ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારી પ્રોત્સાહનથી દૂધ ઉત્પાદનમાં વધારો શક્યઃ પશુપાલકોને નથી મળતા વાજબી દામ - નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ

ખેડૂત માટે કૃષિ અને પશુપાલન બે આંખ સમાન છે. કુદરતી આપત્તિને કારણે પાક નિષ્ફળ જાય, ત્યારે પશુપાલન જ સહારો બનતો હોય છે. દૂઝાણું હોય તે ખેડૂત દુખી ના થાય તેવી કહેવત છે. ગાય, ભેંસ કે બીજા દુધાળા ઢોર પાળે તેને ત્રણેય ટંકનું ખાવાનું મળે.

ETV BHARAT
સરકારી પ્રોત્સાહનથી દૂધ ઉત્પાદનમાં વધારો શક્યઃ પશુપાલકોને નથી મળતા વાજબી દામ

By

Published : Mar 8, 2020, 11:27 PM IST

ન્યૂઝ ડેસ્ક: સરકારી પ્રોત્સાહનથી દૂધ ઉત્પાદનમાં વધારો શક્ય છતાં પશુપાલકોને વાજબી દામ નથી મળતા અને કેટલાક પરિબળોને કારણે પશુપાલન મુશ્કેલ બની રહ્યું છે. શેરડી ઊગાડતા ખેડૂતો મુશ્કેલીમાં છે, કેમ કે ખાંડ ઉદ્યોગ તકલીફમાં છે. એક સમયે દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા દેશમાં પશુપાલકોની પણ એવી જ હાલત થશે? પોષણક્ષમ ભાવ ના મળવાના કારણે પશુપાલકો મુશ્કેલમાં છે, કેમ કે સ્પર્ધા વધી ગઈ છે. વિદેશમાંથી ડેરીની આયાતને કારણે સ્થિતિ ઉલટાની બગડે તેમ છે.

ભારતમાં દૂધ ઉત્પાદનની સ્થિતિ

વર્ષ ઉત્પાદન(કરોડ ટનમાં)
2000-01 8.06
2005-06 9.71
2010-11 12.18
2015-16 15.55
2016-17 16.54
2017-18 17.63
2018-19 18.77

Source: Department of Animal Husbandry And Dairying, Government of India

ભાવો સ્થિર થવા પર આશા

દેશના ઘણા ભાગોમાં ગરમીનો પ્રકોપ, મોડું શરૂ થયેલું ચોમાસું અને પાણીના અભાવના કારણે કેટલાક પ્રદેશોમાં મુશ્કેલી હતી, ત્યારે અન્યત્ર પૂરની સ્થિતિને કારણે પશુચારા માટે જરૂરી મકાઈ, શેરડી જેવા પાકો ઓછા થયા હતા. લીલો ચારો ના હોવાના કારણે ખાણદાણમાં ભાવવધારો થયો હતો. પરિણામે દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ડિસેમ્બર સુધીમાં સ્થિતિમાં સુધારો થશે અને દૂધ ઉત્પાદન થશે તેવો અંદાજ છે.
ખાસ કરીને ખરીફ વખતે સારો વરસાદ થવાથી દેશના ઘણા ભાગોમાં જળાશયો ભરાઈ ગયા હતા. જાન્યુઆરી સુધીમાં દેશના જળાશયો 41% જેટલા ભરાયેલા હતા. ગત 10 વર્ષમાં આ સૌથી વધુ જળજથ્થો છે. તેનાથી રવિ મોસમ સારી જશે તેવી અપેક્ષા છે. રવિ મોસમમાં વધારે લીલો ઘાસચારો પેદા થશે. આ અહેવાલમાં દૂધના ભાવો પણ સ્થિર રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

ગયા વર્ષથી દૂધના ભાવો વધતા રહ્યા છે. ખાનગી ડેરી પછી અમુલ અને મધર ડેરીએ પણ રિટેલમાં લિટર દીઠ 2થી 3 રૂપિયા વધાર્યા હતા. જાન્યુઆરીના અંત સુધીમાં મોટા ભાગની ખાનગી ડેરીએ 2 વાર ભાવવધારો કરીને લિટરે 5 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.

ડિસેમ્બરમાં ખાનગી ડેરીઓએ એવું કહ્યું હતું કે, ખેડૂતોના ફાયદા ખાતર ગ્રાહકો પર બોજ નાખવામાં આવી રહ્યો છે. આ વર્ષે ઘણી સહકારી ડેરીઓનું વેચાણ ઘટ્યું ત્યારે ફરી ભાવવધારો કરાયો હતો. જો કે, તેની સામે ખેડૂતોને ચૂકવાતો ભાવ વધ્યો નથી, તેથી તેમને કોઈ ફાયદો થયો નથી.

સ્પર્ધામાં ઉતરેલી ડેરીઓ પશુપાલકોને વધારે દર આપવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી નથી. દૂધનું ઉત્પાદન ઘટ્યું તેના કારણે ડેરીઓએ ગ્રાહકો પર ભાવવધારો નાખી દીધો છે. તેલંગાણામાં વિજય ડેરીએ લિટર દીઠ ડિસેમ્બરમાં 2 અને જાન્યુઆરીમાં 3 રૂપિયા વધારી દીધા અને ભાવ હવે 47 રૂપિયે લિટર થયો છે. વિજય ડેરીનું વેચાણ 3.12 લાખ લિટરથી ઘટીને 2.50 લાખ લિટર થઈ ગયું છે. એ યાદ રાખવું જરૂરી છે કે, બીજી ડેરીઓ કુલ 36 લાખ લિટર દૂધ વેચે છે.

ઉનાળામાં સ્થિતિ વકરે તેમ લાગે છે. મિલ્ક પાવડરનો જથ્થો પણ મર્યાદિત છે તે ચિંતાનું કારણ છે. સરકારે ડેરીના વિકાસ માટે પગલાં લીધા છે અને લિટરે 4 રૂપિયાનો ટેકાનો ભાવ આપ્યો છે. પશુપાલકો માટે 65,000 પશુઓ રાહત ભાવે આપવામાં આવ્યા છે.

દેશમાં અત્યારે કુલ 50 કરોડ લિટર દૂધ ઉત્પાદન થાય છે, પણ તોય 50 લાખ લિટરની ઘટ પડે છે. કેટલીક કંપનીઓએ મિલ્ક પાવડરની આયાત માટે મંજૂરી માગી છે. જો કે, અમુલ અને KMF જેવી મોટી સહકારી મંડળીઓ તેનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે, આયાતને કારણે દેશના ખેડૂતોને નુકસાન થશે.

અમુલનો દાવો છે કે, ખાનગી ડેરીઓ માત્ર આ સિઝન માટે જ મિલ્ક પાવડર આયાત કરી રહી છે. જો કે, ખાનગી કંપનીઓનો આક્ષેપ છે કે ગુજરાતની ડેરીમાં મોટા પ્રમાણમાં મિલ્ક પાવડર પડ્યો હોવાથી સરકાર આયાત કરવા દેતી નથી. 2018-19માં વધારે દૂધ ઉત્પન્ન થયું તેના કારણે ડેરીઓએ મિલ્ક પાવડર બનાવી લીધો હતો.

કેટલીક ખાનગી કંપનીઓ ઊંચા ભાવે પાવડર મિલ્ક વેચીને નફો કરી રહી છે અને ખેડૂતોને લાભ આપી રહી નથી. ગત 4 મહિનામાં સતત ભાવવધારો થયો છે તે આ વાત દર્શાવે છે એમ ડેરીના જાણકારો કહે છે.

દૂધ ઉત્પાદન વધારવા સબસિડી!

દૂધનો ભાવ પોષણક્ષમ ના મળતો હોવાથી પશુઓને સાચવવા મુશ્કેલ બન્યા છે. ઘણા લોકો પશુપાલનનો ધંધો તેથી જ છોડી રહ્યા છે. પશુઆહાર મોંઘા છે, મજૂરી વધી છે અને વેટરનરી સેવા મળતી નથી. આધુનિક ટેક્નોલૉજીની સમજ ના હોવાથી પશુચાલકો ફાયદો ઉઠાવી શકતા નથી. ડેરીઓએ સમજવું જોઈએ કે પશુપાલકોને પૂરતા ભાવ મળશે તો જ ઉદ્યોગ ટકી શકશે.

પશુઓની જાત સુધારવા પર ધ્યાન આપવું જરૂરી છે. ઉત્પાદન વધારવા દૂધાળા પશુઓ પર સબસિડી આપવી જોઈએ. સારી ગમાણ બનાવી, ગરમી ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવું જોઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને પશુઓને ક્લાયમેટ ચેન્જને અનુકૂળ બનાવવા જોઈએ.

પશુઆહાર માટે સંયુક્ત પ્રયાસો, સંતુલિત પશુચારો, સારી જાતના બળદ, ભેંસનું બ્રિડિંગ વગેરે માટે સહકારી મંડલીઓ પ્રયાસ કરે તો ઉત્પાદન વધી શકે છે.

ઉત્પાદકતામાં પછાતપણું

ભારત દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરે છે, પણ પશુદીઠ તેની ઉત્પાદકતા વધી નથી. દૂધ ઉત્પાદનમાં વાર્ષિક વૃદ્ધિ 4.5% ટકાનો છે. વૈશ્વિક દર હાલમાં સરેરાશ 1.8% છે. કૃષિની સામે પશુપાલનમાં વધુ વિકાસ થઈ રહ્યો છે.

2017-18માં દેશમાં 17.63 કરોડ ટન દૂધ પેદા થયું હતું (વિશ્વના કુલ ઉત્પાદનના 20.12 ટકા જેટલું). દેશમાં માથાદીઠ દૂધ ઉત્પાદન 375 ગ્રામ છે. 1970ના દાયકામાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા શ્વેત ક્રાંતિ પછી વિશ્વમાં આપણે સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યા છીએ. આયાતને બદલે ભારત દૂધની નિકાસ કરતો થયો છે.

પશુપાલન પર નભતા લોકોની સંખ્યા 2.24 કરોડની છે, જેમાંથી માત્ર મહિલાઓ જ 1.68 કરોડ છે. નાના સીમાંત ખેડૂતો પશુપાલન પર આધાર રાખે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને હિમાચલ પ્રદેશ સૌથી વધુ દૂધ પેદા કરનારા 5 રાજ્યો છે.

2019માં 18.77 કરોડ દૂધ ઉત્પાદનની આશા છે. નિતિ આયોગના અંદાજ અનુસાર 2033 સુધીમાં તે વધીને 33 કરોડ ટન થશે. ત્યાં સુધીમાં દૂધની માગ 29.2 કરોડ ટનની હશે.
દૂધ ઉત્પાદનમાં સતત વધારા છતાં દૂધના ભાવો સ્થિર રહેતા નથી તે નોંધવું રહ્યું. કેટલીક ખાનગી ડેરીઓ પશુપાલકોને પૂરતા દામ આપતી નથી અને ગ્રાહકો પાસેથી વધુ ભાવ લઈને નફો રળે છે. સહકારી દૂધ મંડળીઓ પશુપાલકોને વધારે રાહતો આપવા માટે કોશિશ કરી રહી છે, પણ ખાનગી કંપનીઓનું વલણ વાંધાનજક છે.

ક્રિસિલના છેલ્લા આંકડાં પ્રમાણે નાણાકીય વર્ષના અંત સુધીમાં દૂધ ઉત્પાદનમાં 5-6 ટકાનો વધારો થવાનો અંદાજ છે. કુલ ઉત્પાદન 17.6 કરોડ ટન થવાનો અંદાજ છે.

જો કે, એ નોંધવું જોઈએ કે ડિસેમ્બર સુધીમાં જ દૂધ ઉત્પાદનમાં 6% ઘટાડો નોંધાયો છે. તે ચિંતાનું કારણ છે અને તે બાબતમાં સરકારે તાકિદે પગલાં લેવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details