શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ તેમની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા માટે ભારતની પસંદગી કરી હતી. તેમની ભારત મુલાકાતથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે, શ્રીલંકાની પ્રાથમિકતામાં ભારતનું મહત્વ ઘણું વધારે છે. જાણીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત યાત્રા સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે.
1. રાજપક્ષે સાથે સંબંધો ફરી સુધારવા
ગોટાબાયા રાજપક્ષેએ ગત મહિને શ્રીલંકામાં રાજકીય લડાઈ જીતી પોતાને રાષ્ટ્રપતિ પદે સ્થાપિત કર્યા હતા. તેમના શપથ ગ્રહણના થોડા કલાકો બાદ ભારતના વિદેશ પ્રધાન જયશંકર ગોટાબાયાને શુભકામના આપવા કોલંબો પહોંચ્યા હતા. કાર્યભાર સંભાળ્યાના 10 દિવસની અંદર રાજપક્ષે તેમની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા પર નવી દિલ્હી આવ્યા હતા. જ્યાં બન્ને દેશો વચ્ચે એ વાત પર ભાર મુકવામાં આવ્યો કે, ભારત-શ્રીલંકા દ્વિપક્ષીય સંબંધો બન્ને દેશ માટે ઘણા મહત્વના છે.
દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાની શરુઆત એ પ્રશ્નથી થઈ જે રાજપક્ષે ભાઈઓના સત્તામાં પરત આવ્યા બાદ ઉભા થયા હતા. મુખ્ય રુપે મહિંદા રાજપક્ષે જે હાલમાં શ્રીલંકાના વડાપ્રધાન છે તેમના રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ દરમિયાન શ્રીલંકાના સંબંધો ચીન સાથે મજબૂત થતાં ભારત અને શ્રીલંકાના સંબંધોમાં બદલાવ આવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ એક નિવેદન જારી કરી ભારતીય મહાસાગરમાં શ્રીલંકાની સ્થિરતા અંગે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, 'બન્ને દેશોની સુરક્ષા અને વિકાસને અલગ કરી શકાય નહીં. માટે એ જરુરી છે કે, બન્ને દેશ એક બીજાની સુરક્ષા અને સંવેદનશીલતાને લઈને સજાગ રહે.'
2. વિકાસલક્ષી વ્યૂહાત્મક સહયોગ, માળખાગત વિકાસ માટે 400 મિલિયન ડોલરની સહાય
ભારત દ્વારા શ્રીલંકા માટે કરવામાં આવેલી માળખાગત સુવિધાઓના નિર્માણ માટે 400 મિલિયન અમેરિકન ડોલરની સહાય ઘણી મહત્વપૂર્ણ છે. જે અંતર્ગત પાયાની સુવિધા અને શિક્ષણના પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ સિરિસેના માટે આર્થિક પડકાર મોટી સમસ્યા હતી. હંબનટોટા શ્રીલંકા માટે ચીન દ્વારા ફેંકવામાં આવેલો ગાળિયો સાબિત થયો હતો. બીજી તરફ ભારતનું ધ્યાન વ્યાપાર અને રોકાણ ક્ષેત્રમાં સહયોગ કરીને બન્ને દેશોના લક્ષ્યાંકને પુરા કરી જનતાની માગણીને પ્રાથમિકતા આપવાનું છે.
ભારતે આંતરિક વિસ્થાપનનો સામનો કરી રહેલા ઉત્તરી અને પૂર્વોત્તર પ્રાંતના લોકો માટે અત્યાર સુધીમાં 46 હજાર મકાન બનાવ્યા છે. આ ઉપરાંત ભારતીય મૂળના તમિલ નાગરિકો માટે 14 હજાર મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ સમિટમાં જાહેર કરવામાં આવેલી 100 મિલિયન ડોલરની ક્રેડિટ લાઈનનો ઉપયોગ શ્રીલંકામાં સૌર ઉર્જાના વિકાસ કાર્યો માટે કરવામાં આવશે.