નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે દેશભરમાં લોકડાઉન વચ્ચે આજે ઈદ-ઉલ-ફિત્ર ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકડાઉનને કારણે લોકોને સામાજિક અંતરને અનુસરવાની અપીલ કરવામાં આવી રહી છે. જામા મસ્જિદના શાહી ઈમામદ સૈયદ અહેમદ બુખારીએ લોકોને અપીલ કરી કે, ઈદની સાદગીથી ઉજવણી કરો અને ગરીબ લોકો તેમજ પડોશીઓને મદદ કરો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય રાજકીય પક્ષના નેતાઓએ ઈદની શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાન મોદીએ ઈદની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી હતી. PM મોદીએ ટિ્વટ કર્યું હતું કે, ઈદ મુબારક, ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે આપ સૌને શુભકામનાઓ. આ વિશેષ તહેવાર આપણા બધાના જીવનમાં ભાઈચારો અને શાંતિ લાવે છે. દરેક ખુશ રહે, સ્વસ્થ રહે.
રાષ્ટ્રપતિએ ઈદની શુભેચ્છા પાઠવી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી ઈદની શુભેચ્છા પાઠવતા લખ્યું કે, ઈદ મુબારક! આ ઉત્સવ પ્રેમ, શાંતિ અને ભાઈચારાનું પ્રતીક છે. ઈદના દિવસે સમાજના જરૂરીયાતમંદ લોકોની પીડા વહેંચવાની અને તેમની સાથે ખુશહાલી વહેંચવાની પ્રેરણા મળે છે. આવો, આ શુભ પ્રસંગે ચાલો આપણે એકતાને મજબૂત કરીએ અને કોવિડ-19ને રોકવા માટે સામાજિક અંતરના ધોરણોને અનુસરીએ.