2030 સુધીમાં વિશ્વમાં સર્વ સમાવેશક પ્રગતિ થાય તેવું લક્ષ્ય છે, પણ તેની સામે અવરોધ ઊભો કરી રહેલી અસમાનતા પર હ્મુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (માનવ વિકાસ સૂચકાંક) સંસ્થા ધ્યાન આપી રહી છે.
હ્મુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના ડિરેક્ટરે ગયા માર્ચમાં જ સ્પષ્ટતા કરી હતી કે સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિવર્તનને કારણે દુનિયાભરમાં અસમાનતા ઊભી થઈ રહી છે. આ અસમાનતાને સમજી લેવામાં આવે તો જ તેની સામે અસરકારક નીતિઓ ઘડી શકાય તેમ છે.
શિક્ષણ, આરોગ્ય, આઈટી અને આર્થિક બાબતોને સમજી લઈને આર્થિક અને પર્યાવરણીય અસમાનતા કેવી રીતે નાથી શકાય તેનો અભ્યાસ કરીને માનવ વિકાસની સ્થિતિને નવી દૃષ્ટિથી જોવાની જાહેરાત પણ ડિરેક્ટરે કરી હતી.
તે સંદર્ભમાં હાલમાં જ પ્રગટ થયેલા તાજા અહેવાલમાં એ પરિબળો સ્પષ્ટ બન્યા છે, જેના કારણે ભારત દાયકાઓથી મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા રાષ્ટ્ર તરીકે પાછું પડતું આવ્યું છે.
આગલા વર્ષ કરતાં સ્થિતિમાં સુધારા સાથે માનવ વિકાસ સૂચકાંકમાં 189 દેશોમાં ભારત 129મા સ્થાને આવ્યો છે. આયુષ્ય, શિક્ષણ અને માથાદીઠ આવકની બાબતમાં નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ અને આયર્લેન્ડ પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાને આવ્યા છે.
ભારતના પડોશી દેશોમાંથી શ્રીલંકા (71) અને ચીન (85) સ્થિતિમાં સુધારો કરી શક્યા છે, જ્યારે ભૂતાન (134), બાંગ્લાદેશ (135), નેપાળ (147) અને પાકિસ્તાન (152) જેવા દેશોમાં સ્થિતિ બગડી છે.
દક્ષિણ એશિયા 1990થી 2018 સુધીમાં 46 ટકા પ્રગતિ કરી શક્યું છે, તેમાં ભારત સૌથી આગળ રહ્યું છે, પણ અસમાનતા અને નબળી કામગીરીને કારણે વિકાસના ધાર્યા પરિણામો મળ્યા નથી. આ બાબતને કેન્દ્ર અને રાજ્યની સરકારો અવગણી શકે નહિ.
આજે તાકિદની જરૂર છે સામાજિક ન્યાયની અને અસમાનતાની નાબુદીની. ગરીબી અને બેરોજગારી સામે લડત આપીને લોકોની આર્થિક સ્થિતિ સુધારવી એ જ લક્ષ્ય હોવું જોઈએ. પ્રથમ પંચવર્ષીય યોજના તૈયાર કરતી વખતે વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આ માટે જ દિશાનિર્દેશ આપ્યો હતો.
આ દાયકાઓ દરમિયાન ભારતે 12 પંચવર્ષીય યોજનાઓ અને 14 ફાઇનાન્સ કમિશન્સ જોયા, પણ નીતિ નિર્ધારણ અને તેના માટે ફંડની ફાળવણીને કારણે અસામનતા ઊભી થઈ છે તે દેશની પ્રગતિને રોકી રહી છે.
2005 પછી ભારતમાં માથાદીઠ આવક વધી છે, જીડીપી બેવડાયો છે અને ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની રહી છે. તેમ છતાં વિશ્વમાં 130 કરોડ ગરીબોમાંથી હજીય 28 ટકા ભારતમાં છે.
2000થી 2018 દરમિયાન દેશની આવક વૃદ્ધિની જે સરેરાશ હતી, તેની સરખામણીએ 40 ટકા ગરીબોની આવક ઓછી વધી હતી.