ન્યુ દિલ્હી:ભારતે જણાવ્યું છે કે લદ્દાખના ગલવાન ખીણમાં બનેલા બનાવો માટે ચીન જવાબદાર છે, કેમ કે ચીને પોતાની રીતે વાસ્તવિક અંકુશ રેખાને ફેરવવાનો ઇરાદો ધરાવે છે. ચીનના આવા પ્રયાસોનો સામનો કરવાના કારણે ભારતે 20 જેટલા સૈનિકો ગુમાવવા પડ્યા છે. મંગળવારે રાત્રે વિદેશ મંત્રાલયે જાહેર કરેલી યાદીમાં જણાવાયું હતું કે, સામી બાજુએ ચીની સૈનિકોના પણ મોત થયા છે.
સોમવારે રાત્રે બંને દેશના સૈનિકો આમનેસામને આવી ગયા હતા અને તેના કારણે જાનહાની થઈ હતી. 1975 પછી પ્રથમ વાર ભારત અને ચીનની સરહદ વચ્ચે ઘર્ષણ આટલું ઉગ્ર બન્યું કે સૈનિકો ગુમાવવા પડ્યા. છેલ્લા બે અઠવાડિયાથી બંને દેશના સૈન્ય અફસરો વચ્ચે સ્થિતિને થાળે પાડવા માટે વાતચીત ચાલી રહી હતી તે પછી આ ઘર્ષણનો બનાવ બન્યો છે.
“પૂર્વ લદ્દાખના સરહદી વિસ્તારમાં સ્થિતિને થાળે પાડવા માટે ભારત અને ચીન વચ્ચે લશ્કરી અને રાજદ્વારી ધોરણે વાતચીત ચાલી રહી છે. સિનિયર કમાન્ડર્સ વચ્ચે છઠ્ઠી જૂન 2020ના રોજ સમજૂતિ પણ થઈ હતી કે સ્થિતિને કેવી રીતે થાળે પાડવી. ઉચ્ચ કક્ષાએ થયેલી સમજૂતિ પ્રમાણે સ્થળ પર અમલ થયો છે કે કેમ તેની ચકાસણી માટે ગ્રાઉન્ડ કમાન્ડર્સ વચ્ચે પણ બેઠકો થઈ હતી,” એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
“અમલની બાબતમાં ચકાસણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે અને ચીની સૈનિકો નક્કી કર્યા પ્રમાણેની ગલવાન ખીણની વાસ્તવિક અંકુશ રેખા સુધી પાછા ફરશે તેવી આપણી અપેક્ષા હતી. પરંતુ 15મી જૂનની સાંજે અને રાત્રે હિંસક થઈ, કેમ કે ચીન તરફથી વાસ્તવિક સ્થિતિને એકપક્ષી રીતે બદલવાની કોશિશ થઈ હતી. ઉચ્ચ કક્ષાએ નક્કી થયા પ્રમાણેની શરતોનું પાલન ચીની પક્ષે કર્યું હોત તો બંને પક્ષોએ સૈનિકો ગુમાવવા પડ્યા તે સ્થિતિ ટાળી શકાય તેવી હતી,” એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
આ અગાઉ ચીનના સરકારી ગ્લોબલ ટાઇમ્સ અખબારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ટાંકીને આક્ષેપ કર્યો હતો કે ભારતીય દળોએ ઉશ્કેરણી કરી હતી. પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા કર્નલ ઝેંગ શુઇલીએ અલગથી નિવેદન જાહેર કરીને ભારત પર આક્ષેપ કર્યો હતો કે 6 જૂને નક્કી થયા પ્રમાણેની સમજૂતિનું પાલન ભારતીય દળોએ કર્યું નહોતું.