નવી દિલ્હીઃ ભારત સરકારે મોરેશિયસમાં થઈ રહેલા તેલ ગળતરને રોકવા અને બચાવ કાર્યમાં મદદ કરવા માટે IAF વિમાન માધ્યમથી 30 ટનથી વધુની સાધન સામગ્રી મોકલી છે. આ બાબતે વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વીટ કરી માહીતી આપી હતી.
વિદેશ મંત્રાલયે આપેલા નિવેદન મુજબ સફાઈ અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવેલા આ ઉપકરણોમાં ઓશિયન બુમ, રિવર બુમ, ડિસ્ક સ્કિમર્સ, હેલી સ્કિમર્સ, પાવર પૈક, બ્લોઅર્સ, સાલ્વેજ બાર્જ અને ઓઈલ એબ્જોર્બેટ ગ્રાફિન પેડ્સ અને અન્ય સામાનનો સમાવેશ થાય છે. આ ઉપકરણો પાણીમાંથી તેલને બહાર કાઢવા માટે બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત સહાયતા માટે 10 સભ્યોની ટેકનિકલ રિસોર્સ ટીમ, જેમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનોનો સમાવેશ થાય છે. આ ટીમને પાણીમાંથી તેલ કાઢવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ બાબતે વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વીટ કરી જાણકારી આપતા લખ્યું કે, સાગર નીતિ કામ કરી રહી છે.
વિદેશ પ્રધાન જયશંકરના જણાવ્યા મુજબ, ભારત દ્વારા મોરેશિયસમાં મોકલવામાં આવેલી મદદ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતની નીતિનો એક ભાગ છે. આ સહાય વડાપ્રધાનની સ્વપ્નદ્રષ્ટા નીતિ 'સિક્યોરિટી એન્ડ ડેવલપમેન્ટ ફોર ઓલ ઇન ધ રિજિયન' (સાગર) દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે, જે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના પડોશીઓને મદદ કરવા માટે રચાયવમાં આવી છે. તાત્કાલિક ધોરણે કરવામાં આવેલી સહાય ભારત અને મોરેશિયસ વચ્ચેના સારા સંબંધ અને મોરેશિયસના લોકોને મદદ કરવાની ભારતની લાંબા સમયથી પ્રતિબદ્ધતા સૂચવે છે.