ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભૂકંપથી વિરુદ્ધ કોરોનામાં આંતરમાળખાં સુરક્ષિત છે, તેથી કૉવિડ પછી ઝડપથી બેઠા થઈશું: ડી. સુબ્બારાવ - swift recovery post Covid

એક વિશેષ સાક્ષાત્કારમાં, આર. બી. આઈ.ના ભૂતપૂર્વ ગવર્નર દુવ્વુરી સુબ્બારાવે કહ્યું છે કે વર્તમાન કૉવિડ-19 કટોકટી અર્થતંત્ર માટે બાહ્ય છે અને તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે અર્થતંત્ર ઝડપથી બેઠું થઈ જશે કારણકે ભૌતિક આંતરમાળખાને વાવાઝોડાં અને ભૂકંપોમાં જે નુકસાન પહોંચે છે તેવું નુકસાન નથી પહોંચ્યું.

a
ભૂકંપથી વિરુદ્ધ કોરોનામાં આંતરમાળખાં સુરક્ષિત છે, તેથી કૉવિડ પછી ઝડપથી બેઠા થઈશું: ડી. સુબ્બારાવ

By

Published : Apr 27, 2020, 12:02 PM IST

હૈદરાબાદ: વૈશ્વિક અર્થતંત્ર ધ્રૂજી ઊઠ્યું છે. વિશ્વભરના નીતિઘડવૈયાઓ એવો અંદાજ કાઢવા મથી રહ્યા છે કે કૉવિડ-19 મહામારીની કેટલી ઊંડી અસર ઉત્પાદન પ્રવૃત્તિઓ અને દેશના અર્થ પર પડશે.

આ પૃષ્ઠભૂમિમાં આર. બી. આઈ.ના ભૂતપૂર્વ ગવર્નર દુવ્વુરી સુબ્બારાવે ઈનાડુના વિશેષ સંવાદદાતા એમ. એલ. નરસિંહા રેડ્ડી સાથે કૉવિડ-19ની ભારતીય અર્થતંત્ર પર અસર, કૉવિડ-19 પછીના પરિદૃશ્યમાં સરકાર સામેના પડકારો, સ્થળાંતરિત શ્રમિકો સંબંધિત મુદ્દાઓ, નવાં નાણાંની ક્ષમતા વગેરે અંગે વાત કરી હતી.

એ નોંધવું ખૂબ જ જરૂરી છે કે સુબ્બારાવે વર્ષ 2008માં આર. બી. આઈ. ના ગવર્નર તરીકે એવા સમયે કાર્યભાર સંભાળ્યો હતો જ્યારે વૈશ્વિક આર્થિક કટોકટી તેના પૂર્ણ સ્વરૂપે આકાર લઈ રહી હતી. તેમના કાર્યકાળમાં ભારતીય આર્થિક પ્રણાલિની સુરક્ષા કરવા માટે જરૂરી સંરક્ષણ વ્યવસ્થાઓ કાર્યાન્વિત કરવા માટે તેમને યશ અપાય છે.

સંપાદિત વાતચીત

વૈશ્વિક અર્થતંત્ર પર કૉવિડ-19ની સામાન્ય રીતે અને ખાસ કરીને ભારતીય અર્થતંત્ર પર કેવી અસર પડી છે?

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)એ ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ રોગચાળાએ વિશ્વના અર્થતંત્ર સામે ગંભીર પડકાર ઊભો કર્યો છે. વર્તમાન કટોકટી વર્ષ 2008ની આર્થિક મંદી કરતાં પણ ખરાબ હોઈ શકે છે.

કૉવિડ-19 કટોકટી અર્થતંત્ર સામે બાહ્ય પડકાર છે. ભૂતકાળમાં માગણી તેમજ પૂરવઠાને વધારવા માટે પગલાંઓ લેવાયાં હતાં. વ્યાજ દર ઘટાડવા અને પ્રવાહિતા વધારવા માટે વર્તમાન પગલાંઓ લેવાયાં છે તેમ છતાં આર્થિક પ્રવૃત્તિ ઘર-વાસના કારણે ઉપડી રહી નથી.

કૉવિડ-19 પહેલાં પણ ભારતીય અર્થતંત્ર ફિક્કું પડ્યું હતું. વર્ષ 2019-20ના ત્રીજા ત્રિમાસમાં જીડીપી વૃદ્ધિ દર પાંચ ટકા કરતાં નીચે હતો. ચોથા ત્રિમાસમાં વૃદ્ધિ દર આનાથી પણ ખરાબ હોવાની સંભાવના છે. અહીંથી કેટલી ખરાબ સ્થિતિ થશે?

આઈએમએફે વર્ષ 2019-20 માટે 4.2 ટકાનો વૃદ્ધિ દર અંદાજ્યો હતો. વર્ષ 2020-21 માટે આગાહી 109 ટકાની છે.

વિકસિત રાષ્ટ્રો માટે નકારાત્મક વૃદ્ધિ દરનો અંદાજ છે, તેની સરખામણીએ ભારત માટે 1.9 ટકાનો વૃદ્ધિ દર ખરાબ નથી.

જોકે આ બાબત વધાવવા જેવી નથી. ભારતમાં ખૂબ જ ગરીબી છે. આથી અસર ખૂબ જ મોટી પડશે.

નિષ્ક્રિય અસ્ક્યામતો (એનપીએ) અને દેવાંઓ આપણા અર્થતંત્રને દબાવી રહ્યાં છે. આપણે ગંભીર કટોકટીમાં એવા સ્થાને છે જ્યાં આપણે વધુ દેવું લઈ ન શકીએ.

આપણે એ યાદ રાખવું પડશે કે કૉવિડ-19એ ભૌતિક આંતરમાળખાનો વિનાશ નથી કર્યો. ભૂકંપો કે પૂરોની સ્થિતિમાં, આપણને ગુમાવેલી સંપત્તિ પુનઃ નિર્માણ કરવા ઘણાં નાણાંની જરૂર પડત. કોરોનાની સ્થિતિ અલગ છે. આથી એક વાર રોગ ઘટવાનું શરૂ કરે તો પછી વહેલા બેઠા થવાની તક છે.

અનેક દેશો નાણાં પેકેજની જાહેરાત કરી રહ્યા છે. ભારત પણ આ માર્ગને અનુસરી રહ્યું છે. પ્રેરક પેકેજ અર્થતંત્રને કઈ હદ સુધી મદદ કરી શકશે?

ભારતના કામદારો પૈકી 83 ટકા અસંગઠિત ક્ષેત્રના છે. વર્તમાન ઘર-વાસથી તેમની આજીવિકા જોખમમાં મૂકાઈ છે. તેમને સહાય કરવાની જવાબદારી સરકારની છે.

ગયા મહિને, કેન્દ્રીય નાણા પ્રધાને જીડીપીના 0.8 ટકા રકમનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. જોકે આ રકમ અન્ય દેશોએ જે જાહેર કરી છે તેની સરખામણીમાં નાની છે અને ભારતમાં જે તીવ્રતા છે તે જોતાં પૂરતી નથી.

આપણે એ સમજવું જોઈએ કે સરકાર પાસે પૂરતું ભંડોળ નથી. નાણાં ખાધ ખૂબ જ ઊંચી છે. ચાલી રહેલા ઘર-વાસના કારણે કર આવક પણ ઘણી ઘટી ગઈ છે.

કૉવિડ-19 પહેલાં, કેન્દ્ર અને રાજ્ય સરકારોની સંયુક્ત નાણાં ખાધ જીડીપીના 6.5 ટકા હતી જે હવે 10 ટકા કરતાં પણ વધી શકે છે.

પ્રેરક પેકેજ માટે વધુ નાણાં ઉછીનાં લેવાથી અધિક બોજો પડી શકે છે.

જો કેન્દ્ર કોરોના રાહત કાર્યક્રમો માટે જીડીપના બેથી અઢી ટકા ખર્ચ કરવાનો નિર્ણય લે છે તો તેણે તે મુજબ દેવું લેવું પડે; આમ કરવાથી પણ સમસ્યાઓ ઊભી થશે.

વધેલાં દેવાંઓના કારણે, મૂલ્યાંકન કરતી સંસ્થાઓ આપણા ક્રેડિટ મૂલ્યાંકનને ઘટાડી શકે છે.

વિદેશી મૂડીરોકાણકારો તેમનું મૂડીરોકાણ પાછું લઈ શકે છે. પછી વિદેશી હુંડિયામણનો પ્રશ્ન ઊભો થશે. મોંઘવારી પણ વધશે.

કેન્દ્રએ પૂર્ણ અને છિદ્રરહિત યોજના સાથે આગળ આવવું જોઈએ, તેણે ખાતરી આપવી જોઈએ કે કટોકટીમાંથી બહાર આવવા લેવાયેલાં દેવાં આવતાં બે-ત્રણ વર્ષમાં ચૂકવી દેવાશે. આમ કરવાથી બજારોનો વિશ્વાસ જીતી શકાશે.

ઘર-વાસ સમાપ્ત થયા પછીની સ્થિતિમાં નીતિની પ્રાથમિકતાઓ કઈ હોવી જોઈએ?

જો આર. બી. આઈ. ઋણ સ્થગન લાદે છે, પ્રવાહિતા વધારે છે અથવા વ્યાજ દર ઘટાડે છે, તો તે પણ પૂરતું નથી.

તેણે રિયલ એસ્ટેટ (નિવાસી) અને અન્ય ઉદ્યોગોને મદદનો હાથ લંબાવવો જોઈએ. સરકારે મોટી કંપનીઓને બાકી લેણું ચૂકવવું જોઈએ. આ કંપનીઓ વળતામાં મધ્યમ અને લઘુ ઉદ્યોગોને સમયસર ચૂકવણું કરી શકશે. તેનાથી રોકડનો પ્રવાહ વહેશે. પરંતુ આ પ્રક્રિયામાં ધિરાણ લેવું જરૂરી બને છે.

આર.બી.આઈ. વ્યાજદર ઘટાડી રહી છે, પરંતુ બૅન્ક ઊંચી નિષ્ક્રિય અસ્ક્યામતોના લીધે ધિરાણ આપવાથી દૂર રહેશે. સરકારે આવા કેસમાં બાંયધરીઓ આપવી જોઈએ.

અમેરિકાએ વર્ષ ૨૦૦૮ની આર્થિક કટોકટી દરમિયાન અસરગ્રસ્ત કંપનીઓને કર રાહતો અને અનુદાનોનું બનેલું પ્રેરક પેકેજ આપ્યું હતું. કેન્દ્ર સરકારે આવાં પગલાં જાહેર કરવાં જોઈએ.

નવાં નાણાં બજારમાં તરતાં મૂકવા (ક્વૉન્ટિટેટિવ ઇઝિંગ) અને નવાં નાણાં વ્યક્તિઓનાં હાથમાં મૂકવા (હેલિકૉપ્ટર મની) જેવી નીતિઓનું પણ સૂચન કરાઈ રહ્યું છે. તમે આના પર શું કહેશો?

ભારતમાં સ્થિતિ એટલી પણ ખરાબ નથી. અમેરિકા અને યુરોપે વર્ષ ૨૦૦૮-૦૯ની વૈશ્વિક આર્થિક કટોકટી દરમિયાન નવાં નાણાં બજારમાં તરતાં મૂકવાની રણનીતિને અનુસરી હતી.

તમામ દેશોમાં મધ્યસ્થ બૅન્કો રોકડની પ્રાપ્યતાનું નિરીક્ષણ નિયમિત રીતે કરે છે. બૅન્કો અને મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ સરકારી બૉન્ડ ધરાવે છે. મધ્યસ્થ બૅન્કો પ્રણાલિમાં રોકડની પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા આ બૅન્ડ ખરીદે છે. આ સામાન્ય પરંપરા છે.

વર્ષ 2008-09ની કટોકટીમાં, રોકડ પ્રાપ્યતા બૉન્ડ ખરીદવા છતાં પણ ઓછી હતી. એક અસાધારણ પગલામાં, બૅન્કોએ કૉર્પોરેટ બૉન્ડ અને અન્ય પ્રતિભૂતિ (સિક્યૉરિટી) ખરીદવાં પડ્યાં હતાં જેથી બજારમાં રોકડની પ્રાપ્યતા વધારી શકાય.

ભારતમાં, આર. બી. આઈ.ને સરકારી બૉન્ડ સિવા કોઈ બૉન્ડ ખરીદવા સત્તા નથી. જો જરૂરી હોય તો કાયદાઓ સુધારી શકાય છે. પરંતુ આપણે હજુ એ તબક્કે પહોંચ્યા નથી.

વ્યક્તિઓના હાથમાં નવાં નાણાં મોકલવા (હેલિકૉપ્ટર મની) હેઠળ મધ્યસ્થ બૅન્કોએ નવી નૉટો છાપવી પડશે અને સરકારને તે સુપ્રત કરવી પડશે. યાદ રાખો, તે સરકારને ધીરાણ નથી.

સરકાર આ નાણાં વિવિધ યોજનાઓ દ્વારા લોકોમાં વહેંચશે જેનાથી વળતામાં, લોકોમાં ખર્ચનું પ્રમાણ વધશે. આનાથી માલ અને સેવાની માગ વધશે.

નવાં નાણાં બજારમાં તરતાં મૂકવા (ક્વૉન્ટિટેટિવ ઇઝિંગ) (ક્યૂઇ) અને નાણાં લોકોના હાથમાં મૂકવા (હેલિકૉપ્ટર મની) વચ્ચે સ્પષ્ટ તફાવત છે.

ક્યૂઇના કિસ્સામાં, આપણે પ્રણાલિમાં વધી ગયેલી રોકડ પ્રાપ્યતા ઘડાટી શકીએ છીએ જે હેલિકૉપ્ટર મનીમાં સંભવ નથી.

વર્ષ ૨૦૦૨માં બેન બર્નાન્કે (અમેરિકી ફેડરલ રિઝર્વના પૂર્વ અધ્યક્ષ)એ જાપાનને હેલિકૉપ્ટર મની યોજનાનો અમલ કરવા સૂચવ્યું હતું. જોકે, જાપાને આ માર્ગ અનુસર્યો નહોતો.

વર્ષ ૨૦૦૮ની આર્થિક કટોકટીમાં અમેરિકાએ પણ હેલિકૉપ્ટર મનીનો ઉપાય અજમાવ્યો નહોતો.

આથી ભારત પણ આ નીતિને અનુસરે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. એક વાર અર્થતંત્ર હેલિકૉપ્ટર મની તરફ વળે છે ત્યારે મોંઘવારી કાબૂ બહાર જતી રહે છે.

આપણે સ્થળાંતરિત કામદારોની સમસ્યા કઈ રીતે ઉકેલી શકીએ?

સ્થળાંતરિત કામદારો ભારતીય અર્થતંત્રનો જરૂરી હિસ્સો છે. અસંગઠિત ક્ષેત્રના મુદ્દાઓ હાલના તબક્કે ઉકેલી શકાય તેમ નથી.

એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થળાંતર થશે. પરંતુ સરકારે જરૂરી પગલાંઓ લેવાં જોઈએ. સ્થળાંતરિત કામદારોને યોગ્ય નિવાસ અને આરોગ્ય સુવિધાઓ આપવી જોઈએ.

વર્તમાન કટોકટીને વર્ષ 2008-09ની આર્થિક કોકટી સાથે સરખાવવી ન્યાયી છે? તમારા મતે કઈ કટોકટી વધુ મોટી છે?

વર્ષ 2008ની વૈશ્વિક મંદી આર્થિક સેવા ક્ષેત્રમાં શરૂ થઈ હતી. વિકસિત દેશોમાં બૅન્કો અને ધીરધાર સંસ્થાઓએ વિવિધ ડેરિવેટિવ ઉત્પાદનો સર્જ્યા હતા જેના કારણે આ ક્ષેત્ર પડી ભાંગ્યું.

પરિણામે, લોકોએ તેમની સંપત્તિ અને બચત ગુમાવી દીધી જેના કારણે માગમાં ઘટાડો સર્જાયો. આ કટોકટી વાસ્તવિક અર્થતંત્રમાં પણ ફેલાઈ. વર્તમાન કોરોના કટોકટી વર્ષ 2008-09ની મંદીથી તદ્દન વિરોધી છે.

વર્તમાન કટોકટી મહામારીના કારણે સર્જાઈ છે જે પહેલાં તો વાસ્તવિક અર્થતંત્ર પર અસર કરે છે અને પછી તે ધીરધારના ક્ષેત્રમાં ફેલાય છે.

પૂરવઠા શ્રૃંખલાઓ વિખેરાઈ ગઈ છે અને માગ ઘટી ગઈ છે. બંને કટોકટીનાં બે મૂળ કારણ અલગ-અલગ છે, તેથી ઉકેલો પણ અલગ હોવા જોઈએ.

તે વખતે ધીરધારના ક્ષેત્રને સહાયની જરૂર નથી. ધીરધારની સંસ્થાઓની રક્ષા કરવી જરૂરી હતી. આર્થિક પુનઃજીવન માટે વાસ્તવિક અર્થતંત્રને પુનઃજીવિત કરવાની જરૂર હતી. પરંતુ અત્યારે આપણે વાસ્તવિક અર્થતંત્રને ઉત્તેજન આપવા કોરોના મહામારીને અટકાવવી જરૂરી છે.

બીજો તફાવત એ છે કે જ્યારે વર્ષ 2008-09ની આર્થિક કટોકટી અમેરિકામાં ધીરાણ માટે ખરાબ મૂલ્યાંકન ધરાવતા લોકોને ધીરાણ (સબપ્રાઇમ મૉર્ગેજ) આપવાના ક્ષેત્રમાં શરૂ થઈ હતી અને તેની અસર વિશ્વને થઈ હતી. જ્યારે નવો કોરોના વાઇરસ પહેલાં ચીનના વુહાનમાં દેખાયો અને તે પછી તે સમગ્ર વિશ્વમાં ફેલાયો.

ABOUT THE AUTHOR

...view details