ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાતમાં હાઈએલર્ટ: કચ્છ સરહદે સુરક્ષા વધારાઈ, વાહનોનું સઘન ચેકીંગ

કચ્છઃ દુશ્મન રાષ્ટ્ર પાકિસ્તાનને જવાબ આપવાની શરૂ કરાયેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનને અડીને આવેલી કચ્છ સરહદે પહેરો વધુ મજબૂત બનાવી દેવાયો છે. મળતી વિગતો મુજબ લશ્કરની વધુ કુમકો ઉતારવામાં આવી રહી છે. અને સાથે જરૂરી શત્રસામગ્રી પણ પહોંચતી કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં આતંકવાદી હુમલામાં કચ્છના દરિયાઇ માર્ગનો ઉપયોગ થઇ ચૂકયો હોવાની બાબતને લઇને આ મુદ્દાને ખાસ ગંભીરતા આપવામાં આવી છે.

gujarat

By

Published : Feb 27, 2019, 7:35 PM IST

એકબાજુ સાગરસીમાએ પેટ્રોલિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે તો દરિયામાં થતી હેરફેર અને હિલચાલને જાણવા માટે પોલીસ અને મરીન સેકટર દ્વારા ફિશરમેન વોચ ગ્રુપને વધુ કાર્યરત કરાયું છે. ધોરીમાર્ગો અને આંતરિક રસ્તાઓની સાથેસાથે સમુદ્રી રસ્તે પણ રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ સાથે જાપ્તો ગોઠવી દેવાયો હોવાની વિગતો સત્તાવાર સાધનો પાસેથી મળી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી વિવિધ ગતિવિધિઓ પરાકાષ્ઠાએ પહોંચી હતી. જેનું સ્પષ્ટ ચિત્ર જોવા મળી રહયું છે. કચ્છ સરહદે લખપતથી લઇ ખાવડા અને છેક રાપરના નાના રણ સુધીની સીમાએ સુરક્ષાનો મોરચો સંભાળી લેવાયો છે. સરહદના રખોપા માટે તૈનાત સુરક્ષાદળના જવાનોની સાથે અન્ય ટુકડીઓ બીજી હરોળમાં આવીને તેમની મદદમાં તૈનાત થઇ ચૂકી છે. જમીનમાર્ગે સરહદની પેલેપારથી કોઇપણ પ્રકારની અનિચ્છનીય હરકત થાય તો તેને ભરી પીવાય તેવી વ્યવસ્થા તૈનાત થઇ ચૂકી છે. કચ્છમાં વિવિધ સરહદે લશ્કર અને જવાનો માટે જરૂરી એવી શત્ર અને વાહનો સહિતની સામગ્રી પહોંચતી કરવામાં આવી છે. આ માટેનો વ્યાયામ અને ધમધમાટ અત્યારે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.

બીજી બાજુ આંતરિક સુરક્ષાને લઈ પોલીસ વિભાગ પણ એલર્ટ છે અને કચ્છ જિલ્લામાં બહારથી થતી અવરજવર અને સીમાવર્તી વિસ્તારોમાં આંતરિક પેટ્રોલિંગ સહિતની વ્યવસ્થાને પણ વધુ મજબૂત કરવામાં આવી છે. ધોરીમાર્ગો સહિતના સ્થાનોને આ પેટ્રોલિંગ તળે આવરી લેવાયા છે. આ સ્થિતિમાં રજામાં ગયેલા પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક પરિક્ષીતા રાઠોડ પણ પુન: ફરજ ઉપર હાજર થઇ ગયા છે. શહેરી વિસ્તાર ઉપરાંત મહત્ત્વના અને મોટા ગામોમાં તપાસનાં કાર્યને વેગવંતું બનાવાયું છે. ખાસ કરીને આવતા-જતા વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. દરિયાઇ સુરક્ષા અને કાંઠાળ વિસ્તારની સલામતી ઉપર વધુ ધ્યાન આપવા સાથે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. કચ્છ બનાસકાંઠા અને પાટણના પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાઘેલાની નિગરાનીમાં પોલીસ જિલ્લાના એસ.પી. અને સ્ટાફ કાર્યવાહીમાં જોતરાઈ ગયું છે.

દરમિયાન ભુજમાં તૈનાત લશ્કરી બ્રિગેડને પણ સાબદી કરાઇ છે. આર્મી દ્વારા એક હેલ્પલાઈન નંબર જારી કરીને નાગરિકો માટે મદદ કરવા અને જાગૃત રહેવા અપીલ કરાઈ છે. લશ્કરની ક્વિક રિસ્પોન્સ ટીમો (ક્યુઆરટી) તૈયાર કરી દેવામાં આવી છે. આર્મી કેમ્પો પાસે ખાસ સુરક્ષા ઉભી કરી દેવામાં આવી છે. રાઉન્ડ ધી કલોક સુરક્ષા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details