ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અવળા રસ્તે ચઢી ગયેલું ભારતનું યુવાધન - Opioids in North America

કોવિડનો ફેલાવો વધી રહ્યો છે, તેની સાથે-સાથે નશીલા દ્રવ્યોના વ્યસનમાં પણ વધારો થઇ રહ્યો છે. અભ્યાસો દર્શાવે છે કે, લોકડાઉન અને તેના પરિણામે સર્જાયેલી સામાજિક-આર્થિક અસરો એવા લોકો માટે મુશ્કેલીઓ સર્જી રહી છે, જેમની કુટેવો અગાઉથી જ સમસ્યારૂપ હતી. વર્લ્ડ ડ્રગ રિપોર્ટ, 2019માં જાણવા મળ્યું હતું કે, નશીલા દ્રવ્યોનું સેવન કરનારા લોકોની સંખ્યામાં 2009ની તુલનામાં 30 ટકાનો વધારો નોંધાયો છે.

indias-youth-on-a-bad-trip
અવળા રસ્તે ચઢી ગયેલું ભારતનું યુવાધન

By

Published : Jul 4, 2020, 4:06 AM IST

અવળા રસ્તે ચઢી ગયેલું ભારતનું યુવાધન

કોવિડનો ફેલાવો વધી રહ્યો છે, તેની સાથે-સાથે નશીલા દ્રવ્યોના વ્યસનમાં પણ વધારો થઇ રહ્યો છે. અભ્યાસો દર્શાવે છે કે, લોકડાઉન અને તેના પરિણામે સર્જાયેલી સામાજિક-આર્થિક અસરો એવા લોકો માટે મુશ્કેલીઓ સર્જી રહી છે, જેમની કુટેવો અગાઉથી જ સમસ્યારૂપ હતી. વર્લ્ડ ડ્રગ રિપોર્ટ, 2019માં જાણવા મળ્યું હતું કે, નશીલા દ્રવ્યોનું સેવન કરનારા લોકોની સંખ્યામાં 2009ની તુલનામાં 30 ટકાનો વધારો નોંધાયો છે. આ ડેટામાં આફ્રિકા, એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકામાં ઓપીઓઇડના વ્યસનનું ઊંચું પ્રમાણ હોવાનું જાણવા મળ્યું હતું.

અહેવાલ પ્રમાણે, નશીલા દ્રવ્યોના સેવનમાં 2009 પછી 30 ટકાનો વધારો નોંધાયો હતો અને વિશ્વભરમાં 3.5 કરોડ લોકો ડ્રગ્ઝ ડિસઓર્ડરથી પીડાય છે. 2004ની તુલનામાં ભારતમાં હેરોઇન અને અફીણના સેવનમાં પાંચગણો વધારો નોંધાયો છે. યુએને આ ચોંકાવનારા આંકડા બહાર પાડ્યા, તે પહેલાં જ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે નશીલા દ્રવ્યો સંબંધિત રાષ્ટ્રવ્યાપી સરવે હાથ ધર્યો હતો, જેમાં માલૂમ પડ્યું હતું કે, 15 ટકા ભારતીયો શરાબનું વ્યસન ધરાવતા હતા અને 8 ટકા ભારતીયો વ્યસનની ગંભીર પ્રકારની સમસ્યા ધરાવતા હતા. અહેવાલમાં જણાવ્યા મુજબ પાંચ કરોડ કરતાં વધુ ભારતીયો નશીલા દ્રવ્યોના સેવન સંબંધિત ડિસઓર્ડર ધરાવતા હતા, પરંતુ તે પૈકીના પાંચ ટકા લોકોએ પણ મેડિકલ કેર પ્રાપ્ત કરી ન હતી. થોડા દિવસો અગાઉ, જમ્મુ અને કાશ્મીર પોલીસે નશીલા દ્રવ્યોનો રૂ. 65 કરોડનો જથ્થો જપ્ત કર્યો હતો. ડિસેમ્બર, 2019માં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ રૂ. 1300 કરોડની કિંમતના આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પરંતુ, નિષ્ણાતોનો દાવો છે કે, આ રેકેટ તો સમુદ્રના માત્ર એક બિંદુ સમાન છે.

વિકાસશીલ દેશોમાં નશીલા દ્રવ્યોની હેરફેરનું પ્રમાણ નિરંતર વધી રહ્યું છે. વિશ્વભરમાં ગાંજાના સેવનમાં ભયજનક હદે વધારો થઇ રહ્યો છે, ત્યારે નશીલા પદાર્થોના ઓવરડોઝના કારણે નીપજતાં મોત માટે હેરોઇન જેવાં માદક દ્રવ્યો 71 ટકા જવાબદાર હોય છે. પંજાબમાં માત્ર 18 વર્ષના સમયગાળામાં નશીલા પદાર્થોના બંધાણીઓની ટકાવારી બે ટકાથી વધીને 40 ટકા થઇ ગઇ છે. શરૂઆતમાં આ સેવન ગાંજા પૂરતું મર્યાદિત હતું, તેમ છતાં યુવાનો ત્યાર પછી ઝડપથી ઓપીઓઇડ્ઝ તરફ વળ્યા. મહિલાઓ તથા બાળકો પણ સમાન ધોરણે બન્યાં, જેના કારણે નશીલા દ્રવ્યોની સપ્લાયનું વિષ-ચક્ર સર્જાયું.

અહેવાલોને ધ્યાનમાં લઇએ તો, વિશાખાપટનમ ડ્રગ હોટસ્પોટ બની ચૂક્યું છે અને ત્યાં ગાંજાનો વાર્ષિક રૂ. 7,200 કરોડનો વ્યવસાય ફૂલ્યોફાલ્યો છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સર્વે પ્રમાણે, આશરે 72 લાખ ભારતીયોને તેમના ગાંજાના સેવનની કુટેવથી છૂટવા માટે મદદની જરૂર છે. ઇન્જેક્શન વડે માદક દ્રવ્યને શરીરમાં દાખલ કરવાનું પ્રમાણ ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ઘણું વધારે છે. માત્ર યુનિવર્સિટી અને કોલેજોને જ નહીં, બલ્કે ડ્રગ માફિયા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. કેન્દ્રએ નશીલા દ્રવ્યોના સેવન અને નશીલા દ્રવ્યોની પ્રાપ્યતાના આધારે 272 જિલ્લાઓની જરૂરિયાતમંદ જિલ્લાઓ તરીકે ઓળખ કરી છે. ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્ર સરકારે ‘નશા મુક્ત ભારત’ કેમ્પેન માટે રૂ. 336 કરોડની ફાળવણી કરી હતી, પરંતુ કોવિડ-19ના કારણે આ કાર્યક્રમ પાછલી પાટલીએ ધકેલાઇ ગયો હતો. ડ્રગ માફિયા વિરૂદ્ધ ઉગ્ર પગલાં ભરવામાં આવે, તે અત્યંત જરૂરી છે. માતા-પિતા, શિક્ષકો અને સરકારોએ નશીલા દ્રવ્યોના દૂષણને નાથવા માટે સાથે મળીને કામ કરવું જોઇએ.

ABOUT THE AUTHOR

...view details