નવી દિલ્હી: ભારત અને ચીન પૂર્વીય લદ્દાખમાં સીમા સંઘર્ષમાં લાગેલા છે અને ચીન દક્ષિણ ચીન સમુદ્ર ક્ષેત્રમાં તેની વિસ્તારવાદી નીતિઓને આગળ ધકેલી રહ્યું છે ત્યારે એક વરિષ્ઠ અમેરિકી રાજદ્વારીએ કહ્યું છે કે ભારત અમેરિકાની ભારત-પ્રશાંત રણનીતિમાં કેન્દ્ર સ્થાને રહેશે.
યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફૉરમ (યુએસઆઈએસપીએફ) દ્વારા આયોજિત અને હાલમાં ચાલી રહેલા 'યુએસ ભારત: નવા પડકારો સામે તરવું" વિષય પર એક સપ્તાહની ચર્ચામાં બોલતા અમેરિકાના ઉપ વિદેશ પ્રધાન સ્ટીફન બૈગને કહ્યું છે કે અમેરિકાની નવી ભારત-પ્રશાંત રણનીતિમાં આધુનિક વિશ્વની વાસ્તવિકતાઓનો પડઘો પડે છે અને ભારત-પ્રશાંત રણનીતિ લોકશાહી આસપાસ કેન્દ્રિત છે. "તે મુક્ત બજારો આસપાસ કેન્દ્રિત છે." તેમ બૈગને સોમવારે કહ્યું હતું. "તે ભારત સરકાર અને ભારતીય લોકો અમેરિકાની સરકાર અને અમેરિકાના લોકો સાથે જે એક સમાન મૂલ્યો ધરાવે છે તેના પર કેન્દ્રિત છે. તેને સફળ બનાવવા આપણે આ ક્ષેત્રમાં પૂરા સ્તર પર પ્રયાસ કરવો પડશે. તેમાં અર્થતંત્રના સ્તર, સુરક્ષા સહકારના સ્તરનો સમાવેશ થાય છે અને ભારત આ રણનીતિના કેન્દ્ર સ્થાને ન હોય તો તે અસંભવ છે. આથી મને અગત્યનું લાગે છે કે અમેરિકા આ રણનીતિ અપનાવશે. ભારત પડખે ન ઊભું રહે તો તે અમારા માટે સફળ નહીં બને."
જાપાનના વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ અવધિમાં વર્ષ ૨૦૦૬-૦૭માં શિન્ઝો અબેએ ભારત-પ્રશાંત ક્ષેત્ર શબ્દ પ્રયોજ્યો હતો અને તેમાં જાપાનના પૂર્વ દરિયા કાંઠાથી લઈને આફ્રિકાના પૂર્વ દરિયા કાંઠાનો સમાવેશ થાય છે. બૈગનની આ ટીપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે ભારત અને ચીનનાં દળો વચ્ચે આ વર્ષે જૂનમાં લદ્દાખમાં લોહિયાળ સંઘર્ષ થયો હતો જેના પગલે ૪૫ વર્ષમાં પહેલી વાર વાસ્તવિક અંકુશ રેખાએ બંને બાજુએ મૃત્યુ થયાં હતાં. દરમિયાનમાં ગયા મહિને અમેરિકાએ પણ ચીનની વ્યક્તિઓ અને સાહસો સામે, ચીનના દક્ષિણ ચીન સમુદ્રમાં આધિપત્યવાદી અભિગમના લીધે વિઝા નિયંત્રણો અને પ્રતિબંધો લાદ્યાં હતાં. જુલાઈમાં, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) નૌ સેનાએ દક્ષિણ ચીન સમુદ્રમાં જળ અને ભૂમિ બંને પર આક્રમક પ્રવૃત્તિઓ દ્વારા નૌ સેના કવાયત હાથ ધરી હતી. પારાસેલ ટાપુઓ પાસે ચીનની તાજી પ્રવૃત્તિઓનો સામનો કરવા, અમેરિકાએ દક્ષિણ ચીન સમુદ્રમાં ત્રણ પરમાણુ શક્તિવાળા વિમાનવાહક જહાજો ગોઠવ્યાં હતાં. ચીન આ ક્ષેત્રમાં અન્ય દેશો સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં સ્પાર્ટ્લી અને પારાસેલ દ્વીપ સમૂહો બાબતે વિવાદમાં ફસાયેલું છે. સ્પાર્ટલી ટાપુઓ પર બ્રુનેઇ, મલયેશિયા, ફિલિપાઇન્સ, તાઇવાન અને વિયેતનામ પણ દાવો કરી રહ્યાં છે જ્યારે પારાસેલ ટાપુઓ પર વિયેતનામ અને તાઇવાન દાવો કરી રહ્યાં છે. વર્ષ ૨૦૧૬માં, હેગ સ્થિત પરમેનન્ટ કૉર્ટ ઑફ આર્બિટ્રેશને ઠરાવ્યું હતું કે ચીને દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપાઇન્સના અધિકારોનું ઉલ્લંઘન કર્યું હતું, જે વિશ્વના સૌથી વ્યસ્ત વાણિજ્યિક ખરીદી માર્ગ પૈકીનો એક છે.
ન્યાયાલયે ચીન પર ફિલિપાઇન્સના માછીમારી અને પેટ્રોલિયમ શારકામમાં હસ્તક્ષેપ કરવાનો, કૃત્રિમ ટાપુઓ બનાવવાનો અને આ ક્ષેત્રમાં ચીનના માછીમારોને માછીમારી કરતા નહીં અટકાવવાનો આક્ષેપ કર્યો હતો. તે પછી ફરી એક વાર, જુલાઈમાં વિયતેનમા અને ફિલિપાઇન્સે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન પર વારંવાર દરિયાઈ કાનૂનોના ઉલ્લંઘન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, ચીન પૂર્વ ચીન સમુદ્રમાં સેન્કાકુના ટાપુઓ જેને ચીન દિઆયોઉ ટાપુ કહે છે તેના પર જાપાન સાથે વિવાદમાં પણ સંડોવાયેલું છે.