નવી દિલ્હીઃ તબલિગી જમાતને કારણે ભારતમાં કોરોના વાઇરસના કેસો વધી જવાને કારણે મુસ્લિમોને વખોડતી તથા ઇસ્લામની નિંદા કરતી કોમવાદી પોસ્ટ્સથી આરબ જગતનાં ભવાં સંકોચાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ધાર્મિકવડાઓથી માંડીને રાજવી પરિવારના કેટલાક સભ્યોએ ભારત સરકાર દ્વારા નફરત ફેલાવનારાં નિવેદનો (હેટ સ્પીચ) આપવામાં આવી રહ્યાં હોવાનું જણાવીને તેની સામે વાંધો ઊઠાવ્યો હતો. આખરે વાત એટલી વણસી ગઇ હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની - કોવિડ-19 ત્રાટકતાં પહેલાં કોઇ ધર્મ, વંશ, જ્ઞાતિ, સંપ્રદાય, ભાષા કે સરહદોના વાડા નથી જોતો – એ મુજબની ટ્વીટને ટાંકીને યુએઇના ભારતીય રાજદૂત પવન કપૂરે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવો પડ્યો હતો.
UAEમાં રહેતા ભારતીયોને ડરવાની જરૂર નથી: પ્રિન્સેસ કાસેમી હેટ સ્પીચ એક ગંભીર ગુનો, દોષિતો સામે કાર્યવાહી અનિવાર્યઃ યુએઇ પ્રિન્સેસ
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઇ)ના રાજવી પરિવારનાં સભ્ય તથા બોલકાં આલોચક એવાં પ્રિન્સેસ હેંદ અલ કાસેમીએ જણાવ્યું હતું કે, ભારતમાં નફરતનું વાતાવરણ વધુ ગરમાયું છે અને વડાપ્રધાન મોદીના અનુયાયીઓ તેમના સંદેશાને અનુસરે, તે જરૂરી છે. પ્રિન્સેસ કાસેમીએ જણાવ્યું હતું કે, તેમની પાસે ભગવદ્ ગીતાની એક નકલ છે, મહાત્મા ગાંધી પાસેથી તેમને પ્રેરણા મળી છે અને ભારત ખાતેની તેમની છેલ્લી મુલાકાત દરમિયાન તેમણે યોગ શિબિરમાં પણ ભાગ લીધો હતો.
વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, યુએઇમાં હેટ સ્પીચ (નફરત ફેલાવતું ભાષણ કે વક્તવ્ય) મોટો ગુનો ગણાય છે અને દોષિત ઠરનારે કાયદેસર કાર્યવાહીનો સામનો કરવો પડે છે. પરંતુ તેમણે ખાતરી આપી હતી કે, યુએઇમાં 33 લાખ સ્થળાંતરિત ભારતીયો સહિત ખાડીના દેશોમાં વસતા 90 લાખ ભારતીયો ખંતીલા તથા પ્રામાણિક છે, તેમને તરત વિઝા મળી જાય છે અને તેમણે કોઇ રાજકીય નકારાત્મક પ્રતિક્રિયા અંગે ચિંતા કરવાની જરૂર નથી.
તેમણે એવી દલીલ કરી હતી કે, જ્યારે કોરોના વાઇરસનું ઉદ્ભવસ્થાન વુહાનમાં હોવા છતાં ભારત કોરોના વાઇરસને ચાઇનિઝ વાઇરસ તરીકે નથી ઓળખાવતું, જ્યારે વિશ્વ આખું સદીઓથી જુદાં-જુદાં કારણોસર મહામારીઓ જોતું આવ્યું છે, અથવા તો જ્યારે લાખો અમેરિકનો સોશ્યલ ડિસ્ટન્સિંગનું કે સલામતીનાં પગલાંનું પાલન નથી કરી રહ્યાં, તો પછી હદિથનું અનુસરણ ન કરતા હોય તેવા માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોનાં કૃત્યો બદલ શા માટે સમગ્ર મુસ્લિમ સમુદાયને દોષિત ઠેરવવામાં આવે છે? દુબઇથી સ્મિતા શર્મા સાથે વાત કરતાં પ્રિન્સેસ કાસેમીએ જણાવ્યું હતું કે, ઇસ્લામોફોબિયા વર્તમાન સમયમાં અસ્તિત્વ ધરાવે છે અને આથી જ મુસ્લિમોને ઘૃણાની નજરે જોવા માં આવે છે, પછી તે ચીનનો ઉઇઘર સમુદાય હોય કે, મ્યાનમારનો રોહિંગ્યા સમુદાય હોય. તેમણે વિશ્વભરના મુસ્લિમોને રમઝાનના પવિત્ર માસ દરમિયાન ઘરે રહેવાની અને ઘરે રહીને નમાઝ પઢવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, તેઓ નાનાં હતાં, ત્યારથી તેમણે કરોડો ભારતીય મુસ્લિમોએ ભાગલા દરમિયાન જેને પોતાના વતન તરીકે પસંદ કર્યું, તે ભારતમાં અનેકતામાં એક્તા અને બિનસાંપ્રદાયિકતાનાં મૂલ્યો પિછાણ્યાં છે, તેને ભારત યથાવત્ રાખશે.