ન્યૂઝ ડેસ્ક : ઇન્ડોનેશિયામાં છેલ્લા બે સપ્તાહમાં જકાર્તામાં ભારતીય એમ્બેસીની બહાર અને મેડનમાં ભારતીય કોન્સ્યુલેટની બહાર મોટા ધરણા-પ્રદર્શનો થયા હતા. આ દેખાવોનું આયોજન FPI, GNPF અને PA212 જેવા કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠનોએ કર્યું હતું. અગાઉ આ ત્રણ સંગઠનોના ચેરપરસન્સ દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક સંયુક્ત પત્રકાર નિવેદનમાં કહેવાયું હતું કે, ‘અમે ભારત સરકારને નાગરિકતા કાયદો રદ કરવા માટે વિનંતી કરીએ છીએ. આ કાયદાનો હિંદુ કટ્ટરવાદી જૂથો દ્વારા ભારતીય મુસ્લિમો વિરુદ્ધ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ઉપયોગ કરાઇ રહ્યો છે.’
જોકે ઇન્ડોનેશિયાના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે, ભારતીય રાજદૂતને ચિંતાનો માત્ર ‘સંદેશ પહોંચાડવા’ માટે બોલાવવામાં આવ્યા હતા અન જકાર્તા માને છે કે, ભારત તેની ઘરેલુ સમસ્યાઓની ફરતે પેદા થયેલા તણાવોનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે. ઇન્ડોનેશિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “સિવિલ સોસાયટી સંગઠનો અને અન્ય ઘણા સંગઠનોનો એક સંદેશ હતો અને આ સંદેશાની (ભારત સરકારને) જાણ કરાઇ છે. લોકોમાં ભલે ચિંતા હોય પરંતુ ઇન્ડોનેશિયા સરકારને વિશ્વાસ છે કે, આપણે તે ઉકેલી લઇશું કારણકે આપણે બંને બહુલવાદી અને લોકશાહી દેશો છીએ.”
એવું જાણવા મળ્યું છે કે, સમગ્ર ભારતમાં થોડા સમય માટે CAA અને NRC વિરોધી દેખાવોને પગલે ચિંતાના વાદળો ઘેરાયા હતા. દિલ્હીના તોફાનોમાં કેટલાક લોકોના જીવ ગયા હતા. મોહમ્મદ ઝુબેર નામનો એક વ્યક્તિ તોફાનોની પીડાનો એક ચહેરો બનીને ઉભર્યો હતો. ઝુબેરને તેની દાઢી અને ટોપીને કારણે જમણેરી રાષ્ટ્રવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યો હોવાનું અને તેને માર મારવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ઝુબેરને માર મરાતો હોય તેવો એક ફોટો વાયરલ થયો હતો અને તેને કારણે ઇન્ડોનેશિયા સાથેના રાજદ્વારી સંબંધોમાં તણાવ પેદા થયો હતો.
પરંતુ હવે સુત્રોને આશા છે કે, આગામી શુક્રવારે જકાર્તામાં દેખાવો શાંત પડશે. ગયા શુક્રવારે ભારતીય એમ્બેસીની બહાર 110 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા અને એમ્બેસીની ફરતે બેરિકેડ્સ મૂકીને ટ્રાફિકને ડાયવર્ટ કરાયો હતો. ઇન્ડોનેશિયામાં અમેરિકન એમ્બેસી સિવાય કોઇ વિદેશી મિશનની સુરક્ષા માટે આટલા મોટા પગલા લેવાયા હોય તેવું અગાઉ ક્યારેય બન્યું નથી. અગાઉ પેલેસ્ટાઇનના મુદ્દે પણ અમેરિકન એમ્બેસીની બહાર દેખાવો થયા હતા.
એવી પણ આશા રખાઇ રહી છે કે, ભારત ઇન્ડોનેશિયામાં સૌથી વધુ પ્રભાવશાળી MUI (ઇન્ડોનેશિયન ઉલેમા કાઉન્સિલ) જેવા કેટલાક ચોક્કસ ઇસ્લામિક સંગઠનો સાથે ચર્ચા કરશે અને મંત્રણાઓ મારફતે ભારતીય લઘુમતી મુસ્લિમો અંગે ઉભી થયેલી ચિંતાઓનું શમન કરવા પ્રયાસ કરવામાં આવશે. મહત્વનું છે કે ઇન્ડોનેશિયન ઉલેમા કાઉન્સિલ હજુ ભારત વિરોધી દેખાવો માટે રસ્તા પર ઉતર્યું નથી.
જોકે, MUI દ્વારા તેના એક આકરા નિવેદનમાં યુનાઇટેડ નેશન્સને ભારતમાં સત્ય શોધક ટીમને મોકલવાની અને લઘુમતીઓના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને અનુરૂપ કડક પગલા ભરવાની વિનંતી જરૂરથી કરવામાં આવી છે. આ નિવેદનમાં CAAને પક્ષપાતી ગણાવવામાં આવ્યો છે અને ભારત સરકારને જમ્મુ અને કાશ્મીરના ભવિષ્ય અંગે લોકમત સહિતના UNSC ઠરાવોનું સન્માન કરવા માટે વિનંતી પણ કરાઇ છે. આ નિવેદનમાં ઇન્ડોનેશિયાના મુસ્લિમો દ્વારા ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવી છે અને ભારતીય મુસ્લિમો વિરુદ્ધ પરિસ્થિતિમાં જો કોઇ સુધારો ના થાય તો નવી દિલ્હી સાથેના સંબંધો તોડી નાખવા માટે પણ ઇન્ડોનેશિયા સરકારને કહેવામાં આવ્યું છે.