હૉંગ કૉંગઃ છેલ્લાં કેટલાંક સપ્તાહોથી આ કાયદાની વ્યાપક રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઝાટકણી કાઢવામાં આવી છે પંતુ ચીને તેને પોતાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ગણાવી તેને નકારી કાઢી છે. ગઈ કાલે સવારે અહેવાલો મુજબ, ચીનમાં નેશનલ પીપલ્સ કૉંગ્રેસની સ્થાયી સમિતિએ રાજદ્રોહ વિરોધી ધારો પસાર કર્યો છે અને હવે તેને હૉંગ કૉંગના મૂળ કાયદામાં ઉમેરી દેવાશે.
આનાથી અમેરિકા અને હૉંગ કૉંગ વચ્ચે બગડી રહેલા સંબંધો વચ્ચે તણાવનો નવો તબક્કો શરૂ થયો છે. અમેરિકાના વિદેશ ખાતાએ જાહેર કર્યું હતું કે ચીનના ઉપરોક્ત પગલાંથી ડૉનાલ્ડ ટ્રમ્પ સરકારને આ પ્રદેશ સાથે તેના સંબંધો નવેસરથી વિચારવા ફરજ પડી છે. અમેરિકાએ ચીનના આ નિર્ણને સંયુક્ત રાષ્ટ્રોમાં નોંધાયેલા ચીન-બ્રિટિશ સંયુક્ત ઘોષણાપત્ર હેઠળ તેનાં પોતાનાં વચનોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. "જો ચીન હૉંગ કૉંગ નિવાસીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયનો વિશ્વાસ પુનઃ પ્રાપ્ત કરવા માગતું હોય તો તેણે સંયુક્ત રાષ્ટ્રોમાં ૧૯૮૪માં નોંધાયેલા ચીન-બ્રિટિશ સંયુક્ત ઘોષણા હેઠળ હૉંગ કૉંગના લોકો અને યુનાઇટેડ કિંગ્ડમને આપેલાં વચનોનું સન્માન કરવું જોઈએ." તેમ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયોએ સોમવાર રાત્રે કહ્યું હતું. યુકે અને તાઇવાને અગાઉ કહ્યું છે કે તેઓ નવા કાયદાના અમલના કારણે જે તડાપીટ બોલશે તેના પગલે જે ચળવળકારો અને લોકશાહી માટેના વિરોધ પ્રદર્શનકારો આશ્રય કે નિવાસ માગશે તો તેમને મદદ કરશે.
લોકોએ હૉંગ કૉંગમાં શેરીઓમાં શા માટે ઉતરવું પડ્યું?
ગત વર્ષે જુલાઈમાં દાખલ કરાયેલ પ્રત્યર્પણ ખરડાથી તત્કાળ વિરોધ પ્રદર્શનો શરૂ થયાં જેમાં હૉંગ કૉંગની શેરીઓમાં દસ લાખ જેટલા લોકો ઉતરી આવ્યા અને 'ભાગેડુઓ'ને મુખ્ય દેશ ચીનને મોકલવાના સૂચિત ખરડાનો વિરોધ શરૂ કર્યો. 'એક દેશ, બે પ્રણાલિ' કાર્યમાળખા હેઠળ હૉંગ કૉંગને ન્યાયિક સ્વતંત્રતા આપવામાં આવી હતી તેના પર આ પગલાને સીધા હુમલા તરીકે જોવામાં આવ્યો.
તે પછી સપ્ટેમ્બરમાં આ ખરડો પાછો ખેંચી લેવામાં આવ્યો પરંતુ સામાજિક અસંતોષ ચાલુ રહ્યો. નેતાવિહોણી આ વિરોધ ઝુંબેશને તાકાત મળી કેમ કે લોકશાહી તરફી નેતાઓ નવેમ્બરમાં યોજાયેલી ૧૮ સ્થાનિક પરિષદ પૈકી ૧૭માં ભારે મતોથી વિજયી બન્યા. જૂન ૨૦૧૯માં શરૂ થયેલા લોકશાહી તરફી વિરોધ પ્રદર્શનોની ચીને ઝાટકણી કાઢી છે. આ પ્રદર્શનો આ વર્ષે મેમાં રાષ્ટ્રીય સુરક્ષા ખરડાના મુસદ્દાને દાખલ કરવામાં આવ્યો તેનાથી ઓર ભડક્યા છે. ચીને વિરોધ પ્રદર્શનોને 'અલગતાની અપીલ કરતાં તત્ત્વો સાથે ભાંગફોડનાં કૃત્યોના મિશ્રણ' તરીકે ગણાવ્યાં છે અને હિંસાની ઉશ્કેરણી માટે 'વિદેશી બળો'ની સહભાગિતાનો આક્ષેપ કર્યો છે.
પ્રદર્શનકારીઓની માગણી શું છે?
હૉંગ કૉંગમાં અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શન કરનાર લોકોની માગણી છે કે મુખ્ય દેશ ચીન દ્વારા તેમના અધિકારો પર તરાપ મારવામાં ન આવે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા ધારા કે જે ત્રાસવાદ સામે લડવાના હથિયારના રૂપમાં આવ્યો છે તેને ના કહી છે. તેઓ પૂર્ણ લોકશાહી અધિકારો માગી રહ્યા છે જે સમગ્ર વસતિને તેના પોતાના મુખ્ય વડા ચૂંટવાની છૂટ આપે. આ ઉપરાંત વિરોધ પ્રદર્શનકારીઓની એવી પણ માગણી છે કે નાગરિક પ્રદર્શનકારીઓ પર પોલીસે જે ક્રૂરતા દાખવી છે તેના આક્ષેપોની સ્વતંત્ર તપાસ માટે એક સમિતિ રચવામાં આવે. જોકે બહુમતી લોકો મુખ્ય દેશથી અલગ થવાની માગણી નથી કરી રહ્યા. લોકો હજુ નવા સુરક્ષા ધારાના સત્તાવાર લખાણની રાહ જોઈ રહ્યા છે પરંતુ અહેવાલો સૂચવે છે કે તે મુખ્ય દેશ ચીનને હૉંગ કૉંગની શાળાઓમાં રાષ્ટ્રીય સુરક્ષા વિશે શિક્ષણ પર નજર રાખવા જેવી અન્ય સત્તા પણ આપશે. આ ધારાનો અમલ હૉંગ કૉંગની સરકારે કરવાનો રહેશે પરંતુ કેટલાક કેસોમાં શી સરકાર હૉંગ કૉંગની સત્તાઓના નિર્ણય બદલી શકે છે.