ભારતે કાલાપાની પર નેપાળના આક્ષેપોને ફગાવી દીધા છે જેનાથી રાજદ્વારી ટકરાવ સર્જાઈ શકે છે. વિદેશ મંત્રાલયે સાત તારીખે નેપાળના એવા દાવાને નકારી દીધો છે કે રવિવારે જાહેર કરાયેલા નવા રાજકીય નકશામાં કાલાપાની પ્રદેશ ખોટી રીતે સમાવાયો છે. 5 ઑગસ્ટે કલમ 370 સમાપ્ત કરાયા અને જમ્મુ-કાશ્મીરનું કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પુનર્ગઠન કરાયા બાદ રવિવારે આ નકશો જાહેર કરાયો હતો. આ નકશામાં કાલાપાની અને લિપુ લેખમાં જમીનનાં ક્ષેત્રોને દર્શાવાયાં છે જેનો દાવો નેપાળ ભારતની સરહદની અંદરના પોતાના પ્રદેશ તરીકે કરે છે અને તેના પર વિવાદ જન્માવે છે. આ પગલા અંગે સૉશિયલ મિડિયા પર ભારે હોબાળા બાદ, શરૂઆતમાં નેપાળે શાંતિ રાખ્યા પછી, નેપાળના વિદેશ મંત્રાલયે તેનો વિરોધ નોંધાવ્યો અને ઔપચારિક નિવેદનમાં કહ્યું કે ‘નેપાળની સરકાર કાલાપાની નેપાળના પ્રદેશનો ભાગ હોવા અંગે સ્પષ્ટ છે.’ નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે ‘બંને દેશના વિદેશ સચિવોને સીમા સંબંધિત પ્રશ્નો ઉકેલવા આદેશ છે. નેપાળ સરકાર તેની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા કરવા કટિબદ્ધ છે અને તે એવી સ્થિતિ પર પણ મક્કમ છે કે બંને પડોશી રાજ્યો વચ્ચેની સરહદો સમસ્યાઓ ઐતિહાસિક દસ્તાવેજો અને નક્કર પુરાવાના આધારે રાજદ્વારી રીતે ઉકેલાવા જોઈએ.
જોકે સાત તારીખે ભારતે નેપાળની ફરિયાદ ફગાવી દીધી અને દાવો કર્યો કે નવા નકશાઓ સાચા છે. “અમારા નકશા ચોકસાઈપૂર્વક ભારતનો સાર્વભૌમ પ્રદેશ દર્શાવે છે. નવા નકશામાં કોઈ પણ રીતે નેપાળ સાથે અમારા સરહદમાં સુધારાવધારા કરાયા નથી. નેપાળ સાથે સીમાંકન પ્રવર્તમાન વ્યવસ્થા હેઠળ ચાલી રહ્યું છે. અમારા નિકટના અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોના પ્રકાશમાં સંવાદ દ્વારા ઉકેલ લાવવાની અમારી કટિબદ્ધતાનો અમે પુનરોચ્ચાર કરીએ છીએ,” તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું હતું. નેપાળ વારંવાર કહેતું આવ્યું છે કે કાલાપાની, લિપુ લેખ અને લિમ્ફુયધરા તેના પ્રદેશના ભાગ છે અને આ ભૂભાગ તેના સર્વે વિભાગ દ્વારા જાહેર કરાયેલા તેના નકશામાં આ હિમાલયન દેશના ભાગ તરીકે દર્શાવાય છે. તે નેપાળ માટે એક સંવેદનશીલ રાજકીય મુદ્દો બની રહ્યો છે.
વિદેશ મંત્રાલયે સાત તારીખે કોઈ દેશ કે વ્યક્તિનું નામ લીધા વગર ઈશારો કર્યો હતો કે ‘સ્થાપિત હિતો’ આ મુદ્દે ખાઈને વધુ પહોળી કરવા પ્રયાસરત છે. “આની સાથે, બંને દેશોએ આપણા બંને દેશો વચ્ચે મતભેદો સર્જવા પ્રયાસ કરી રહેલાં સ્થાપિત હિતો સામે રક્ષા કરવી જોઈએ.” તેવી ટીપ્પણી રવીશકુમારે કરી હતી. નેપાળે પાંચ તારીખે સંક્ષિપ્ત રૂપે એ વાત પર ભાર મૂક્યો હતો કે તેની સરકાર ‘(કાલાપાની) સંબંધે કોઈ પણ પ્રકારના એકપક્ષીય નિર્ણયોને સ્વીકારશે નહીં.”