લાંબા સમયથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ચકડોળ જેવા રહ્યા છે- ૧૯૫૦ના દાયકામાં અમેરિકા ભારત વિરોધી હતું તે પછી વર્ષ ૨૦૦૫થી તે ભારત તરફી બન્યું અને ભારત હવે અમેરિકાનું અવિભાજ્ય ભાગીદાર બની ગયું છે. બંને બાજુના ટોચના નીતિઘડવૈયાઓ આ સંબંધોને માત્ર 'કુદરતી' જ માની રહ્યા છે કારણકે બંને દેશો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી છે. સમયે સમયે અમેરિકાના પ્રમુખોની મુલાકાતો દ્વારા આ સંબંધો મજબૂત થતા રહ્યા છે. ભારતનું સૉફ્ટવેર, સંશોધન અને આંતરરાષ્ટ્રીય સહકારના ક્ષેત્રમાં પ્રદાનને અમેરિકાએ બરાબર સ્વીકાર્યું છે. વળતામાં, ભારતે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ, પરમાણુ સહકાર અને ત્રાસવાદ સામેની લડત માટે ભારતના પ્રયાસનું સમર્થન કર્યું છે.
અમેરિકાની દક્ષિણ એશિયા નીતિ
પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન ભારતની મુલાકાત લેનારા ૧૯૭૮ પછી પહેલા અમેરિકા પ્રમુખ બન્યા હતા. તેમની મુલાકાત ૧૯૯૮માં ભારત દ્વારા પરમાણુ શસ્ત્રોનાં પરીક્ષણ પછી બગડેલા સંબંધોને સુધારનારી બની રહી હતી. જોકે ક્લિન્ટન સરકારે ભારતને સઘન પરીક્ષણ પ્રતિબંધ સમજૂતી (સીટીબીટી) પર હસ્તાક્ષર કરવા દબાણ કર્યું હતું.
ભારત-અમેરિકા સાયન્સ એન્ડ ટૅક્નૉલૉજી ફૉરમ આ મુલાકાત દરમિયાન જ સ્થપાયું હતું. ભારતનું અર્થતંત્ર વેગ પકડવા લાગ્યું હતું તેના લીધે, આ પ્રવાસે પાકિસ્તાન સાથે શીત યુદ્ધના સમય દરમિયાન કરેલા જોડાણમાંથી અમેરિકાનું ક્ષેત્રીય ધ્યાન દૂર ખેંચીને વધુ બદલાવ આણ્યો હતો.
ભારત-અમેરિકા વચ્ચે પરમાણુ સમજૂતી
અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્યૉર્જ ડબ્લ્યુ બુશે વર્ષ ૨૦૦૬માં ભારતની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બુશ અને તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે નાગરિક પરમાણુ સમજૂતીના કાર્યમાળખાને નક્કી કર્યું હતું અને સુરક્ષા તેમજ આર્થિક સંબંધોને મજબૂત કર્યા હતા.
જુલાઈ ૨૦૦૭માં પૂર્ણ થયેલી પરમાણુ સંધિએ ભારતને બિનપ્રસાર સમજૂતીની બહાર એક માત્ર દેશ બનાવ્યો હતો જેની પાસે પરમાણુ ક્ષમતાઓ છે અને તેને પરમાણુ વેપારમાં ભાગ લેવા છૂટ છે.
વર્ષ ૨૦૦૭માં, મૉટરસાઇકલ માટે કેરીઓ સમજૂતીએ બંને દેશો વચ્ચે વેપાર સંબંધો વધુ મજબૂત થવાનો સંકેત આપ્યો. ભારતીય કેરીઓનો પહેલા જથ્થા પૈકીનો કેટલોક અમેરિકા પહોંચ્યો જેનાથી ફળ આયાત કરવા પર અઢાર વર્ષ પહેલાં લાગેલો પ્રતિબંધ હટ્યો.
વર્ષ ૨૦૦૬માં બુશ અને મનમોહનસિંહ વચ્ચે થયેલી સમજૂતીના ભાગ રૂપે આ પ્રતિબંધ ઉઠ્યો હતો જે બંને દેશો વચ્ચે ત્રણ વર્ષમાં વેપાર બમણો કરવા માટે કરાઈ હતી. જવાબમાં ભારતે એમ કહ્યું કે તે અમેરિકા તરફથી હાર્લી ડેવિડસન મૉટરસાઇકલ આયાત કરવા પરનાં નિયંત્રણો હળવાં કરશે.
વર્ષ ૨૦૦૬માં ભારત અને અમેરિકા વચ્ચે માલ અને સેવાનો વેપાર ૪૫ અબજ ડૉલર આસપાસ હતો અને વર્ષ ૨૦૧૦માં તે ૭૦ અબજ ડૉલર કરતાં વધુ રકમે પહોંચ્યો હતો તેમ અમેરિકી બ્યુરો ઑફ ઇકૉનૉમિક એનાલિસિસનું કહેવું છે.
રણનીતિત્મક સંવાદ
અમેરિકા અને ભારતે વર્ષ ૨૦૧૦માં પહેલી વાર અમેરિકા-ભારત વ્યૂહાત્મક સંવાદ સત્તાવાર રીતે યોજ્યો હતો.