નવી દિલ્હી: તાજેતરમાં બાંગલાદેશ પર ચીનના વધતા પ્રભાવની વચ્ચે મંગળવારે ભારતના વિદેશ સચીવ હર્ષ વર્ધન શ્રીંગલા ભારતના પૂર્વી પાડોશીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા જેમાં દેખીતી રીતે જ નવી દિલ્હીનો હેતુ ઢાકાની તરફેણને પરત મેળવવાનો છે. પહેલા એક દિવસીય ટૂંકી મુલાકાતની સંભાવનાઓ દેખાઈ રહી હતી જે ત્યાર બાદ બે દીવસની સત્તાવાર સફર બની. આ વર્ષે Covid-19ની મહામારીના પરીણામે માર્ચમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા ત્યાર બાદ શ્રીંગલાની આ પહેલી વિદેશ યાત્રા છે.
વિદેશ મંત્રાલયે પોતાના એક વાક્યના નિવેદનમાં જણાવ્યુ હતુ કે, શ્રીંગલા 18-19 ઓગસ્ટના રોજ ‘પરસ્પર હિતોની કેટલીક બાબતો પર ચર્ચા કરવા માટે અને તેને આગળ વધારવા માટે’ ઢાકાની મુલાકાત લઈ રહ્યા છે. જો કે વિદેશ મંત્રાલયની ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીત દરમીયાન બાંગલાદેશ વિદેશ સચીવ મસુદ બીન મોમેને ભારતના સમકક્ષ સાથેની આ મીટીંગને ‘તાત્કાલીક નક્કી થયેલી મીટીંગ’ ગણાવવાનો ઇન્કાર કર્યો હતો.
તેમણે જણાવ્યુ હતુ કે, શ્રીંગલા સાથે બુધવારે યોજવા જઈ રહેલી આ મીટીંગમાં Covid-19 માટે ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં તૈયાર થયેલી રસી કે જેનું હાલ ભારતમાં ટ્રાયલ ચાલી રહ્યુ છે તે બાંગલાદેશનો મળી શકે કે કેમ તેના પર ચર્ચા કરવામાં આવશે. Bdnews24.com ના કહેવા પ્રમાણે ઢાકા ઓક્સફોર્ડ યુનીવર્સીટીમાં તૈયાર થયેલી રસી બાબતે ચર્ચા કરવા માટે તૈયાર છે. જો તેના ટ્રાયલ સફળ જશે તો આ રસીના લાખો ડોઝનુ ભારતની સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા બાંગલાદેશમાં ઉત્પાદન કરવામાં આવશે.
ઢાકામાં રહેલા એક સ્ત્રોતે ETV Bharatને જણાવ્યુ હતુ કે, મોમેનના કહેવા પ્રમાણે બાંગલાદેશ વેક્સીનના ઉપલબ્ધ જથ્થાને મેળવવા માગે છે, પછી તે ચાઇનીઝ, રશીયન કે અમેરીકન કોઈ પણ દેશનો રસીનો જથ્થો હોય. એક સ્ત્રોત પ્રમાણે મોમેને જણાવ્યુ હતુ કે, આ પ્રક્રીયાના ભાગરૂપે બાંગલાદેશ ભારત સાથે આ મુદ્દા પર વાતચીત કરશે. આ પહેલા બાંગલાદેશની સ્ટેટ મેડીકલ રીસર્ચ એજન્સીએ ચીનના સીનોવેક બાયોટેક લીમીટેડ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી સંભવિત Covid-19ની રસીના ત્રીજા તબક્કાના ટેસ્ટીંગને માન્યતા આપી હતી પરંતુ હવે તે માન્યતાને સ્થગીત કરવામાં આવી છે.
શ્રીંગલા, કે જેઓ બાંગલાદેશમાં ભારતીય હાઇ કમીશ્નર પણ રહી ચુક્યા છે તેઓ પોતાની આ મુલાકાત દરમીયાન બાંગલાદેશના પ્રાઇમ મીનીસ્ટર શેખ હસીના અને બાંગલાદેશના વિદેશમંત્રી એ.કે.અબ્દુલ મોમેન સાથે પણ મુલાકાત કરશે તેવુ આયોજન પણ કરવામાં આવ્યુ છે. નિષ્ણાંતોના મતે, લદ્દાખમાં હાલ ભારત અને ચીન વચ્ચે સરહદના મુદ્દાઓને લઈને તનાવનું વાતાવરણ છે તેવામાં શ્રીંગલાની આ મુલાકાતનો હેતુ બાંગલાદેશમાં બેઇજીંગના વધતા પ્રભાવ સામે લડવાનો પણ છે.
તીસ્તા નદીના પાણીના મેનેજમેન્ટ માટે બેઇજીંગ દ્વારા ઢાકાને અપાયેલી એક બીલિયન ડોલરની લોનની સમયમર્યાદામાં કરવામાં આવેલો વધારો હાલ નવી દિલ્હી માટે માથાનો દુખાવો બની રહ્યો છે. આ પહેલી વખત છે કે દક્ષિણ એશીયાના કોઈ દેશમાં નદીના પાણીના મેનેજમેન્ટની બાબતમાં ચીન સામેલ થયુ હોય. બાંગલાદેશ ભારતનો સૌથી નજીકનો પાડોશી દેશ હોવા છતા, તીસ્તા નદીના પાણીની વહેંચણી બાબતે બંન્ને દેશ વચ્ચે દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે.
2011માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહની ઢાકાની મુલાકાત દરમીયાન ભારત અને બાંગલાદેશે તીસ્લા નદી જળ વહેંચણીના કરાર પર લગભગ હસ્તાક્ષર કર્યા હતા પરંતુ પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિરોધને કારણે છેલ્લી ઘડીએ આ કરારને આગળ વધતો અટકાવવાની ફરજ પડી હતી. તીસ્તા નદીનું ઉદભવસ્થાન હિમાલયના પૂર્વ ભાગમાં છે અને બાંગલાદેશમા પ્રવેશતા પહેલા તે ભારતના સિક્કીમ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે. આ નદી બાંગલાદેશના મેદાનોમાં પુરનું કારણ હોવા છતા પણ શીયાળા દરમીયાન બે મહિના તે સુકી રહે છે.
બાંગલાદેશે 1996ના ગંગા જળ કરારને આધાર બનાવીને ભારત પાસે તીસ્તાના પાણીની ન્યાયપૂર્ણ વહેંચણીની માંગ કરી છે પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. આ કરાર બંન્ને દેશની સરહદ જ્યાં મળે છે તેની પાસે ફરાક્કા બેરેજ પાસે જળસપાટીની વહેચણી બાબતે હતો. આ આંતરરાષ્ટ્રીય કરાર પર ભારતના રાજ્યોનો સ્વતંત્ર પ્રભાવ હોવાનો લાભ લઈને પશ્ચીમ બંગાળે તીસ્તા કરારનો ભાગ બનવાનો ઈન્કાર કર્યો અને તેથી આ કરારમાં આગળ વધવામાં અવરોધ ઉભો થયો.