દહેરાદૂન: ભારત ચીન સરહદે સાથે જોડાયેલી ડર્મા વેલીને ટૂંક સમયમાં માર્ગ સાથે જોડી દેશે. ડર્મા વેલીમાં સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (સીપીડબલ્યુડી)એ માર્ગ કાપવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે. આ સાથે અહીં 7માંથી 6 પુલ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. વરસાદ બાદ હોટમીક્સિંગ પણ શરૂ કરવામાં આવશે. રસ્તો તૈયાર થતાંની સાથે જ ડર્મા વેલીના 14 ગામોનો રસ્તો સરળ બનશે, આ સાથે સાથે સુરક્ષાદળો પણ સરહદ સુધી પહોંચી શકશે.
ચીનના આક્રમક વલણને જોતાં ભારતે સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી નેટવર્ક નાખવાનું કામ શરૂ કરી દીધું છે. પિથોરાગઢની બિયાસ ખીણમાં લીપુલેખ સુધીના માર્ગના નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય ચીનને અડીને આવેલા ડર્મા વેલીના દુગ્તું ગામ સુધી માર્ગ કાપવાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.