ન્યૂઝ ડેસ્કઃ પ્રાદેશીક જમીનો અને નકશાને લઈને ભારતના નેપાળ સાથે ચાલી રહેલા વિવાદને પરીણામે નેપાળ અને ભારતના ઉત્તરાખંડ રાજ્ય વચ્ચેથી વહેતી મહાકાળી નદી પર તૈયાર થઈ રહેલા 5600 મેગાવોટના ડેમના બાંધકામમાં અવરોધો આવી રહ્યા છે. આ નદી બે દેશ વચ્ચેની સરહદ પણ છે. આ મેગા ડેમ ફેબ્રુઆરી 1996 સહી થયેલા એમઓયુ હેઠળ બંન્ને દેશો દ્વારા સંયુક્ત રીતે બનાવવાનું આયોજન હતુ. 2014માં સત્તા સંભાળ્યા બાદ કાઠમંડુની મુલાકાત દરમીયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ડેમના બાંધકામને ઝડપી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેના જ પરીણામસ્વરૂપ બંન્ને દેશો વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ માટે 35 હજાર કરોડના ખર્ચનો અંદાજ કરવામાં આવ્યો હતો અને વર્ષ 2026 સુધીમાં તેને પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
પરંતુ હાલની નેપાળની સરકારના ભારત માટેના વલણને જોતા હવે આ પ્રોજેક્ટ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલી કે જેઓ નેપાળની માયોઇસ્ટ કોમ્યુનીસ્ટ પાર્ટીના નેતા છે તેઓએ ચીનના પ્રભાવ હેઠળ ભારત વિરૂદ્ધનું વલણ અપનાવ્યુ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જીન પીંગ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં નેપાળની મુલાકાતે પહોંચ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિએ નેપાળને લોજીસ્ટીક અને આર્થિક સહાય આપવા માટે અનેક સંધિઓ પર સહી પણ કરી હતી.
પંચેશ્વર ડેમ તરીકે પ્રખ્યાત આ ડેમ વિશ્વનો સૌથી ઉંચો ડેમ હોવાનું માનવામાં આવે છે. મહાકાળી નદી કાલાપાનીથી 11800 ફૂટથી વહે છે અને 660 ફૂટે તેરાઇના મેદાનોમાં પહોંચે છે જ્યાં તે હાયડ્રો પાવરની ક્ષમતા ધરાવે છે. 315 મીટરની ઉંચાઈ સાથે આ ડેમ 5600 મેગાવોટની પાવર જનરેટીંગ કેપેસીટી સાથે વિશ્વનો બીજો સૌથી મોટો ડેમ બનશે. ભારત અને ચીન બંન્ને દેશના અધિકારીઓ વર્ષ 1956થી આ ડેમ બનાવવાની સંભાવના પર વિચાર કરી રહ્યા છે જ્યારે તત્કાલીન કેન્દ્રીય જળ આયોગે આ નદીની વીજ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરવામાં અને બંન્ને દેશોને સીંચાઈ પુરી પાડવામાં રસ દાખવ્યો હતો.