહેર કર્યો, જેથી છોકરીઓના અધિકારોને માન્યતા મળે અને વિશ્વભરમાં છોકરીઓને જે અસામાન્ય પડકારોનો સામનો કરવો પડે છે, તે પિછાણી શકાય.

International Day of Girl Child
આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ

By

Published : Oct 11, 2020, 11:02 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ભારતના ઘણા હિસ્સાઓમાં પરિવારમાં છોકરી-બાળકીના જન્મને આવકારવામાં આવતો નથી. જન્મથી જ બાળકીઓને જીવનના પ્રત્યેક તબક્કામાં ભેદભાવ, અપમાન અને જુલમ સહેવાં પડે છે. જ્યારે સ્વાસ્થ્યસંભાળ, શિક્ષણ અને વિકાસની તકોની વાત આવે ત્યારે છોકરીઓએ પક્ષપાતનો ભોગ બનવું પડે છે. કેટલીક છોકરીઓ તેમાં ટકી જઈને વિકાસનાં નવાં રસ્તા ચાતરી લે છે. છતાંયે, મોટા ભાગની છોકરીઓ પોતાના કમનસીબને નિરાશાજનક રીતે સ્વીકારીને શરણાગતિ સ્વીકારી લે છે.

દેશમાં નોંધપાત્ર જાતિ અસમાનતા અને પિતૃપ્રધાન સમાજ હોવાને કારણે છોકરીઓ પોતાની જાતને ઘણીવાર ધૂત્કારભરી સ્થિતિમાં અનુભવે છે. છોકરી સામે પ્રબળ ભેદભાવ છે અને છોકરીનો દુરુપયોગ અને શોષણ થવાના ભયને કારણે તેને નિશાળે મોકલવાને બદલે ઘરમાં જ રાખી મૂકવામાં આવે છે. બાળ લગ્ન વધુ એક સળગતી સમસ્યા છે, જેના કારણે છોકરીઓને નાની ઉંમરે શાળા છોડી દેવા દબાણ થાય છે.

યુનાઈટેડ નેશન્સમાં વર્ષ 1995માં બીજિંગમાં યોજાયેલી વર્લ્ડ કોન્ફરન્સ ઓન વીમેનમાં દેશોએ બીજિંગ ડેક્લેરેશન એન્ડ પ્લેટફોર્મ ફોર એક્શન અપનાવવા સંપૂર્ણ સહમતિ સાધી હતી. બાળકીઓના અધિકારોની દિશામાં બીજિંગ ડેક્લેરેશન સૌપ્રથમ નક્કર કદમ છે.

19મી ડિસેમ્બર, 2011ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીએ રેઝોલ્યુશન 66/170 અપનાવ્યું અને 11મી ઑક્ટોબરને ઈન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઈલ્ડ જાહેર કર્યો, જેથી છોકરીઓના અધિકારોને માન્યતા મળે અને વિશ્વભરમાં છોકરીઓને જે અસામાન્ય પડકારોનો સામનો કરવો પડે છે, તે પિછાણી શકાય.

ધ્યેય

ઈન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લની ઉજવણીનો ઉદ્દેશ ચાઈલ્ડ છોકરીઓએ જે પડકારોનો સામનો કરવો પડે છે, તેનો ઉકેલ લાવીને છોકરીઓને સશક્ત બનાવવાનો તેમજ તેમના માનવીય અધિકારો પરિપૂર્ણ થાય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

કિશોરાવસ્થામાં હોય તેવી છોકરીઓને સલામત, સુશિક્ષિત અને તંદુરસ્ત જીવનનો અધિકાર ફક્ત તેમનાં વિકાસાત્મક વર્ષો દરમ્યાન જ નહીં, પરંતુ તેઓ પરિપક્વ સ્ત્રી બની જાય તે પછી પણ છે. જો છોકરીઓને તેમનાં કિશોરાવસ્થાનાં વર્ષો દરમ્યાન અસરકારક રીતે સહાયરૂપ બનવામાં આવે તો તેઓ વિશ્વને બદલી નાંખવાની ક્ષમતા ધરાવે છે - તેઓ આજની સશક્ત છોકરીઓ બને છે અને સાથે સાથે આવતીકાલની સશક્ત કર્મચારી, માતા, ઉદ્યોગસાહસિક, મેન્ટોર, ઘરની અગ્રણી તેમજ રાજકીય નેતા બની શકે છે. કિશોરીઓની તાકાતને પરખીને તેમાં કરેલું રોકાણ તેમને આજે અધિકારો અપાવે છે અને વધુ ન્યાયસંગત અને ઉજ્જવળ ભવિષ્ય આપે છે, જેના પગલે આબોહવા પરિવર્ત, રાજકીય ઘર્ષણ, આર્થિક વિકાસ, બીમારીની રોકથામ તેમજ વૈશ્વિક સ્થિરતા સામેની સમસ્યાઓ ઉકેલવામાં વિશ્વની આ અડધોઅડધ માનવજાત સમાન સહભાગી બનશે.

વૈશ્વિક હકીકતો

• સમગ્ર વિશ્વમાં 15થી 19 વર્ષની પ્રત્યેક ચારમાંથી લગભગ એક છોકરી રોજગાર, શિક્ષણ કે તાલીમ કશું જ મેળવી રહી નથી, જેની સામે સમાન વયના 10માંથી એક છોકરો રોજગાર, શિક્ષણ કે તાલીમ મેળવતો નથી. વર્ષ 2021 સુધીમાં વિશ્વની 43.5 કરોડ મહિલાઓ અને છોકરીઓ દૈનિક 1.90 ડોલરથી ઓછી રકમ ઉપર ગુજરાન ચલાવી રહી હશે - જેમાં કોવિડ-19ને પગલે ગરીબીમાં ધકેલાઈ ગયેલી 4.7 કરોડ મહિલા-છોકરીઓ સામેલ છે.

• વિશ્વની ત્રણમાંથી એક મહિલા શારીરિક અથવા તો જાતિય હિંસાનો ભોગ બની છે. પ્રાપ્ત આંકડા દર્શાવે છે કે કોવિડ-19ની મહામારી ફાટી નીકળી ત્યારથી મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસા (વીએડબલ્યુજી) અને ખાસ કરીને ઘરેલુ હિંસામાં નોંધપાત્ર વધારો થયો છે.

• ઓછામાં ઓછા 60 ટકા દેશો હજુ પણ વારસામાં મળતી જમીન અથવા તો જંગમ અસ્ક્યામતો બાબતે દીકરીઓના અધિકારો સામે કાયદા અથવા વ્યવહારમાં પક્ષપાત કરે છે.

પડકારો બાળલગ્ન

• યુનાઈટેડ નેશન્સના ડેટા મુજબ, વિકસતા દેશોમાં (ચીન સિવાય) ત્રણમાંથી એક છોકરી 18 વર્ષની વય વટાવે તે પહેલાં જ પરણી જવાની સંભાવના છે.

• દર નવમાંથી એક છોકરી 15મી વર્ષગાંઠ ઉજવે તે પહેલાં જ પરણી જશે. મોટા ભાગની છોકરીઓ ગરીબ, ઓછી ભણેલી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતી હોય છે.

• વર્ષ 2010માં 20-24 વર્ષની વય ધરાવતી 6.7 કરોડ મહિલાઓ જ્યારે છોકરીઓ હતી, ત્યારે પરણી ગઈ હતી. તેમાંથી અડધોઅડધ મહિલાઓ એશિયાની અને 20 ટકા આફ્રિકાની હતી.

• આગામી દાયકામાં દર વર્ષે 18 વર્ષથી નાની હોય તેવી 1.42 કરોડ છોકરીઓ લગ્ન કરશે; એટલે કે દરરોજ 39,000 છોકરીઓ લગ્ન કરશે. જો હાલનો ટ્રેન્ડ આમને આમ ચાલુ રહ્યો તો આ આંકડો વર્ષ 2021થી 2030માં વધીને દર વર્ષે સરેરાશ 1.52 કરોડનો થશે. 15 વર્ષથી ઓછી વયની છોકરીઓમાં બાળ લગ્નોનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં આ દાયકામાં હજુ પણ 15 વર્ષની વય વટાવે તે પહેલાં પરણાવી દેવાનું જોખમ 1.55 કરોડ છોકરીઓ ઉપર ઝળુંબે છે.

શિક્ષણનો અભાવ

સમગ્ર વિશ્વમાં 13.2 કરોડ છોકરીઓએ શાળાકીય અભ્યાસ અધૂરો છોડ્યો છે, જેમાંથી 3.43 કરોડ છોકરીઓ પ્રાયમરી શાળાની વય ધરાવે છે, 3 કરોડ નીચલી માધ્યમિક શાળાની વય તેમજ 6.74 કરોડ ઉચ્ચ માધ્યમિક શાળાની વય ધરાવે છે. યુદ્ધની અસર પામેલા દેશોમાં રહેતી છોકરીઓને શાળાએથી ઉઠાવી લેવાનું પ્રમાણ બિનઅસરગ્રસ્ત દેશોની સરખામણીએ બમણું જોવા મળે છે.

દુરુપયોગ કે સતામણી

વ્યાપક પ્રતિનિધિરૂપ ડેટા દર્શાવે છે કે 30 દેશોમાં 15થી 49 વર્ષની વય ધરાવતી ઓછામાં ઓછી 20 કરોડ મહિલાઓ અને છોકરીઓ માદા જનનાંગની વિકૃતિમાંથી પસાર થઈ છે. વિશ્વભરમાં આશરે 1.5 કરોડ કિશોરીઓ (15થી 19 વર્ષની વયની) જીવનમાં ક્યારેકને ક્યારેક બળજબરીથી જાતિય સંબંધનો (બળાત્કાર અથવા અન્ય જાતિય કૃત્યો) શિકાર બની છે. યુરોપિયન યુનિયનમાં 10માંથી એક સ્ત્રી 15 વર્ષની વયથી સાયબર - સતામણીનો ભોગ બને છે, જેમાં અનિચ્છિત, અપમાનજનક લૈંગિક ખુલ્લા ઈ-મેઇલ્સ કે એસએમએસ સંદેશા અથવા સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઉપર અપમાનજનક, અયોગ્ય માગણીઓ વગેરે સામેલ છે.

ભારત બાળલગ્ન

• નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ)ના ડેટા દર્શાવે છે કે વર્ષ 1970થી વર્ષ 2015-16 (એનએફએચએસ-4) સુધીમાં બાળલગ્નોનું પ્રમાણ 58 ટકાથી ઘટીને 21 ટકા થયું છે. મહિલાઓની લગ્નની સરેરાશ વય પણ વધી છે. વર્ષ 2005-06માં મહિલાઓના પ્રથમ લગ્નની સરેરાશ વય 17 વર્ષ હતી, જે 2015-16માં વધીને 19 વર્ષ થઈ છે.

• લગભગ 45% મહિલાઓનાં શિક્ષણ મેળવ્યા વિના અને 40% મહિલાઓનાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા વિના 18 વર્ષની વય પહેલાં જ લગ્ન થઈ જાય છે.

• આર્થિક દરજ્જાની દ્રષ્ટિએ ગરીબ પરિવારોની મહિલાઓ વહેલા લગ્ન કરી લે છે. સંપત્તિની દ્રષ્ટિએ સૌથી નીચલા બે દરજ્જાની 30%થી વધુ મહિલાઓના 18 વર્ષની વય સુધીમાં લગ્ન થઈ ગયાં હોય છે, જ્યારે સૌથી ધનવાન વર્ગમાં આ આંકડો 8% છે.

શિક્ષણનો અભાવ

• 15-16 વર્ષની આશરે 40% કિશોરીઓ શાળાએ જતી નથી, જ્યારે સૌથી ગરીબ પરિવારોની 30% છોકરીઓએ ક્યારેય વર્ગખંડમાં પગ મૂક્યો નથી.

• વર્ષ 2018માં 15-16 વર્ષની વયની 13.5 ટકા છોકરીઓએ શાળા છોડી હતી, જે સંખ્યા 2008માં 20 ટકા હતી, એમ જાન્યુઆરી, 2019માં પ્રકાશિત થયેલો 2018 એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (એએસઈઆર) જણાવે છે.

દુરુપયોગ - સતામણી

વર્ષ 2018માં 21,605 બાળકોનાં બળાત્કારના કેસ નોંધાયા હતા, જેમાં 21,401 છોકરીઓ અને 204 છોકરાઓ સામેલ હતા, એમ એનસીઆરબી 2019ના ડેટા દર્શાવે છે.

આપણે જ્યારે છોકરીઓના માધ્યમિક શિક્ષણમાં રોકાણ કરીએ છીએ ત્યારે

• છોકરીઓની જીવનભરની આવકમાં નાટ્યાત્મક વધારો થાય છે

• રાષ્ટ્રીય વિકાસ દર વધે છે

• બાળલગ્નનો દર ઘટે છે

• બાળમરણનો દર ઘટે છે

• માતૃત્ત્વ દરમ્યાન મૃત્યુનો દર ઘટે છે

• દુર્બળ બાળકોની સંખ્યા ઘટે છે

બાળકીઓ માટે ભારત સરકાર દ્વારા યોજનાઓ

• બેટી બચાઓ બેટી પઢાઓ

• સુકન્યા સમૃદ્ધિ યોજના

• બાલિકા સમૃદ્ધિ યોજના

• સીબીએસઈ ઉડાન સ્કીમ

ABOUT THE AUTHOR

...view details