મધ્યપ્રદેશના ગુના મત વિસ્તારમાં આ વખતની ચૂંટણી અગાઉની ચૂંટણીની સરખામણીએ એક તરફી હોઈ તેવું જણાઈ રહ્યું છે. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયાની ટક્કર અન્ય કોઈ નહીં પરંતુ પોતાના જ સાંસદ પ્રતિનિધિ રહેલા કે.પી. યાદવ સામે છે. જે ભાજપના ઉમેદવાર છે. સિંધિયા આ ચૂંટણીમાં જીતનો રેકૉર્ડ બનાવવા ઈચ્છે છે. તે જ કારણ છે કે તેઓ અગાઉની ચૂંટણી કરતા વધારે સક્રિય છે અને તેમની ધર્મપત્નિ પ્રિયદર્શિની રાજે સિંધિયા પણ હવે તો તેમને પૂરો સાથ આપી રહી છે.
ગુના-શિવપુરી સંસદીય મતવિસ્તારને ગ્વાલિયરના સિંધિયા રાજઘરાનાનો ગઢ માનવામાં આવે છે, કારણ કે અત્યાર સુધી થયેલી પેટાચૂંટણી સહિત 20 ચૂંટણીમાં સિંધિયા રાજઘરાના પ્રતિનિધિઓને 14 વખત વિજય પ્રાપ્ત થયો છે. જ્યોતિરાદિત્યના દાદી વિજયરાજે સિંધિયા છ વખત, પિતા માધવરાવ સિંધિયા ચાર વખત અને જ્યોતિરાદિત્ય સિંધિયા ખુદ ચાર વખત જીત મેળવી ચૂક્યા છે. જ્યારે એકવાર સિંધિયા રાજઘરાના નજીકના મહેન્દ્રસિંહ કાલૂખેડા જીત્યા હતા.
જ્યોતિરાદિત્ય સિંધિયાની આ પાંચમી ચૂંટણી છે. આ અગાઉ તે ચાર વખતની ચૂંટણીમાં સતત જીત નોંધાવી ચૂક્યા છે. સિંધિયાએ પોતાના પિતા માધવરાવ સિંધિયાના અવસાન પછી થયેલા 2002ની પેટાચૂંટણીમાં આશરે સવા ચાર લાખ મતના અંતરથી વિજય પ્રાપ્ત કર્યો હતો. જ્યારે 2004માં આ અંતર ઘટીને 86 હજારે અટકી ગયું હતુ. ત્યારબાદની ચૂંટણીમાં તેઓએ 2009માં અઢી લાખ મત અને 2014માં જીતનું માર્જિન 20 હજાર થઈ ગયું હતુ.