નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદને કારણે દેશમાં ચીની ચીજોનો બહિષ્કાર શરૂ થઇ ગયો છે. દિલ્હી સરકારે પણ ઇલેક્ટ્રિક બસ ખરીદવાના સોદામાંથી ચીનને બાકાત રાખવાનો નિર્ણય કર્યો છે. ચીન સાથે તણાવને લઇ દિલ્હી સરકાર ઇલેક્ટ્રિક બસોના કોઇ પણ પાર્ટ ચીન આગળથી ખરીદશે નહીં. ઇલેક્ટ્રિક બસના પાર્ટ ચીનથી જ આવવાના હતા અને તેને એસેમ્બલ કરવાના હતા. પરંતુ હવે આ બસોને લઇ તેના પાર્ટ યૂરોપીય દેશોમાંથી શોધવામાં આવશે.
દિલ્હી સરકારના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોત યૂરોપીય દેશોની મુલાકાત કરી હતી અને હવે ઇલેક્ટ્રિક બસો માટે બેલ્જિયમ, ફ્રાન્સ અને સ્વીડનની ઇલેક્ટ્રિક બસ વિશેની જાણકારી મેળવવાની સાથે જ સરકાર હવે તે તરફ વળશે. દિલ્હી સરકારનું માનવું છે કે, યોજનામાં વિલંબ થશે પરંતુ તેમછતાં ચીનનો સામાન લેવાનું હવે સ્વીકાર્ય નથી.