ઝારખંડ : મહારાષ્ટ્રના પૂણેના ભીમા કોરેગાંવમાં બે વર્ષ પહેલા થયેલી હિંસાના છેડા ઝારખંડ સુધી લંબાયા હોવાનું સામે આવ્યું છે. NIAની ચાર્જશીટમાં રાંચીના સામાજિક કાર્યકર સ્ટેન સ્વામીને માઓવાદી દર્શાવામાં આવ્યા છે. ઝારખંડ સરકાર દ્વારા ખુલ્લેઆમ સ્ટેન સ્વામીની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પૂણેના ભીમા કોરેગાંવ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે, NIAએ 10,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં સ્ટેન સ્વામીને CPI માઓવાદી સંગઠનના સક્રિય સભ્ય તરીકે દર્શાવવામાં આવ્યા છે. સ્વામીને CPI માઓવાદીઓની ફ્રન્ટિયર ઓર્ગેનાઇઝેશન પર્સેપ્ડ પ્રિજનર્સ સોલિડૈરિટિ કમિટિ (PPSC)ના કન્વિનર દર્શાવવામાં આવ્યા છે.
મૂળ કેરળના સ્વામી સ્ટેન ઝારખંડના જાણીતા સામાજિક કાર્યકર છે આ ચાર્જશીટ મુજબ સ્ટેન સ્વામી મહારાષ્ટ્રના CPI માઓવાદીઓ સાથે સતત સંપર્કમાં હતા. માઓવાદી કેડર માટે ભંડોળ એકત્રિત કરવાનો આરોપ પણ તેમના પર છે. ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી અજયકુમાર કદમની આગેવાની હેઠળની NIAની ટીમે 8 ઓક્ટોબરની રાત્રે ફાધર સ્ટેન સ્વામીને નમકુમના બગઈચા સ્થિત ઘરમાંથી ધરપકડ કરી હતી. જે બાદ શુક્રવારે તેમને ફ્લાઇટ દ્વારા મુંબઇ લઈ જવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના પુણેના ભીમા કોરેગાંવ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એફ એજન્સી(NIA) દ્વારા 10 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી આ પહેલા 28 ઓગસ્ટ 2018ના રોજ મહારાષ્ટ્ર પોલીસે સ્ટેન સ્વામીના ઓરડામાં તપાસ કરી હતી. 12 જુલાઈ 2019ના રોજ મહારાષ્ટ્ર પોલીસની 8 સભ્યોની ટીમે રાંચીમાં સ્ટેન સ્વામીના ઘરે રેડ કરી હતી. પોલીસે તેમના રૂમમાં સાડા ત્રણ કલાક સુધી તપાસ કરી હતી. આ ટીમે તેમના કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક અને ઇન્ટરનેટ મોડેમ પણ જપ્ત કર્યું હતું. તેમના ઇમેઇલ અને ફેસબુક પાસવર્ડ્સ પણ બદલવામાં આવ્યા હતા. બન્ને અકાઉન્ટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેથી ડેટાની તપાસ કરી શકાય.
NIAની ટીમ 6 ઓગસ્ટના રોજ દિલ્હીથી આવી હતી. ત્યાર બાદ લગભગ ત્રણ કલાક તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તાજેતરમાં NIA મુંબઇએ પણ પૂછપરછ માટે તેમને સમન્સ મોકલ્યું હતું. ત્યારે સ્ટેન સ્વામીએ ઇમેઇલ દ્વારા તેમની બગડતી તબિયત વિશે માહિતી આપી હતી અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા NIA સમક્ષ હાજર રહેવાની વિનંતી કરી હતી.
સ્ટેન સ્વામીના માથે સરકારનો હાથ
ઝારખંડ સરકાર સ્ટેન સ્વામીની ધરપકડનો ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે. મુખ્યપ્રધાન હેમંત સોરેને ટ્વીટ કર્યું છે કે, ગરીબ, વંચિતો અને આદિવાસીઓનો અવાજ ઉઠાવનારા સ્ટેન સ્વામીની ધરપકડ કરીને કેન્દ્રની ભાજપ સરકાર શું સંદેશ આપવા માંગે છે? તમારા વિરોધના દરેક અવાજને દબાવવા માટે ભાજપ કટ્ટર છે?
ઝારખંડના નાણા પ્રધાન રામેશ્વર ઉરાંવે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર શહેરી નક્સલવાદના નામે દેશના જુદા જુદા ભાગોમાં વસતા બૌદ્ધિકોને પરેશાન કરવાની કાર્યવાહી કરી રહી છે. ફાધર સ્ટેન સ્વામી 25 વર્ષથી રાંચીમાં કામ કરી રહ્યા છે અને આદિજાતિ સમુદાયના ઉત્થાનમાં રોકાયેલા છે. આવી સ્થિતિમાં તેમને શહેરી નક્સલવાદના નામે ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ પણ મહારાષ્ટ્ર પોલીસે ભાજપના નેતૃત્વવાળી સરકારના ઈશારે સ્ટેન સ્વામીના ઘરે દરોડા પાડ્યા હતા.
કોંગ્રેસના ઝારખંડ રાજ્યના પ્રદેશ પ્રવક્તા આલોકકુમાર દુબે, લાલ કિશોરનાથ શાહદેવ અને રાજેશ ગુપ્તાએ પણ સરકાર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે. આ સાથે ઘણા સામાજિક કાર્યકરોનો વિરોધ રસ્તાઓ પર દેખાવા લાગ્યો છે. આ અંતર્ગત શુક્રવારે રાંચીના આલ્બર્ટ એક્કા ચોકમાં વિવિધ આદિજાતિ અને સામાજિક કાર્યકરોએ માનવ સાંકળ બનાવીને સ્ટેનને મુક્ત કરવાની માગ કરી હતી.
સ્ટેન સ્વામી સાથે જોડાયેલા વિવાદો
સ્ટેન સ્વામી 2017માં શરૂ થયેલા પાથલગાડી આંદોલનને લઈને વિવાદમાં આવ્યા હતા. ખુન્ટીમાં લોકોને પથ્થરમારો કરવા માટે ભડકાવવાનો આરોપ લગાવતા સ્ટેન સ્વામી પર પોલીસે રાજદ્રોહનો આરોપ મૂક્યો હતો. પથ્થરમારો દ્વારા સોશિયલ મીડિયાને પ્રોત્સાહન આપ્યું હતું. લોકોને સરકાર વિરુદ્ધ ભડકાવ્યો હતો અને સરકારી યોજનાઓનો વિરોધ કર્યો હતો. આ તમામ કેસો પર સ્ટેટ સ્વામી વિરુદ્ધ 26 જુલાઈ, 2019ના રોજ ITA એક્ટ હેઠળ ખુન્ટી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ખુન્ટી SPએ 25 જાન્યુઆરી, 2019ના રોજ આ કેસમાં ફાધર સ્ટેટ સ્વામી, બબિતા કસ્યપ, સુકુમાર સોરેન, વિરસ નાગ, થોમસ રૂન્ડા, વોલ્ટર કંડુલના, ઘનશ્યામ બિરુલી, ધરમકિસો કુલ્લુ, સમા ટુડુ, ગુલશન ટુડુ, મુક્તિ તિર્કી, રાકેશ રોશનકિરો, અજલ કંડુલના, અનુપમ સુમિત લકડા, અજંગ્યા બિરૂઆ, વિકાસ કોન્ડા, વિનોદ કેરકેટ્ટા, આલોકા કુજુર, વિનોદકુમાર, થિયોડર કિડોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ ખુન્ટી પોલીસે 21 ઓક્ટોબર, 2019ના રોજ સ્ટેન સ્વામીના ઘરમાં તપાસ કરી હતી. જો કે, 2019માં રાજ્યમાં નવી સરકાર બનતા સાથે જ રાજદ્રોહનો કેસ પરત ખેંચી લેવામાં આવ્યો હતો.
કોણ છે સ્ટેન સ્વામી
મૂળ કેરળના સ્વામી સ્ટેન ઝારખંડના જાણીતા સામાજિક કાર્યકર છે. 84 વર્ષના સ્ટેન છેલ્લા 25 વર્ષથી ઝારખંડમાં રહે છે. સ્ટેન સ્વામીનું રાંચીના નમકુમ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બાગાયચામાં એક મકાન છે. તેમને અહીં આદિજાતિ અને વંચિત જૂથો માટે કામ કરે છે. સ્ટેન સ્વામી હંમેશા આદિવાસીઓની તરફેણમાં અને સરકારની વિરુદ્ધમાં અવાજ ઉઠાવતા રહ્યા છે.
આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સલાહકાર પરિષદની રચનાના નિર્દેશના આધારે બંધારણના 5મા શેડ્યૂલને સરકાર શા માટે લાગુ નથી કરી રહી? તે અંગે તેમને સતત પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જો આ આદિવાસી સલાહકાર પરિષદની રચના થાય તો આ પરિષદ આદિવાસીઓના વિકાસ માટે રાજ્યપાલના સલાહકાર તરીકે કામ કરશે.
શું છે ભીમા કોરેગાંવ કેસ
1 જાન્યુઆરી, 1818ના રોજ મહારાષ્ટ્રના પુણે નજીક ભીમા કોરેગાંવ ખાતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મહાર સમુદાયની મદદથી પેશ્વાની સેનાને પરાજિત કરી હતી. જેને દર વર્ષે દલિતોની બહાદુરીના પ્રતિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2018માં આ તહેવારના બરાબર એક દિવસ પહેલા અલગાર પરિષદે રેલી કાઢી હતી. આ રેલીમાં હિંસા ભડકાવવાની પૂર્વ ભૂમિકા તૈયાર કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરી, 2018ના રોજ રેલીમાં ઉશ્કેરણીજનક ભાષણોના કારણે જાતિય હિંસા ભડકી ઉઠી હતી.
આ સંગઠન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનું ષડ્યંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ભીમા કોરેગાંવમાં હિંસા અને અર્બન નક્સલવાદીઓ વડાપ્રધાનની હત્યાનું કાવતરું રચવા બદલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એફ એજન્સીએ જાન્યુઆરી, 2020માં કેસ અધિગ્રહણ કર્યો હતો. NIAએ આ મામલે સ્ટેન સ્વામી સહિત 8 લોકોની સામે ચાર્જશીટ દાખલ કરી છે.
આ આરોપીઓમાં દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર હની બાબુ, સામજિક કાર્યકર્તા નવલખા, ગોવા ઇન્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર આનંદ તેલતુંબડે અને કબીર કલા મંચના 3 સભ્યો જગદીપ, રમેશ ગાઇચોર અને સાગર ગોરખેનો સમાવેશ થાય છે. જેમાં આરોપી નવલખાનું કનેક્શન પાકિસ્તાનની જાસુસી એજન્સી ISISI સાથે હોવાની પણ શંકા છે.